<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ત્રિલોક પાર્કમાં હિતેષભાઇ પરમારના પરિવારને છરીના ઘા ઝીંકી દઇ પતાવી દેવાની પાડોશી દંપતિની ધમકી

ગોપાલ ચોક નજીક રહેતાં પરિવાર સાથે જુની અરજીનો ખાર રાખી ડખ્‍ખો કરાયો : હિતેષભાઇના દિકરાએ પોતાના દાદાને જમીને હાથ ધોઇ લેવાનું કહેતાં-પાડોશીએ તારા બાપના હાથ પણ ધોવડાવી લેજે કહી ગાળો ભાંડીઃ યુનિવર્સિટી પોલીસે મનોજ પરમાર અને તેના પત્‍નિ મીના પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: શહેરના ગોપાલ ચોક નજીક અક્ષર સ્‍કૂલ પાસે ત્રિલોક પાર્કમાં રહેતાં અને દરજી કામ કરતાં પ્રોૈઢનો દિકરો  જમીને ફળીયામાં તેના દાદાને હાથ ધોઇ લેવાનું કહેતો હતો ત્‍યારે પાડોશમાં રહેતાં દંપતિએ આ પ્રોૈઢના દિકરાને ગાળો દઇ તારા બાપને પણ હાથ ધોવડાવી લેજે તેમ કહી ટાંટીયા ભાંગી નાંખવાની અને આખા પરિવારને જો ઘર છોડીને ભાગી નહિ જાઓ તો છરીના ઘા મારી દઇશ તેવી ધમકી આપતાં બંને પતિ-પત્‍નિ વિરૂધ્‍ધ ફરિયાદ કરવામાં આવી છે. ધમકી આપનાર પોતે કોર્પોરેશનમાં નોકરી કરે છે, વગ ધરાવે છે જેથી મકાન પણ ભાડે અપાવવા નહિ દે તેવુ કહી હેરાન કરતા હોઇ અગાઉ તેના વિરૂધ્‍ધ અરજી કરી હોઇ ખાર રાખી ફરીથી માથાકુટ કરી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ત્રિલોક પાર્ક-૧માં રહેતાં અને સાધુ વાસવાણી રોડ પર નક્ષત્ર-૫માં દૂકાન નંબર ૧૦૮માં નાના ભાઇ પંકજભાઇ સાથે દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હિતેષભાઇ ચંદુભાઈ પરમાર (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી તેમના પાડોશી મનોજભાઇ પરમાર અને તેના પત્‍નિ મીનાબેન મનોજભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે.  દ્વારા ગાંધીગ્રામ-૨ પોલીસ સ્‍ટેશનમાં હિતેષભાઇએ જણાવ્‍યું છે કે તા. ૨૩/૧૧ના બપોરે અઢી વાગ્‍યે હું, મારા પત્‍નિ, બાળકો ઘરે હતાં. મારા પિતા ચંદુભાઇ મોટી ઉમરના હોઇ જમીને તેઓ ફળીયામાં ઉભા હતાં. આ વખતે મારા દિકરા ભવ્‍યએ મારા પિતાને કહેલું કે-તમે હાથ ધોઇ લ્‍યો.

આ વખતે પાડોશી મનોજભાઇ અને તેના પત્‍નિ મીનાબેન તેના ફળીયામાં ઉભા હોઇ તે સાંભળી જતાં મારા દિકરાને કહેલું કે-તારા બાપને પણ હાથ ધોવડાવી લેજે. જથી મારા દિકરાએ કહેલું કે-અંકલ હું તો મારા દાદાને જમીને હાથ ધોઇ લેવાનું કહુ છું. આ સાંભળી મનોજભાઇ અને મીનાબેને ઉશ્‍કેરાઇ જઇ મારા દિકરાને બેફામ ગાળો દીધી હતી અને મારા દિકરાને મનોજભાઇ કહેવા લાગેલા કે-તારા બાપે અમારા વિરૂધ્‍ધ અરજી કરી છે, હવે અરજી કરી તો તમારી ખેર નથી. તું ઘરની બહાર નીકળ એટલે તારા ટાંટીયા ભાંગી નાંખવા છે.

દેકારો સાંભળી હું અને મારા પત્‍નિ ફળીયામાં જઇ પાડોશી મનોજભાઇને સમજાવવા લાગેલા કે મારા દિકરાને શું કામ ધમકી આપો છો. જેથી તેણે મને પણ ગાળ દઇ કહેલું કે-તું સમયસર તારા પરિવાર સાથે અહિથી જતો રહેજે નહિતર મારો મગજ ગ્‍યો તો તોતને તારા પરિવારને છરીના ઘા મારી જાનથી મારી નાંખીશ. આ પછી તેના પત્‍નિ મીનાબેને પણ ગાળો દીધી હતી. દેકારો થતાં પડોશીઓ ભેગા થઇ જતાં ઝઘડો વધે નહિ તેથી અમે ઘરમાં જતાં રહ્યા હતાં.

મનોજભાઇ અને તેના પત્‍નિ મીનાબેન અવાર-નવાર નાની નાની વાતે ઝઘડા કરી ગાળો દઇ ધમકી આપતાં હોઇ અને કહેતાં હોઇ કે-અમે કોર્પોરેશનમાં નોકરી કરીએ છીએ, અમારુ બધેય ચાલે છે, અમારે વગ છે, તમારે માકાન ભાડે આપવાનું છે ને તમારુ મકાન ભાડે આપવા નહિ દઇએ તેમ કહી હેરાન કરતાં હોઇ જેથી અમે અરજી કરી હોઇ તેનો ખાર રાખી ફરીથી આ બંને પતિ-પત્‍નિએ ઝઘડો કરી મારા દિકરાને, મને અને મારા પત્‍નિને ધમકી દઇ ગાળો આપતાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હિતેષભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

 

(2:49 PM IST)