News of Friday, 21st November 2025
રિક્ષાગેંગ ફરી ઝળકીઃ વેરાવળના મહમદઇલ્યાસ મુગલને રિક્ષામાં બેસાડી રોકડ-મોબાઇલ લૂંટી લીધા
કેકેવી ચોકથી ભક્તિનગર રેલ્વે સ્ટેશને જવા રિક્ષામાં બેઠોઃ ચાલક અને સાગ્રીતે અવાવરૂ સ્થળે લઇ જઇ છરી બતાવી લૂંટ કરીઃ બે શકમંદ ક્રાઇમ બ્રાંચના સકંજામાં : યુવાને ચાલકને રિક્ષા અજાણ્યા રસ્તે કેમ લીધી? પુછતાં ચાલકે કહ્યું-સાથેના મુસાફરની પત્નિને ડિલીવરી આવી છે, ત્યાં દવા આપવા જવું છેઃ બાદમાં બંનેએ મળી લૂંટીને ભાગી ગયા

રાજકોટ તા. ૨૧: શહેરમાં ફરી એક વખત રિક્ષાગેંગે કળા કરી છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં અને ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરતાં મુળ સોમનાથ વેરાવળના યુવાનને વતન જવું હોઇ કેકેવી ચોકથી ભક્તિનગર સ્ટેશને જવા રિક્ષામાં બેઠો ત્યારે રિક્ષાચાલક અને સાગ્રીતે મળી અવાવરૂ જગ્યાએ લઇ જઇ છરીની અણીએ ડરાવી ધમકાવી રોકડા ૧ હજાર અને ૧૫ હજારનો મોબાઇલ ફોન લૂંટી લીધા છે. શકમંદો ક્રાઇમ બ્રાંચના હાથમાં આવી જતાં પુછપરછ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં તાલુકા પોલીસે મહમદઈલ્યાસ મહમદહુસેન મુગલ (ઉ.વ.૪૦, રહે. આજીડેમ ચોકડી તુર્કી મસ્જીદ નજીક શારકો ટ્રાન્સપોર્ટ, મુળ રહેમતનગર વેરાવળ સોમનાથ)ની ફરિયાદ પરથી રિક્ષાચાલક સહિત બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મહમદઇલ્યાસે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતે મેટોડાથી રાજકોટ કે.કે.વી. ચોક, જી.ટી. શેઠ સ્કૂલ પાસે પહોંચ્યો હતો. કાલાવડ રોડથી ભક્તિનગર રેલવે સ્ટેશન જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક રિક્ષા ઊભી રહેતા ફરિયાદીએ રિક્ષા ડ્રાઈવર સાથે રૂ. ૬૦માં સ્ટેશન જવાની વાત નક્કી કરી રિક્ષામાં બેઠા હતા. રિક્ષા થોડી આગળ જતાં, અન્ય એક અજાણ્યો શખ્સ ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો હતો.
રિક્ષા જ્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે ભક્તિનગર તરફ વળવાને બદલે બીજી તરફ રિક્ષા ચલાવી હતી. ફરિયાદીએ પૂછતાં ડ્રાઈવરે બહાનું આપ્યું કે બાજુમાં બેઠેલા ભાઈનાં પત્નિની ડિલિવરી હોવાથી દવા આપવા જવાનું છે, અને દવા આપીને તરત જ તેઓને રેલવે સ્ટેશન ઉતારી દેશે. રિક્ષા ડ્રાઈવરે ફરિયાદીની વિનંતી છતાં રિક્ષા ઊભી રાખી ન હતી અને તેઓને એક અજાણી જગ્યાએ લઈ ગયા હતા. બાદ અવાવરૂ જેવી જગ્યાએ રિક્ષા ઊભી રાખી બંને ઈસમો નીચે ઉતર્યા હતા. રિક્ષા ડ્રાઈવરે ફરિયાદીને છરી બતાવી હતી. જ્યારે બીજા અજાણ્યા માણસે તેને પકડી રાખ્યા હતા. ડ્રાઈવરે ખિસ્સાની તલાશી લેતા ડોકયુમેન્ટ્સ વાળું પાકીટ પાછું આપી દીધુ હતું, પરંતુ તેમના ખિસ્સામાંથી ઓપો કંપનીનો રૂ. ૧૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન અને તેના કવરમાં રાખેલા રોકડા રૂ. ૧,૦૦૦ પડાવી લીધા હતા.
આ પછી ફરિયાદી જેમતેમ ચાલીને રોડ પર પહોંચ્યા, જ્યાં અન્ય લોકોની મદદથી તેઓ ભક્તિનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર મિત્ર રાહતુલભાઈનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. શરૂઆતમાં તાત્કાલિક વતન વેરાવળ જવાનું હોવાથી ફરિયાદ નહોતી કરાઈ, પરંતુ બાદમાં મિત્ર સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચીને ડ્રાઈવર અને અન્ય અજાણ્યા શખ્સ વિરૂધ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધ્યો છે. ક્રાઇમ બ્રાંચે શકમંદોને શોધી પુછતાછ હાથ ધરી છે. (
(2:30 PM IST)










