<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

લક્ષ્મીનગરમાં ભત્રીજાના લગ્નમાં આવેલા ફુવા કમલેશભાઇ નકુમની સોનાની માળાની ચિલઝડપ

હસનવાડીના પ્રૌઢ પાન ખાઇને વેપારી પ્રૌઢ સગા સાથે ચાલીને જતાં હતાં ત્‍યારે એક્‍ટીવા પર આવેલો શખ્‍સ ૯૦ હજારની માળા ખેંચી ભાગી ગયોઃ તેનો પીછો કરતી વખતે પડી જતાં ઇજાઃ માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: શહેરમાં ચિલઝડપનો વધુ એક બનાવ બન્‍યો છે. ચિલઝડપકારે આ વખતે કોઇ મહિલા, વૃધ્‍ધાને નહિ પણ એક પ્રૌઢને શિકાર બનાવ્‍યા છે. સહકાર રોડ હસનવાડીમાં રહેતાં ૫૬ વર્ષના વેપારી રવિવારે સાંજે લક્ષ્મીનગરમાં પોતાના સાળાના દિકરાના લગ્ન પ્રસંગમાં આવ્‍યા હોઇ રાતે જમીને પાન ફાકી ખાવા સગા સાથે નીકળ્‍યા હતાં. પાન ખાઇ પરત સાળાના ઘર તરફ જતાં હતાં ત્‍યારે એક્‍ટીવા પર આવેલો શખ્‍સ તેમના ગળા પર ઝોંટ મારી નેવુ હજારની માળા ખેંચી ગયો હતો. આ બનાવમાં માલવીયાનગર પોલીસે સહકાર મેઇન રોડ ત્રિશુલ ચોક હસનવાડી શેરી નં. ૨માં રહેતાં કમલેશભાઇ નાનજીભાઇ નકુમ (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.

કમલેશભાઇ પરિવાર સાથે રહે છે અને વેપાર કરે છે. તેણે જણાવ્‍યું હતું કે રવિવારે ૧૬મીએ મારા સાળા હેમતભાઇ બચુભાઇ જારીયા કે જે લક્ષ્મીનગર-૬માં અમૃત ક્રેડીટ સોસાયટી પાસે રહે છે તેના દિકરા આશિષના લગ્ન હોઇ અમે તેમના ઘરે પ્રસંગમાં સામેલ થયા હતાં.

સાંજે સાડા આઠેક વાગ્‍યે અમે સગા સંબંધી જમીને બહાર નીકળ્‍યા હતાં. બાદમાં હું, મારા સગા અરજણભાઇ કરસનભાઇ જારીયા બંને નાના મવા રોડ સૂર્યમુખી હનુમાનજીના મંદિર પાસે બાલાજી પાન નામની દુકાને પાન ખાવા ગયા હતાં. પાન ખાઇને સાડા નવેક વાગ્‍યે ચાલીને પરત મારા સાળાના ઘર તરફ લક્ષ્મીનગર-૬માં જતાં હતાં ત્‍યારે આ શેરીના ખુણે અમૃત ક્રેડીટ સોસાયટીના ખુણે પહોંચતા એક અજાણ્‍યો શખ્‍સ કાળા રંગના એક્‍ટીવા પર આવ્‍યો હતો અને મારા ગળા પર ઝોંટ મારી દીધી હતી.

આ શખ્‍સ મારા ગળામાંથી સોનાની રૂદ્રાક્ષવાળી માળા જે આશરે પાંચ તોલાની હતી તે ખેંચીને ભાગી ગયો હતો. હું તેની પાછળ દોડી પકડવા જતાં હું દોડતા દોડતા પડી ગયો હતો. જેથી મને હોઠ, નાક, જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. આ રૂદ્રાક્ષની માળા આશરે પાંચ તોલાની હતી  મારા લગ્ન વખતનું જુનુ સોનુ હતું. જે ભંગાવીને મં પાંચેક વર્ષ પહેલા આ નવી માળા બનાવડાવી હતી. જેની કિમત આશરે ૯૦ હજાર થાય છે.

માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. પી. એચ. ચુડાસમાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે

(2:19 PM IST)