તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Saturday, 22nd November 2025
રાજકોટ રહેતાં સીમાબેન ધોળકીયાની ઉપલેટા સ્થિત પતિ, સાસુ, નણંદ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ

ઘરમાંથી કાઢી મુકી છુટાછેડા આપી દેવા કહેતાં: છેલ્લે ઘરખર્ચ આપવાની પણ ના કહી દીધીઃ બિમાર પતિની સેવા કરી સાજા કર્યા પછી ફરી દારૂ પી ઝઘડા ચાલુ કર્યાનો આરોપ
રાજકોટ તા. ૨૨: શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં મહિલાએ ઉપલેટા રહેતાં પતિ, સાસુ, દિયર અને નણંદ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મહિલા પોલીસે હાલ સાધુ વાસવાણી રોડ શેરી નં. ૪ ટોપલેન્ડ રેસીડેન્સી બ્લોક નં. ૪૯માં રહેતાં સીમાબેન ભાવેશભાઇ ધોળકીયા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી ઉપલેટામાં વૃજ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨ પાદરીની વાડી સામે રહેતાં તેણીના પતિ ભાવેશ રજનીકાંત ધોળકીયા, સાસુ માયાબેન રજનીકાંત ધોળકીયા, દિયર ધીરેન્દ્ર રજનીકાંત ધોળકીયા અને નણંદ હીના નિજરભાઇ નીમા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સીમાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ સીમાબેનના લગ્ન તા. ૦૭/૦૨/૧૯૯૮ના રોજ ઉપલેટાના ભાવેશભાઈ ધોળકીયા સાથે થયા હતા. લગ્ન બાદ પાંચ વર્ષ સુધી તેમનો સંસાર સારી રીતે ચાલ્યો, પરંતુ સને ૨૦૦૨માં દિયરને ત્યાં દીકરાનો જન્મ થયા બાદ સંતાનને લઈને સાસુ માયાબેન દ્વારા મેણાં-ટોણાં મારવાની શરૂઆત થઈ હતી. સીમાબેનને દીકરીનો જન્મ ઓપરેશનથી થતાં દિયર ધીરેન્દ્રભાઈએ પણ પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે પતિ કે પરિવારના અન્ય સભ્યો દીકરી પવિત્રાને તેડતા કે રમાડતા પણ નહોતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયુ છે કે ધોળકીયા પરિવાર ઉપલેટામાં ૮૦ વર્ષ જૂની ‘શાંતિલાલ જમનાદાસ જ્વેલર્સ' નામની સોના-ચાંદીની દુકાન ચલાવતો હતો. સને ૨૦૧૩માં રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભાગીદારીમાં બીજી દુકાન શરૂ થઈ હતી. જોકે, ૨૦૧૫માં ધંધામાં ભાગલા પડતાં પતિ ભાવેશભાઈને ઉપલેટાની દુકાન મળી અને તેઓ ઉપલેટા રહેવા જતાં રહ્યા હતા, પરંતુ તેણે સીમાબેન અને દીકરી પવિત્રાને સાથે લઈ જવાની ના પાડી દીધી હતી. રાજકોટમાં એકલા રહેતા સીમાબેને જણાવ્યું છે કે ઉપલેટા ગયા પછી તેમના પતિ ભાવેશભાઈને દારૂ પીવાની લત લાગી હતી. તેઓ રાજકોટ આવે ત્યારે ઝઘડો કરીને ખરાબ ગાળો આપતા હતા.
ત્યારબાદ વર્ષ૨૦૧૬થી પતિ ભાવેશભાઈને હૃદયની નળીનો વા, લીવરસીરોસીસ, પેરાલિસિસ અને બ્રેઇન હેમરેજ જેવી ગંભીર બીમારીઓ થઈ હતી. આ સમય દરમિયાન સીમાબેને તેમની ખૂબ સેવા કરી હતી. પરંતુ સાજા થયા બાદ પણ પતિ દારૂ પીને ઝઘડો કરતા હતા. સીમાબેનનો ફરિયાદમાં આક્ષેપ એ છે કે છેલ્લા તેર માસથી પતિ કે સાસરિયાંમાંથી કોઈએ પણ ઘરખર્ચ માટે એક પણ રૂપિયો આપ્યો નથી. હાલમાં તેમનો અને દીકરીનો તમામ આર્થિક ખર્ચ તેમના માતા સાધનાબેન અઘેરા પૂરો પાડી રહ્યા છે. અંતે સીમાબેને તેના પતિ, સાસુ, નણંદ, દિયર વિરૂધ્ધ માનસિક ત્રાસ તથા પતિને ચઢામણી કરવા બદલ ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં એએસઆઇ કે. બી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:18 PM IST)










