તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
‘‘બીએપીએસ'' સ્વામિનારાયણ મંદિરના ૨૭માં પાટોત્સવદિનની ભવ્ય ઉજવણીઃ પાટોત્સવ પર્વે મંદિરે ઠાકોરજીને ષોડશોપચાર પૂજનવિધિ, અભિષેકવિધિ અને અન્નકૂટ

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને ૨૭ વર્ષ પૂર્વે ઈ.સ.૧૯૯૮માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. આ મંદિરના ૨૭માં પાટોત્સવે પ.પૂ. મહંતસ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદથી ષોડશોપચાર પૂજનવિધિ અને અભિષેકવિધિ તેમજ પાટોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના ૨૦થી અધિક સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવની ઉજવણી અંતર્ગત નિજ મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગળા આરતી બાદ પાટોત્સવની મહાપૂજાવિધિ યોજાઈ હતી. જેમાં પૂજ્ય સંતો અને યજમાન હરિભક્તો જોડાયા હતા. સવારે ૭:૩૦ થી ૮ દરમિયાન મંદિરમાં બિરાજમાન ઠાકોરજી સમક્ષ તથા ગુરુપરમ્પરા, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી સમક્ષ પૂજ્ય સંતો દ્વારા પૂજન, અભિષેક, પંચામૃત સ્નાન અને કેસર જલાભિષેક વગેરે પાટોત્સવ વિધિઓ સંપન્ન થઈ હતી. ૮ થી ૮:૩૦ દરમિયાન શ્રી નીલકંઠવર્ણી મહારાજની પાટોત્સવવિધિ યોજાઈ હતી. જેમાં પૂજ્ય સંતો દ્વારા પુજન, પંચામૃત સ્નાન, કેસર જલાભિષેક, ધૂન અને આરતી વિવિધ વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી. જેમાં સંતો તથા ઉપસ્થિત તમામ હરિભક્તોએ ભગવાન સમક્ષ ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં સુશાંતિ સ્થપાય સાથે સાથે ભારત તેમજ વિશ્વના તમામ ભક્તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ૮:૩૦ થી ૯ દરમિયાન મંદિર પર ઠાકોરજી સમક્ષ પાટોત્સવની સભા યોજાઈ હતી જેમાં ઉપસ્થિત સંતોએ મંદિરની વિશિષ્ટ સ્મૃતિનો લાભ આપ્યો હતો. ૯ થી ૯:૩૦ દરમિયાન પાટોત્સવ નિમિતે મુખ્ય યજમાનો દ્વારા ઠાકોરજીને ષોડશોપચાર પૂજન દ્રવ્યોની અર્પણવિધિ અને અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તો ઠાકોરજીની સમુહ આરતમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કર્યુ હતું એ પરંપરામાં હાલ પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ દૂબઈ, અમેરિકા, આફ્રિકા જેવા દેશોમાં અને ભારતભરમાં મંદિરોના નિર્માણ દ્વારા ભારતની ભવ્ય વિરાસતને સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યા છે. જેનો લાભ પામી અનેક પરિવારો જીવનને કૃતાર્થ કરી રહ્યા છે. રાજકોટ મંદિરના સુરક્ષિત અને સુચરિત ૨૧ સંતો દ્વારા માર્ગદર્શિત વિવિધ આધ્યાત્મિક અને સામાજીક પ્રવૃતિઓ દ્વારા બાળકો, યુવાનો, મહિલાઓ, અને વડિલો પોતાનું જીવન ચારિત્ર્યવાન અને સંત્સંગ પ્રધાન બનાવી કલ્યાણ માર્ગે આગળ વધી રહ્યા છે. દર રવિવારે યોજાતી વિવિધ સભાઓ દ્વારા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર શીખે છે, યુવાનો સેવા અને સમર્પણના પાઠો દ્રઢાવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે, મહિલાઓ નારી શક્તિને ઉજાગર કરે છે, વડીલો સમજણનો સેતુ વધુ દૃઢ કરે છે. સાથે સમગ્ર વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવો દ્વારા મંદિર સનાતન હિંદુ સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાને જીવંત રાખી પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે છે. તો વળી આફત સમયે આધાર બની સમાજને મદદરૂપ પણ થાય છે.
(2:42 PM IST)










