તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
મુરગા ગેંગના વધુ બે યુપીથી અને હથીયાર સાથે એક રાજકોટથી ઝડપાયોઃ મંગળા રોડ પર માફી માંગી
એસઓજી-ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધીમાં બંને ગેંગના મળી ૩૦ને પકડયા : પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ ધાસુરા, કિશોરભાઇ ઘુઘલ, અમિતભાઇ ટુંડીયા સહિતે યુપીની નેપાળ બોર્ડરે પહોંચી જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપીના ઇશરાકઅલી ઉર્ફ પુતન અને સલમાન ફકીરને દબોચ્યાઃ મુરગાને પિસ્તોલ આપનાર મોહસીન ઉર્ફ ભેંસને પિસ્તોલ સાથે પકડી લેવાયોઃ પેંડા ગેંગનો વધુ એક નિતીનદાન ગઢવી પણ ઝડપાયોઃ આ ચાર અને શાહનવાઝની ઘટના સ્થળે પુછતાછ : નેપાળ બોર્ડરના યુપીના ગામમાં ગુનેગારો ખેતરના વાડમાં છુપાઇ જાય છેઃ તેમાં પોલીસ પણ જઇ શકતી નથીઃ રાજકોટ એસઓજીની સાથે ગેંગનો એક સભ્ય હોવા છતાં ત્યાંના પહેરવેશ મુજબ વેશપલ્ટો કરવો પડયો હતો

મુરગા ગેંગના વધુ ત્રણ શખ્સોને યુપી, રાજકોટથી તથા પેંડા ગેંગના એકને રાજકોટથી પકડી લેવાયો છે. આ ચાર તેમજ અગાઉના એક આરોપી મળી પાંચને દોરડા બાંધી એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા સહિતની ટીમે મંગળા રોડ પર ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તેના દ્રશ્યો જોઇ શકાય છે. તમામે આ સ્થળે જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
યુપીની નેપાળ બોર્ડરના દરજીપુરવા વિસ્તારમાં પહોંચેલી રાજકોટ એસઓજીની ટીમને વેશપલ્ટો કરવો પડયો હતો. ત્યાંથી બે આરોપીને પકડીને રાજકોટ લાવવામાં આવ્યા હતાં આ બંને મુરગા ગેંગના છે. મુરગો પણ ફાયરીંગ બાદ ભાગીને અહિ જ છુપાઇ ગયો હતો
રાજકોટ તા. ૨૧: મંગળા મેઈન રોડ પર થયેલા અંધાધૂંધ ફાયરિંગના ચકચારી કેસમાં એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા મુરગા ગેંગના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુરગા ગેંગના બે સભ્યોને યુપી ખાતે નેપાળ બોર્ડરેથી એસઓજીની ટીમે વેશપલ્ટો કરી દબોચ્યા છે. તો બીજી તરફ આ ગેંગને પિસ્તોલ આપનારા ભવાનીનગરના એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લેવાયો છે. આ ઉપરાંત પેંડા ગેંગનો એક શખ્સ પણ પકડાયો છે. આ ચાર મળી અત્યાર સુધીમાં કુલ ધરપકડનો આંકડો ૩૦ થયો છે. આ ચારેય અને અગાઉ ઝડપાયેલા શાહનવાઝ સહિત પાંચને આજે મંગળા રોડ પર ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન માટે લઇ જવાયા હતાં ત્યારે બધાએ હાથ જોડી માફી માંગી હતી.
એસઓજી મુરગા ગેંગના ઇશરાકઅલી ઉર્ફ પુતન અબ્દુલ મનાર (રહે. દરજીપુરવા ગામ, તા. પ્રયાગપુર થાના વિશ્વેશ્વરગંજ બહેરાઇચ યુપી) તથા સલમાન નનકે ફકીર (રહે. સોનપુરવા, થાના હરૈયા જી. બાલરામપુર યુપી)ને નેપાળ બોર્ડર નજીકના દરજીપુરવા વિસ્તારમાંથી દબોચ્યા છે. આ બંને જંગલેશ્વરમાં રહી મજૂરી કરે છે. મુળ યુપીના છે. સમીર ઉર્ફ મુરગો ફાયરીંગ કરીને ભાગ્યો પછી આ દરજીપુરવામાં જ છુપાયો હતો. અહિ સુધી ક્રાઇમ બ્રાંચ પહોંચી ત્યારે તે ભાગી ગયો હતો અને પછી તેનુ પગેરૂ દબાવી તેને અમદાવાદ તરફથી પકડયો હતો.
પીઆઇ સંજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગેંગવોર વખતે ફાયરીંગ થયું તેમાં મુરગાને હથીયાર ઇશરાકઅલી ઉર્ફ પુતન અને સલમાન નનકેએ પહોંચાડયું હતું. આ હથીયારથી ફાયરીંગ કર્યા પછી મોહસીન ઉર્ફ ભેંસ હથીયાર લઇ ભાગી ગયો હતો. મોહસીન ઉર્ફ ભેંસ નાસીર તાણી (રહે. ભવાનીનગર, મુળ ધોરાજી)ને ઓટોમેટીક પિસ્તોલ સાથે પકડી લેવાયો છે. તો બીજી તરફ પેંડા ગેંગના નિતનીદાન વસુભા પાલીયા (રહે. સુખરામનગર)ને પણ પકડી લેવાયો છે. આ સાથે ધરપકડનો આંક ૩૦ થયો છે.
ઉપરોક્ત ચારેય અને અગાઉ પકડાયેલા શાહનવાઝને આજે એસઓજીની ટીમે મંગળા રોડ પર લઇ જઇ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ વખતે પાંચેય જણાએ હાથ જોડી માફી માંગી હતી. આ દ્રશ્યો જોવા લોકો એકઠા થઇ ગયા હતાં. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમ વધુ તપાસ કરે છે.
વધુ માહિતી મુજબ નેપાળ બોર્ડરેથી જે બે આરોપી ઇશરાકઅલી અને સલમાનને પકડાયા છે તે બોર્ડર પર મોટા ભાગની વસ્તી મુસ્લિમ સમાજની છે. સમીર ઉર્ફ મુરગો પણ ગેંગવોર બાદ ત્યાં જતો રહ્યો હતો. અહિ ગુનેગારો ગુનો કરીને આવે પછી પોલીસથી બચવા શેરડીના મોટા વાડમાં છુપાઇ જાય છે. તેની પાસે બહારથી આવેલી પોલીસ પણ જઇ શકતી નથી. રાજકોટ એસઓજીની ટીમ સાથે ગેંગનો એક શખ્સ હોવા છતાં પોલીસને ત્યાંના પહેરવેશ મુજબ વેશપલ્ટો કરવો પડયો હતો.
(2:31 PM IST)










