તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયાને અમેરિકા નેફ્રોલોજી એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ એનાયત
અમેરિકામાં હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન : કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તે વિશિષ્ટ એવોર્ડ એનાયત, કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ-અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી, પ્રેસિડેન્ટ-અમેરિકન નેફ્રોલોજીસ્ટ ઓફ ઇન્ડિયન ઓરીજીન અને ૪૦૦ થી વધુ અમેરીકન તબીબોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ર૧: સૌરાષ્ટ્રભરમાં જાણીતા અને વૈશ્વિક ફલક ઉપર રાજકોટને પ્રતિષ્ઠા અપાવનાર ડો. સંજય પંડયાને તાજેતરમાં અમેરિકાના હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન અમેરિકન નેફ્રોલોજિસ્ટ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (ANIO) દ્વારા ડો. સંજય પંડયાને વિશ્વસ્તરે કિડની એજ્યુકેશન અને ફલુઈડ થેરાપી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ સેરેમનીમાં પ્રતિષ્ઠિત એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ ૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવ્યા. અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી તથા પ્રેસિડેન્ટ અમેરિકન નેફ્રોલોજીસ્ટ ઓફ ઇન્ડિયન ઓરીજીન સહીત ૪૦૦ જેટલા અમેરીકન નેફ્રોલોજીસ્ટ તબીબોની હાજરીમાં બહુમાન થયું.
આ એવોર્ડ વિશ્વભરના ભારતીય નેફ્રોલોજિસ્ટ્સમાંથી માત્ર એક વ્યક્તિને આપવામાં આવે છે, તેમાં ડો. પંડયાની પસંદગી ખરેખર રાજકોટ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ ગૌરવશાળી પળને યાદ કરતા ડો. સંજ્ય પંડયા એ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં કિડની એજ્યુકેશન વેબસાઈટના વિવિધ દેશના લીડરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ડો. પંડયાને ડો. આરતી ગુપ્તા કોમ્યુનિટી એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ ૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય એવોર્ડ ૪૦૦ થી વધુ અમેરિકાના નેફ્રોલોજીસ્ટની હાજરીમાં કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તે ડો. પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો, જે ખુબ સરાહનીય છે.
આ ભવ્ય સમારંભમાં કિડની એજ્યુકેશન વેબસાઈટ ઉપર નિઃશુલ્ક ૪૦ ભાષામાં ઉપલબ્ધ તમારી કિડની બચાવો પુસ્તક માટે મદદ કરનાર વિવિધ દેશના લીડરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં સ્પેનિશ ભાષાના મેક્સિકોથી આવેલ પૂર્વ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. ગ્રાસીયા, રશિયાના ડો. વેલેરી શિલો, જર્મનીના ડો. હાન્સ-જોઆચિમ એન્ડર્સ, થાઇલેન્ડના ડો. ગોલ્ફ, નેપાળના ડો. સંજીવ શર્મા સહિત ભારતના અન્ય લીડર્સ પણ હાજર રહ્યા હતા. ડો. પંડયાને આ એવોર્ડ તેમની કિડની રોગોથી બચાવ માટેની વૈશ્વિક પહેલ- www.KidneyEducation.com વિશ્વભરના ૧૦૦ થી વધુ સેવાભાવી નેફ્રોલોજિસ્ટ્સના સહયોગથી તૈયાર આ વેબસાઈટ ૪૦ ભાષાઓમાં ૨૦૦ પાનાનું ‘તમારી કિડની બચાવો' પુસ્તક કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૧૨ ભારતીય અને ૨૮ આંતરરાષ્ટ્રીય ભાષામાં નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે. આ વેબસાઈટને ૧૦ કરોડથી વધુ હિટ્સ અને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ પ્રાપ્ત વિશ્વની સૌથી મોટી બહુભાષી કિડનીની માહિતી આપતી વેબસાઈટ છે. ડો. સંજય પંડયાની આ ઉમદા સમાજ સેવાને બિરદાવવા તમામ લોકોને કિડનીની બિમારી થાય તે પહેલા કેવી કાળજી લેવી અને જો હોય તો શું ધ્યાન રાખવું તે અંગે જાગળતતા ફેલાવવા આ સરળ ભાષામાં તૈયાર કરેલ પુસ્તક નિઃશુલ્ક વેબસાઇટ પરથી સહેલાઇથી ડાઉનલોડ કરી, સગા, મિત્રો અને પરિચિતો સુધી પહોંચાડી, ડો. પંડયાના આ ભગીરથ યજ્ઞમાં આહુતી આપવા સૌ કોઇને ઇજન કરવામાં આવે છે
(3:23 PM IST)










