તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
જેલમાં ભાઇબંધી થયા પછી રાજસ્થાનથી ૫.૩૭ લાખનું ડ્રગ્સ મંગાવ્યું: વેંચે એ પહેલા બે પકડાયા
એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુની ટીમનો બેડી ચોકડી સ્વસ્તિક વીલામાં દરોડોઃ અલ્પેશ ઉર્ફ ભુરો તન્ના અને ગોધરાનો સફી પીંજારા પકડાયાઃ રાજસ્થાનના નગુલાલનું નામ ખુલ્યું: હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી

રાજકોટ તા.૨૪: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થ એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેડી ચોકડી નજીક સ્વસ્તિક વીલામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં શખ્સ તથા તેના મિત્ર ગોધરાના શખ્સને રૂા.૫ લાખ ૩૭ હજારના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. અગાઉ આ બંને અલગ અલગ ગુનામાં જેલમાં ભેગા થયા ત્યારે ભાઇબંધી થઇ હતી. હવે બંનેએ પૈસા કમાવવા માટે સાથે મળી ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્લાન ઘડયો હતો. જે અંતર્ગત ગોધરાનો તેનો મિત્ર રાજસ્થાની શખ્સ પાસેથી આ ડ્રગ્સ રાજકોટ લાવ્યો હતો. બંને સાથે મળીને વેંચીને રોકડી કરે એ પહેલા પકડાઇ ગયા હતાં. રાજસ્થાની શખ્સનું સપ્લાયરમાં નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ-એસઓજીના નાર્કોટિક્સ સેલે શહેરને નશામુક્ત કરવાના ‘સે નોટ ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત આ સફળતા હાંસલ કરી છે. પોલીસ કમિશનરર બ્રજેશકુમાર ઝા સહિતના વરિષ્ઠ અધિકારીઓના આદેશ અંતર્ગત એસઓજીની ટમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસઓજી શાખાના હેડકોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહીલ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે, બેડી ચોકડી નજીક સ્વસ્તીક વિલા સોસાયટી પાસેના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં અલ્પેશ ઉર્ફે ભુરો રમેશભાઇ તન્ના (ઉ.વ.૩૨-રહે. સ્વસ્તિક વિલા સોસાયટી-૧) તથા તેના મિત્ર સફી ગુલામભાઇ પિંજારા (ઉ.વ.૨૦, રહે. રહેમતનગર એરીયા, ચીખોદ્રા ગામ તા. ગોધરા)ને ઝડપી લીધા હતાં.
આ બંને પાસેથી કુલ ૧૭૯.૨૪ ગ્રામ મેફેડ્રોન માદક પદાર્થ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા ૫,૩૭,૭૨૦ ગણી એનડીપીએસ એક્ટ હેઠળ બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો.
આ ઉપરાંત પોલીસે ત્રણ ટચ સ્ક્રીન મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦, એક વજન કાંટો કિંમત રૂ. ૫૦૦, અને રોકડા રૂ.૮૦૦ સહિત કુલ રૂપિયા ૫,૫૪,૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ આરોપી અલ્પેશ ઉર્ફે ભુરો તન્ના વિરૂધ્ધ અગાઉ પણ રાજકોટ અને ખેડામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. જ્યારે સફી પિંજારા વિરૂધ્ધ પ્રોહિબિશન અને પશુ પત્યે ઘાતકીપણાના ગુના નોંધાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી.વી.ધ્રાંગુ તથા હેડકોન્સ. મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, નરપતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રેહવર તથા મહીલા કોન્સ. મોનાબેન બુસાએ આ કામગીરી કરી હતી. પદાર્થનું પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો. આગળની તપાસ પ્ર.નગર પીએસઆઇ એમ. જે. વરૂને સોંપવામાં આવી છે. ઝડપાયેલા બંને અગાઉ જેલમાં ભેગા થયા હોઇ મિત્રતા થઇ હતી. હવે સાથે મળી ડ્રગ્સની હેરફેર ચાલુ કરી હતી. સપ્લાયર રાજસ્થાનના નગુલાલ મહેરને શોધવા તપાસ આગળ ધપાવાઇ છે.
(1:47 PM IST)










