તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
રાજકોટ શહેર એસઓજીએ ૫.૩૭ લાખના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સને પકડ્યા: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાગું સહિતની ટીમની કાર્યવાહી
બેડી ચોકડી પાસે એક રહેણાંક મકાનમાં દરોડો: અલ્પેશ ઉર્ફે ભુરો રમેશભાઇ તન્ના અને સફી ગુલામભાઇ પિંજારા ઝડપાયા

રાજકોટ: શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ નાર્કોટિક્સ સેલે શહેરને નશામુક્ત કરવાના 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના વરિષ્ઠ અધિકારીઓના કડક આદેશ બાદ, SOG ટીમે કાર્યવાહી કરીને બે શખ્સને માદક પદાર્થ મેફેડ્રોન (એમડી)ના જથ્થા સાથે પકડી પાડ્યા છે.
એસઓજી શાખાના હેડકોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહીલ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે, રાજકોટ શહેરના સ્વસ્તીક વિલા સોસાયટી, બેડી ચોકડી પાસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં અલ્પેશ ઉર્ફે ભુરો રમેશભાઇ તન્ના (ઉંમર ૩૨, રહે. રાજકોટ) અને સફી ગુલામભાઇ પિંજારા (ઉંમર ૨૦, રહે. ગોધરા) નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ ૧૭૯.૨૪ ગ્રામ મેફેડ્રોન માદક પદાર્થ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા ૫,૩૭,૭૨૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ત્રણ ટચ સ્ક્રીન મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦, એક વજન કાંટો કિંમત રૂ. ૫૦૦, અને રોકડા રૂ.૮૦૦ સહિત કુલ રૂપિયા ૫,૫૪,૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમો ૮(સી), ૨૧(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અલ્પેશ ઉર્ફે ભુરો તન્ના વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ અને ખેડામાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે, જ્યારે સફી પિંજારા વિરુદ્ધ પ્રોહિબિશન અને પશુ પત્યે ધાતકીપણાના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાની સૂચના અનુસાર આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા તથા પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા તથા નરપતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ રેહવર તથા મહીલા પો.કો. મોનાબેન બુસાએ કરી છે. પદાર્થનું પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.
(7:43 PM IST)










