તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
શ્વાનોનો ત્રાસ રોકવા દવાખાના-શૈક્ષણીક સહિતના જાહેર સ્થળોએ કમ્પાઉન્ડ વોલ બનાવવા સુચના
પરીપત્ર પાઠવી નોડલ ઓફીસરની નિમણુંક કરવાની સુચના આપતી મનપા

રાજકોટ, તા.,૨૫ : શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઇડલાઇન જાહેર કરી રખડતા કૂતરાઓનો સર્વે અને ત્રાસ સામે લોકોને રક્ષણ મળે તે પ્રકારની જવાબદારી પૂર્વકની કાર્યવાહી કરવાનો દરેક મનપા અને નપાને આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની ૩૯ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે, જેમાં ગ્રાઉન્ડ અને પરીસર હોય તેઓએ તાત્કાલીક ધોરણે ફેન્સીંગ અને બાઉન્ટ્રી હોલ બનાવી શ્વાનનો ત્રાસ કરવા સુચના આપી છે. એક નોડલ ઓફિસરની નિમણુક કરી મનપાને રિપોર્ટ આપવાની સૂચના આપી છે.
મનપાના પ્રાણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રખડતા કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તાજેતરમાં ૃસુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં રખડતા તમામ કૂતરાઓનો સર્વે કરી તેમનો ચોક્કસ આંકડો તૈયાર કરવાની તેમજ પબ્લીક એકમો કે, જયાં સતત લોકોની અવર-જવર અને હાજરી રહેતી હોય તેવા એકમોમાં રખડતા કૂતરાઓ ધુસી રહ્યા છે. કે કેમ તેની વિગત એકઠી કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિસર વાળી તેમજ ગ્રાઉન્ડ વાળી ૭ સરકારી સહિત ૩૯ હોસ્પિટલો તેમજ મનપા સંચાલિત તમામ શાળાઓ તથા અન્ય ગર્વમેન્ટ સ્કૂલ અને મનપાના અર્બન સેન્ટરો તથા મેડિકલ કોલેજ સહિતના એકમોને સૂચના સાથે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
મનપાએ પાઠવેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ આ પ્રકારના તમામ એકમોએ રખડતા કૂતરાઓ પરિસરમાં અને ગ્રાઉન્ડમાં ધુસી ન જાય તે માટે ફેન્સીંગ અને કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવે તેવી જ રીતે દરેક એકમોએ એક નોડલ ઓફિસરની નિમણુક કરવાની રહેશે અને તમામ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ આ નોડલ ઓફિસર દ્વારા રિપોર્ટ તૈયાર કરી મહાનગરપાલિકાને આપવાનો રહશે. વખતોવખત મનપા દ્વારા તમામ એકમોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. (૪.૯)
હાંઉઉ...૧૦ માસમાં ૧૪ હજાર
લોકોને શ્વાને બચકા ભર્યા
રાજકોટઃ સુપ્રીમ કોર્ટેની ગાઇડલાઇન મુજબ રખડતા કૂતરાઓનો સર્વે કરવાનુ શરૂ કર્યુ છે. જાહેર સ્થળો ઉપર કૂતરા કરડવાના બનાવો સતત વધારો જોવા મળી રહયો છે. જેના લીધો ઓકટોબર માસ સુધીમાં ૧૪ હજારથી વધુ લોકો ડોગ બાઇટનો ભોગ બન્યા છે. જેમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં ૪૨૨૮ તથા પીડીયુ સરકારી હોસ્પિટલમાં ૫૯૩૨ અને પદ્મકુવરબા હોસ્પિટલમાં ૨૯૪૪ લોકોએ સારવાર લીધી છે. જેમાંે જાન્યુઆરી ૧૬૪૪, ફેબ્રુઆરી ૧૬૬૪, ર્માચ ૧૩૭૮, એપ્રિલ ૧૩૮૬, મે ૧૩૮૭, જૂન ૧૩૦૨, જુલાઇ ૧૪૭૫, ઓગષ્ટ ૧૩૫૮, સપ્ટેમ્બર ૧૩૨૨ અને ઓકટોબર માસમાં ૧૪૯૨ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હતા.
(3:44 PM IST)










