તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
રામવન નજીક રાતે ખાનગી બસો પર પથ્થરમારોઃ મુસાફરો-ડ્રાઇવર-ક્લીનરમાં ભયનો માહોલ
અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ, પુના જતી ખાનગી બસો વધુ એક વાર નીશાન બની : વધુ એક વખત આજીડેમ પોલીસને રજૂઆત કરવામાં આવીઃ આ વખતે સાતેક બસોના કાચ ફૂટયાઃ અગાઉ પણ આવી ઘટના બની ત્યારે પોલીસને રજૂઆત થઇ હતીઃ થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરી પાણાવારી થઇ

રાજકોટ તા. ૨૨: શહેરના ખોખડદળથી રામવન તરફ જતાં બ્રીજ પર વધુ એક વખત ખાનગી બસ ઉપર પથ્થરમારાની ઘટના બનતાં પોલીસને રજૂઆત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદ, વડોદરા, મુંબઇ તરફ જતી બસો ખોખડદળ બ્રીજ પરથી પસાર થાય ત્યારે કોઇ ટીખળી તત્વો કે પછી કોઇ રાગદ્વેષ ધરાવતાં તત્વો આ ખાનગી બસો પર પથ્થરમારો કરે છે. આ કારણે બસમાં નુકસાન થવાની સાથે સાથે મુસાફરોમાં પણ ભય ફેલાઇ જાય છે.
વધુ એક વખત આવી ઘટના બનતાં આજીડેમ પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ ખાનગી ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ દશરથભાઈ વાળાએ કહ્યું હતું કે રાત્રીના અગીયારેક વાગ્યાં બાદ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આજીડેમના પૂલ નજીક રામવન પાસે વડોદરા, સુરત, પુના અને મુંબઈ જતી પેસેન્જરોથી ભરેલી અલગ અલગ ટ્રાવેલ્સની કુલ આઠ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતાં આઠેય બસના કાચ ફૂટી ગયા હતા. ચાલુ બસે પથ્થરમારો થતાં કાચ ફૂટી ગયા હતા. ધડાધડ પથ્થરના ઘાથી બસોના કાચ ફૂટતાં ડ્રાઇવર-ક્લીનર અને મુસાફરોમાં ભય ફેલાઇ ગયો હતો.
નોંધનીય છે કે અઢી ત્રણ મહિના પહેલા પણ આ રીતે રામવન પાસે ખાનગી બસો પર પથ્થરોના ઘા કરી કાચ ફોડી નાખવામાં આવતાં પોલીસને રજૂઆત થઇ હતી. થોડા સમય સુધી આવી ઘટના બંધ રહી હતી. હવે ફરીથી એક સાથે સાત આઠ બસોને નિશાન બનાવી કાચ ફોડી નાખવામાં આવ્યા છે. આ રસ્તા પર અવાર-નવાર આવી ઘટનાઓ બનતી હોઇ રાતે પોલીસ પેટ્રોલીંગ વધુ પ્રમાણમાં રહે તેવી માંગણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક બસોના કાચ આ રીતે સમયાંતરે તોડી નાંખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જામનગરથી સુરત જતી શ્રી પ્રમુખ રાજ ટ્રાવેલ્સ, કાલાવડથી સુરત જતી ક્રિષ્ના ટ્રાવેલ્સ, ઉપલેટાથી સુરત જરી મધુરમ ટ્રાવેલ્સ અને દર્શન ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાં હવે ગત રાતે જામનગરથી સુરત જતી શ્રી પ્રમુખ રાજ ટ્રાવેલ્સ, કાલાવડથી સુરત જતી ક્રિષ્ના ટ્રાવેલ્સ, ઉપલેટાથી સુરત જતી મધુરમ ટ્રાવેલ્સ અને દર્શન ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોઇ તપાસ શરૂ કરવામાં આવી છે.
(2:34 PM IST)










