<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

BLOની કામગીરીમાંથી શિક્ષકોને મુકિત આપોઃ NSUI

મુખ્‍યમંત્રીના આગમન સમયે કોટેચા ચોકમાં રસ્‍તા રોકો આંદોલનઃ અટકાયત

રાજકોટઃ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ આવી રહ્યા હોય ત્‍યારે ગુજરાત NSUI દ્વારા જે ગુજરાતના શિક્ષકોને BLO જવાબદારી આપવામાં આવી છે તેના લીધે ગુજરાતના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે ત્‍યારે NSUI ની માંગણી છે કે આ કામગીરીમાંથી ગુજરાતના શિક્ષકોને મુક્‍તિ આપવામાં આવે અને જે બે ત્રણ દિવસથી શિક્ષકોના સુસાઇડના કિસ્‍સાઓ સામે આવે છે તેમાં સરકાર દ્વારા તે પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્‍યમંત્રીશ્રીનો  કોટેચા ચોક ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માં આવ્‍યું. જેમાં ગુજરાત NSUI પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી, રવિ જીતિયા, રિયાઝ સુમરા, ગૌરવ ખીમસૂરીયા, ધ્રુમિલ રાઠોડ, સમીર ચૌહાણ, મહિપાલ ચૌહાણ, દર્શ બગડા,  અરમાન બાપુ, પ્રિન્‍સ પટેલ , યુગ પટેલ સહિત ૧૫ થી વધારે NSUI ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

NSUIએ એક યાદીમાં જણાવ્‍યા મુજબ  હાલમાં ચાલી રહેલી SIR  અને BLO (બૂથ લેવલ ઓફિસર)ની ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય બોજ અને માનસિક તણાવને કારણે કોડીનારના એક શિક્ષકે આપઘાત કરી લેતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક આલમમાં ઘેરા શોકની સાથે સાથે સરકાર સામે તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે. કોડીનાર, ગીર સોમનાથના પ્રાથમિક શિક્ષક અરવિંદભાઈ મૂળજીભાઈ વાઢેરના આપઘાતની ઘટનાએ રાજ્‍યની ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ અને શિક્ષકો પ્રત્‍યેની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય સરકારી બાબુઓની જેમ ચૂંટણીલક્ષી કામગીરીના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્‍યાસ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોનું મોટા ભાગનું ધ્‍યાન અને સમય BLOની કામગીરીમાં વ્‍યસ્‍ત રહેવાથી વિદ્યાર્થીઓનો અભ્‍યાસક્રમ ખોરવાયો છે. શિક્ષકોને તણાવપૂર્ણ કામગીરીના કારણે માનસિક ત્રાસ ભોગવવો પડી રહ્યો છે, જે કોડીનારની દુઃખદ ઘટના દ્વારા સાબિત થાય છે.

(3:41 PM IST)