તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
બાજુમાં બેસવાની ના પાડનારા રામબાલકને પાડોશી ગજેન્દ્રએ ઘુસ્તાવ્યો, ખૂનની ધમકી
ગોંડલ રોડ પર ઉદ્યોગનગરમાં નશાની હાલતમાં રહેતાં શખ્સની બઘડાટી : મજૂર યુવાને ફોન કરી શેઠ રજનીકાંતભાઇને બોલાવતાં તે વચ્ચે પડતાં તેને પણ ગાળો દઇ ધમકી આપીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૬: શહેરના ગોંડલ રોડ પર આવેલી ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા એક શ્રમિક યુવક પર તેના પડોશીએ હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી છે. નશાની હાલતમાં રહેલા પાડોશીએ આ યુવાનને ઉભો રાખી પોતાની બાજુમાં બેસવાનું કહેતાં યુવાને ના પાડતાં તેની ડોક પકડી પાટું માર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ આ યુવાનને તેના શેઠ બચાવવા વચ્ચે પડતાં તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસથી પણ પોતે બીતો નથી તેવી હોંશીયારી મારી હતી.
આ બનાવની જાણવા મળેલી વિગત મુજબ આ મામલે એ-ડિવીઝન પોલીસે ગોંડલ રોડ ઉદ્યોગનગર કોલોની ક્વાર્ટર નં. ૧૦૪ પાસપોર્ટ ઓફિસવાળી શેરીમાં રહેતાં રામબાલક સેતુભાઇ ચોૈરસીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં ગજેન્દ્ર બહાદુરભાઇ જાદવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રામબાલક મુળ યુપીના ગંગાપુર સિધ્ધાથનગરનો વતની છે. તે કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે ૨૩મીએ રાતે નવેક વાગ્યે હું રહેણાંક વિસ્તારમાં જમવા માટે જતો હતો ત્યારે તેના ઘરના ચોક પાસે રહેતો ગજેન્દ્ર બહાદુરભાઈ જાદવ નશાની હાલતમાં બેઠો હતો. તેણે રામબાલકને રોકીને પોતાની બાજુમાં બેસવા કહ્યું હતું. રામબાલકે જમવાનું બાકી હોવાનું જણાવી ના પાડતાં ગજેન્દ્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રામબાલકની ડોક પકડી લઇ ઢીકો પાટું મારી ઢોર માર માર્યો હતો. માર મારતી વખતે તેણે ‘અહીં બેસ મારી પાસે નકર તને હું જાનથી મારી નાખીશ' તેમ કહીને બેફામ ગાળો પણ દીધી હતી.
બાદમાં રામબાલકે પોતાના શેઠ રજનીકાંત પ્રેમજીભાઈને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા. તેણે તુરંત પહોંચીને રામબાલકને ગજેન્દ્રના વધુ મારથી બચાવ્યો હતો. જો કે ગજેન્દ્ર જાદવે બચાવવા આવેલા રામબાલકના શેઠને પણ જેમફાવે તેમ ગાળો આપી અને ‘તું અહીંથી જતો રહે, નકર તને પણ જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું ક-તારે પોલીસ બોલાવવી હોય તો બોલાવી લે, હું પોલીસથી બીતો નથી. આ ઘટનાને પગલે વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચતા જ આરોપી ગજેન્દ્ર ત્યાંથી ભાગી ગયો હતો. રામબાલક ચૌરસિયા અને તેના શેઠે એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચી ગજેન્દ્ર વિરૂધ્ધ જાનથી મારી નાખવાની ધમકી, માર મારવા અને અપશબ્દો બોલવા બદલ ફરિયાદ કરતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર.જી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:09 PM IST)










