તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
રાજકોટના વિજયનગરમાં તાલુકા મામલતદારનું ઓપરેશન : ૧૦ કરોડની જમીન ખુલ્લી
પ એકર સરકારી જમીન પર સોફાનું ગોડાઉન-કારખાના-દુકાનો-ચાની હોટલો-રેસ્ટોરન્ટ ઉભા થઇ ગયા હતાઃ બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ, તા., ર૭: જીલ્લા કલેકટરની સુચના અને સીટી પ્રાંત-ર, ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાય સમયથી થયેલું આશરે પાંચ એકર જેટલું વિશાળ અને ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ ગઈકાલે સવારથી સાંજ દરમિયાન બુધવારના રોજ દૂર કરવામાં આવ્યું હતું. જે જમીનની બજાર કિંમત રૂ. ૧૦ કરોડથી પણ વધુ થવા જાય છે. સરકારી ખરાબાના સર્વે નંબર ૧૧૬ પૈકીની આ જમીન રાજકોટ-મોરબી હાઈવે પર ઉપર આવેલી છે.
અધિકારી સુત્રોના કહેવા મુજબ આ સરકારી જમીન પર રહેલ સોફાનું ગોડાઉન,પાપડ (દિવાલ બનાવવાના) કારખાનું,દુકાનો,ચાની હોટલો, રેસ્ટોરન્ટ, અન્ય તમામ વાણિજ્યિક બાંધકામો ઉભા થઇ ગયા હતા. અનઅધિકળત દબાણોને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આ ડિમોલિશનની કાર્યવાહી રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશની સૂચનાથી ગ્રામ્ય પ્રાંત મહેક જૈનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં સિનીયર નાયબ મામલતદાર શ્રી કિરીટસિંહ ઝાલા તથા ભુમીકા લાવડીયા, નાયબ મામલતદાર, ડી. એમ. વધાસીયા, શૈલેષ જોષી,નકીબેન ,સાગર ચાપડા ૨૫ જેટલો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો
છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર દબાણ કરનારા આઠ જેટલા લોકોની ઓળખ થઈ છે, જેમાં પુનાભાઈ, હિન્દાભાઈ, સામનભાઈ દેવાભાઈ સાનીમા, લાલભાઈ નરીભાઈ મિયાત્રા, રશ્મિનભાઈ ઝુણેજા, સાબિર કેજુમાભાઈ લાખા,પ્રકાશભાઈ નિમાવત, પ્રેમજી નાગજીભાઈ સહિતના આઠ જેટલા આસામીઓ છેલ્લા કેટલા સમયથી દબાણ કર્યું હતું અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર ના કરતા ગઈકાલે દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને કરોડોની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ અંગે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(11:40 AM IST)










