News of Sunday, 23rd November 2025
રાજકોટના મવડી વિસ્તારના ચામુંડાનગરમાં કાર સળગાવાઈ: બે શખ્સની શોધખોળ
જન્મદિવસની પાર્ટીના મનદુઃખની માથાકૂટ: સોનુ અને કાલીને શોધી રહી છે માલવીયાનગર પોલીસ: અનિકેત રાઠોડની ફરિયાદ

રાજકોટ શહેરના ખીજડાવાળા રોડ પર આવેલા ચામુંડાનગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જન્મદિવસની પાર્ટીમાં થયેલી સામાન્ય બોલાચાલીના મનદુખમાં બે શખ્સોએ એક યુવકની કારને આગ ચાંપી દીધી હતી. આ મામલે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચામુંડાનગર-૧માં રહેતા અનિકેત મનોજભાઈ રાઠોડ (ઉ.વ. ૨૯) ની ફરિયાદના આધારે સોનુ અને કાલી નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અનિકેતનો જન્મદિવસ ૨૧મી તારીખે હોવાથી તેણે ૨૦મી તારીખે તેના મિત્ર મિલન કક્કડ પાસેથી વર્ના કાર ભાડે લીધી હતી અને પોતાના ઘર પાસે પાર્ક કરી હતી.
૨૧મી તારીખની મોડી રાત્રે અનિકેતનો ભાઈ અમન બાથરૂમ જવા માટે જાગ્યો ત્યારે તેણે ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી ધુમાડા નીકળતા જોયા હતા. તેણે પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા અનિકેત સહિતના લોકોએ જોયું તો કારમાં ભીષણ આગ લાગી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવવામાં આવતા ફાયરકર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. અનિકેતે તેના ઘરથી આગળના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસતા સોનુ અને કાલી નામના બંને આરોપીઓ શેરીમાંથી સ્કૂટરમાં ભાગતા કેદ થયા હતા, જેના આધારે તેઓએ આગ લગાડી હોવાની ખાતરી થઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આશરે છ મહિના પહેલા અનિકેત અને આરોપી સોનુના ભાઈ વચ્ચે એક જન્મદિવસની પાર્ટીમાં સામાન્ય વાતમાં બોલાચાલી થઈ હતી. તે સમયે અનિકેતે સોનુના ભાઈને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુખ રાખીને સોનુ અને કાલીએ અનિકેતની કારને આગ ચાંપી દીધી હતી. માલવીયાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(9:59 AM IST)










