તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
રાજકોટમાં ભક્તિનગર સર્કલની 'ઓમ રેસ્ટોરન્ટ'માં જીએસટીના દરોડા દરમિયાન ૧૪,૯૦૦નો વિદેશી દારૂ ઝડપાયો, માલિક ફરાર: ફરજ રૂકાવટની ફરિયાદની તજવીજ

રાજકોટ: રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલી પ્રતિષ્ઠિત 'ઓમ રેસ્ટોરન્ટ'માં ગઈ મોડી રાત્રે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. GST અધિકારીની જાણના આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જે.જે. ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તા. ૧૯/૧૧/૨૦૨૫ના રોજ વહેલી સવારે લગભગ ૩:૩૦ કલાકે CGST વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અંકિતકુમાર બછોલાલે પોલીસ સ્ટેશન ઓફિસરને ફોનથી જાણ કરી હતી કે તેઓ ઓમ રેસ્ટોરન્ટમાં GSTની રેઇડ કરી રહ્યા હતા અને તે દરમિયાન રેસ્ટોરન્ટના રિસેપ્શન કાઉન્ટર પરથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે.
આ માહિતીના આધારે પીએસઆઈ જે.જે. ગોહિલ અને પો.હેડ.કોન્સ. કેતનભાઈ બોરીચા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ખાનગી વાહનમાં રેસ્ટોરન્ટ પર પહોંચ્યો હતો અને બે રાહદારી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. GST અધિકારીઓએ પોલીસને રિસેપ્શનથી આશરે પાંચ ફૂટ દૂર આવેલા કાચના કાઉન્ટર તરફ દોરી ગયા હતા, જ્યાં જુદી જુદી બ્રાન્ડની કુલ ૪ બોટલો મળી આવી હતી. પોલીસે કબજે કરેલા દારૂના જથ્થામાં ૪ બોટલ દારૂ મળતા કબ્જે કર્યો છે.પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો રૂ. ૧૪,૯૦૦/-નો મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કર્યો છે. આ રેસ્ટોરન્ટના માલિક વલ્લભભાઈ જીવરાજભાઈ તારપરા GST રેઇડની કાર્યવાહી દરમિયાન અધિકારીઓ સાથે બોલાચાલી કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ભક્તિનગર પોલીસે રેસ્ટોરન્ટ માલિક વલ્લભભાઈ તારપરા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(e), ૬૫(aa), અને ૧૧૬(b) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ આ સમગ્ર કાર્યવાહીના વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ઇ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યા છે આ બનાવમાં અધિકારીની ફરજમાં રૂકાવટની ચર્ચા છે જો કે એફઆઈઆર હવે દાખલ થાય તેવી શકયતા છે.
(8:27 PM IST)










