<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

રાજકોટના નિર્માણાધીન ખાટુશ્યામ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો, દાનપેટી તોડી રૂ. ૬૫,૦૦૦ની રોકડની ઉઠાંતરી

ઘંટેશ્વર ગામ નજીક બનાવ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૂજારી રિશીકુમાર વનમાળી શર્માની ફરિયાદ

રાજકોટ: શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર ગામ પાસે આવેલા કર્નર બંગલોની બાજુમાં નિર્માણાધીન ખાટુશ્યામ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મંદિરના મુખ્ય પૂજારી રિશીકુમાર શર્માએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સે મંદિરની સ્ટીલની દાનપેટી તોડીને આશરે રૂ. ૬૫,૦૦૦ની રોકડની ચોરી કરી છે. 

 

મંદિરમાં છેલ્લા ચારેક માસથી પૂજાપાઠ કરતા પૂજારી રિશીકુમાર શર્માએ પોલીસને આપેલી વિગતો અનુસાર, તેઓ ગત તારીખ ૨૦મી નવેમ્બરના રોજ રાત્રે મંદિરના મુખ્ય દરવાજાને તાળું મારી પોતાના નિવાસસ્થાન (કૈલાશપાર્ક, જામનગર રોડ) ગયા હતા. બીજા દિવસે, તારીખ ૨૧મી નવેમ્બરના વહેલી સવારે તેઓ નિયમિત પૂજા-પાઠ માટે મંદિરે પાછા ફર્યા ત્યારે મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. અંદર જોતાં જ તેમને દાનપેટીની સ્થિતિ પરથી ચોરી થઈ હોવાની જાણ થઈ. સ્ટીલની દાનપેટી, જેના નીચેના ભાગમાં રોકડ કાઢવાનો નાનો દરવાજો હતો, તે તોડેલી હાલતમાં જોવા મળી હતી. આ ઉપરાંત, દાનપેટીની બાજુમાં હાથ વગરનું એક ત્રિકમ (પાવડો) પણ પડેલો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તસ્કરે દરવાજો તોડવા માટે કર્યો હોવાનું અનુમાન છે.

 

​દાનપેટીમાં તપાસ કરતાં તે સંપૂર્ણપણે ખાલી માલૂમ પડતાં, પૂજારીએ તાત્કાલિક મંદિર ટ્રસ્ટના સભ્યોને આ અંગે જાણ કરી હતી. ટ્રસ્ટના સભ્યો સ્થળ પર પહોંચ્યા બાદ મંદિરના પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ સ્પષ્ટપણે હાથ વગરના ત્રિકમ વડે દાનપેટીનો દરવાજો તોડતો નજરે પડ્યો હતો. ફૂટેજના આધારે, પૂજારી રિશીકુમાર શર્માએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ કરીને તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

(9:59 AM IST)