News of Saturday, 22nd November 2025
કોઠારીયા અને થોરાળા વિસ્તારમાંથી ૧૪ અને ૧૩ વર્ષની બાળાના અપહરણ
થોરાળા વિસ્તારના બનાવમાં દૂધની ડેરી પાસે રહેતાં તોસીફ સામે શંકાઃ અલગ અલગ બનાવમાં આજીડેમ-થોરાળા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૨: સગીરા ગૂમ થવાના વધુ બે બનાવમાં પોલીસે અપહરણના ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે. કોઠારીયા વિસ્તારની ૧૪ વર્ષની સગીરાના અપહરણ અંગે આજીડેમ પોલીસે અને થોરાળા વિસ્તારની સગીરા અંગે થોરાળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં આરોપીનું નામ પણ ખુલી જતાં શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસે કોઠારીયા ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના મજૂર પ્રોૈઢની ફરિયાદ નોંધી છે. તેમને ચાર સંતાન છે. તે પૈકી ૧૪ વર્ષની દિકરી ૧૭/૧૧ના રોજ ઘરે એકલી હતી. પ્રોૈઢની તબિયત સારી ન હોઇ તે દવા લેવા ગયા હતાં. પરત એકાદ કલાકમાં બપોરે ઘરે આવ્યા ત્યારે નાની દિકરી ઘરમાં જોવા મળી નહોતી. તપાસ કરવા છતાં અને સગા સંબંધીને ત્યાં તપાસ કરાવવા છતાં પત્તો ન મળતાં શોધખોળ બાદ અંતે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોનસ. બી. જે. વાઘેલાએ અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેણી ઘરેથી નીકળી ત્યારે ગ્રીનલ કલરનો ડોટવાળો ડ્રેસ અને લાલ ભુરારંગની ચોરણી પહેરી હતી.
બીજા બનાવમાં થોરાળા પોલીસે દૂધ સાગર રોડ વિસ્તારના તોૈસીફ ફકીર વિરૂધ્ધ અપહરણનો આરોપ મુકી ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલાની ૧૩ વર્ષની દિકરી ૨૧/૧૧ના સાંજે ઘરેથી ગૂમ થયા બાદ પત્તો ન મળતાં શોધખોળ કરતાં તેને સાગર ચોકનો તોૈસીફ ભગાડી ગયાની માહિતી મળતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:06 PM IST)










