News of Monday, 17th November 2025
અયોધ્યા ચોકમાં રેતી કપચીના ધંધાર્થી પાર્થ ઉર્ફ સોનુ પર મિત્ર પ્રણવ ઉર્ફ કાનો, તેના પિતા મયુર દેવાયતકાનો ટોળકી રચી હુમલો
તું અમારી પાસેથી ધંધો શીખી અમારા જ ગ્રાહકોને બિલ્ડીંગ મટીરીયલ્સ નાખવા જાય છે...કહી સરાજાહેર મારકુટ : ધોકા-બેટથી ફટકારી પછાડી દીધોઃ એક શખ્સ છાતી પર બેસી ગયો અને હાથ-પગ પકડી રાખ્યાઃ બીજાઓએ ઢીકાપાટા માર્યાઃ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયોઃ ગાંધીગ્રામ પોલીસે પાર્થ ફીચડીયાની ફરિયાદ પરથી પ્રણવ ઉર્ફ કાનો, તેના પિતા મયુરભાઇ, શની, હિતેષ, કાન ઓડેદરા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો : એલસીબી ઝોન-૨ ટીમ પણ આરોપીઓને શોધવા કામે લાગીઃ ડીસીપી રાકેશ દેસાઇએ કડક કાર્યવાહીની સુચના આપીઃ પીઆઇ એસ.આર. મેઘાણી અને ટીમે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી

તસ્વીરમાં પાર્થ ઉર્ફ સોનુ ફીચડીયા ઉપર સિનર્જી હોસ્પિટલ પાસે સરાજાહેર હુમલો થયો તેના વાયરલ થયેલા વિડીયોના દ્રશ્ય અને સારવારમાં રહેલો પાર્થ જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેરમાં વેપારની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ મિત્ર, મિત્રના પિતા સહિતનાએ ટોળકી રચી સિનર્જી હોસ્પિટલ નજીક હીચકારો હુમલો કરી સરાજાહેર ધોકા, બેટથી માર મારી તેમજ પછાડી દઇ છાતી પર એક શખ્સે બેસી જઇ બીજા શખ્સોએ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. આ ઘટના સોશિયલ મિડીયામાં વારયરલ થઇ છે. ધંધા ખારને કારણે આ ડખ્ખો થયો હતો. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર રૂક્ષમણી પાર્ક શેરી નં. ૧માં રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ -રેતી-કપચીનો વેપાર કરતા પાર્થ ઉર્ફે સોનુ નિતિનભાઈ ફિચડીયા (ઉ.વ. ૨૧) પર સાંજે સાડા સાતેક વાગ્યે પાંચ શખ્સોએ ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ નજીક ધોકા, બેટથી હુમલો કરી બેફામ માર મારતાં અને ઢીકાપાટુ પણ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે પાર્થ ઉર્ફ સોનુની ફરિયાદ પરથી મયુર શાંતિલાલ દેવાયતકા, તેનો દિકરો પ્રણવ ઉર્ફ કાનો મયુરભાઇ દેવાયતકા, શની કિરીટભાઇ દેવાયતકા, હિતેષ મોઢવાડીયા, કાન ઓડેદરા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
પાર્થ ઉર્ફે સોનુએ પોલીસને જણાવ્યું છે કે રવિવારે તા. ૧૬/૧૧ના સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ હું૧૫૦ ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક ખાતે હતો ત્યારે મારા મિત્ર પ્રણવ ઉર્ફ કાનાના પિતા મયુરભાઈ શાંતિલાલ દેવાયતકાનો ફોન આવ્યો અને સિર્નજી હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. હું ત્યાર જતાં મયુરભાઈ શાંતિલાલ દેવાયતકાએ ધંધાકીય અદાવત રાખી ખાર કાઢતા કહ્યું કે, ‘તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને અમારા ગ્રાહકને તુ કેમ બિલ્ડિંગ મટીરીયલ નાખવા જાય છે?' આટલું કહીને મયુરભાઈએ મને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડાના ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું.
આ વખતે મારા મિત્ર પ્રણવ ઉર્ફે કાનો મયુરભાઈએ મને બેટથી માર માર્યો હતો. શની બારોટે ધોકાથી માર માર્યો હતો. જ્યારે કાન ઓડેદરા મને પછાડી છાતી ઉપર બેસ ગયો હતો અને મારા હાથ-પગ પકડી રાખ્યા હતાં. જેથી હું બચાવ કરી શક્યો નહોતો. આ પછી મયુરભાઇ અને અન્યોએ બેફામ ઢીકાપાટુ માર્યા હતાં. મેં બૂમાબૂમ કરતાં લોકો ભેગ થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. કોઇએ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવતાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મને જમણા પગે ઘૂંટી પાસે બે ટાંકા આવ્યા છે. ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇને ઘટનાની જાણ થતાં તેમણે કડક કાર્યવાહીની સુચના આપી હતી.
ગાંધીગ્રમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ એમ.જી. જાડેજાએ આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૮૯ (૨), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦, ૧૧૮ (૧), ૩૫૨, ૩૫૧(૩) તેમજ જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ગેરકાયદેસર મંડળી રચી, માર મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ જીવલેણ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. એલસીબી ઝોન-૨ ટીમના આર. એચ. ઝાલા અને ટીમ પણ આરોપીઓને શોધવા તપાસ કરી રહ્યા છે. (૧૪.૫)
મયુર કોણ છે પુછી જોજે, તારા દિકરાને ‘રેતીનો ર' ભુલાવી દેવો છે, ધંધો કરવા જ નથી દેવો કહી અગાઉ બે વાર ધમકી દીધી હતી
પોલીસ તાકીદે આરોપીને પકડી સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવે
ઞ્જઆ ઘટનામાં ઘાયલ થયેલા પાર્થ ઉર્ફ સોનુના પિતા નિતીનભાઇ ફીચડીયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ બે વખત મયુર દેવાયતકા સહિતે માથાકુટ કરી હતી અને ટાંટીયા ભાંગી નાખવાની તેમજ ‘રેતીનો ર' ભુલાવી દેવાની ધમકી આપી હતી. મયુર બારોટ કોણ છે? એ તું એરીયામાં પુછી જોજે, તારા છોકરાને ધંધો નહિ જ કરવા દઉ તેમ કહી ધમકી આપી હોવાનું અને શેરીમાં અવાર-નવાર સ્પીડથી બાઇક હંકારી નીકળી હોર્ન વગાડી હેરાન કરવામાં આવતાં હોવાન નિતીનભાઇ ફીચડીયાએ જણાવ્યું હતું. આરોપીઓને પોલીસે તત્કાળ પકડી લઇ સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. (૧૪.૫)
(2:27 PM IST)










