તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
બંગડી બજારમાં નોવેલ્ટીનું કામ શીખવા જવા નીકળેલી બાળા ગૂમ થઇઃ અપહરણનો ગુનો
જીવરાજ પાર્ક પાસે ટાઉનશીપમાં રહેતાં પરિવારમાં ચિંતા : સોળ વર્ષની બાળા માતાને સફાઇ કામમાં મદદ કરાવ્યા બાદ બંગડી બજારમાં જતી હતીઃ ગઇકાલે ત્યાં પહોંચી જ નહિઃ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૬: શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે ટાઉનશીપમાં રહેતાં મુસ્લિમ પરિવારની ૧૬ વર્ષની દિકરી મહિલા કોલેજ પાસે માતા સાથે ઓફિસમાં સફાઇ કામ કર્યા બાદ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ કરવા જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને ગૂમ થઇ જતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે નાના મવા રોડ વિસ્તારમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. યુવાને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારે સંતાનમાં દિકરો, દિકરી છે જેમાં દિકરી ૧૬ વર્ષની છે. મારા પત્નિ મહિલા કોલેજ નજીક ઓફિસમાં સાફસફાઇનું કામ કરે છે. મંગળવારે ૨૫મીએ સવારે નવેક વાગ્યે હું મારી પત્નિ અને દિકરીને મહિલા કોલેજ ચોક પાસે ઓફિસ ખાતે ઉતારીને મારા કામના સ્થળે જતો રહ્યો હતો. મારી પત્નિ ઓફિસમાં સફાઇ કામ કરતી હોઇ સાથે દિકરી પણ તેને કામમાં મદદ કરાવે છે.
ત્યાંથી સાડા દસેક વાગ્યે દિકરી દરરોજ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ શીખવા જાય છે. ગઇકાલે પણ તે નોવેલ્ટી સ્ટોર જવા નીકળી હતી પરંતુ ત્યાં મોડે સુધી ન પહોંચતા મારા પત્નિને ત્યાંથી જાણ થતાં તેણીએ આ અંગે મને જાણ કરી હતી. આથી હું તુરત મારી દિકરી બંગડી બજારમાં જ્યાં કામ શીખવા જાય છે એ દુકાને પહોંચ્યો હતો અને આસપાસ તપાસ કરી હતી. અલગ અલગ સ્થળે મેં તપાસ કરી હતી પરંતુ તે મળી આવી નહોતી. અંતે મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં યુવાને કહેતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. એન. બી. શિયાળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(2:49 PM IST)










