<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

રામનાથપરામાં રહેતાં સમાજ સુરક્ષાના નિવૃત અધિકારીને આબીદ ચાવડાની ખૂનની ધમકી

મારા ભાઇ વિરૂધ્‍ધની અરજી પાછી ખેંચી લેજે કહી ડખ્‍ખો કર્યો : વૃધ્‍ધે તુર્કી એકેડેમી સ્‍કૂલમાં ભાણેજના દિકરાને મારકુટ થઇ હોઇ તેની અરજી કરી હોઇ ખાર રખાયોઃ એ-ડિવીઝનમાં ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૬: શહેરના રામનાથપરા વિસ્‍તારમાં રહેતાં સમાજ સુરક્ષા ખાતાના નિવૃત અધિકારીને પોલીસ કમિશનરને કરેલી અરજી પાછી ખેંચવાનું કહી બે શખ્‍સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધતા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં પોલીસે રામનાથ પરા જુમ્‍મા મસ્‍જીદ પાસે બાગે હૈદરી નામના મકાનમાં રહેતાં જાહીદભાઈ મહમદઇકબાલભાઈ કાદરી (ઉ.વ.૫૯) નામના વૃધ્‍ધની ફરિયાદ પરથી આબીદ ગુલામહુશેન ચાવડા અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.  ફરિયાદી અગાઉ સમાજ સુરક્ષા ખાતામાં નોકરી કરતા હતા અને હાલ નિવળત્ત છે.

જાહીદભાઈએ જણાવ્‍યું છે કે આજીડેમ ચોકડી પાસે આવેલી તુર્કી એકડેમી સ્‍કૂલમાં મારા ભાણેજના દીકરાને માર મારવામાં આવ્‍યો હતો. આ મામલે પોલીસ કમિશનરને એક અરજી કરી હતી. આ અરજી આપ્‍યા બાદ સમાધાન માટે ગત તા.૧ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ રાત્રે આશરે એક વાગ્‍યાની આસપાસ તેમને સમાજના કેટલાક લોકો સરફરાજભાઈ, તોફીકભાઇ, અલીભાઇ ગોગદા, ઈમ્‍તિયાજભાઈ, અને મહમદભાઈ સહિતના દ્વારા જિલ્લા ગાર્ડન ખાતે બોલાવવામાં આવ્‍યા હતા.

જ્‍યારે સમાધાનની વાતચીત ચાલી રહી હતી ત્‍યારે આબીદ ગુલામહુસેન ચાવડા નામનો શખ્‍સ કાળા કલરની થાર ગાડી લઈને ત્‍યાં આવ્‍યો હતો. આબીદે જાહીદભાઇને ધમકી આપતાં જણાવ્‍યું હતું કે-મારા ભાઈ મુસ્‍તાક ઉર્ફે ગુલામહુસેન ચાવડા વિરૂધ્‍ધ આપેલી અરજી પાછી ખેંચી લેજે, જો અરજી પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાંખીશ. ધમકી આપી આબીદે ગંદી ગાળો બોલી એકદમ ઉશ્‍કેરાઈ જઇ માર મારવા દોડયો હતો. પરંતુ ત્‍યાં હાજર અન્‍ય લોકોએ તેને પકડી રાખ્‍યો હતો. જાહીદભાઈ કાદરીએ વધુમાં જણાવ્‍યું છે  કે આબીદ માથાભારે તેમજ ઝનુની સ્‍વભાવનો હોવાથી કોઈ ઈજા કે નુકશાન પહોંચાડે તેવી બીક હોઇ તેથી આજ સુધી માત્ર અરજી જ આપી હતી અને ફરિયાદ દાખલ કરાવી નહોતી. અંતે ફરિયાદ દાખલ કરાવી હતી. આગળની તપાસ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ. એન. પરમારે હાથ ધરી છે.

(2:48 PM IST)