તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
કાલાવડ પ્રેમી સાથે રહેતી બહેનને પરત લાવતી વખતે ઇકો પલ્ટીઃકિરનનું મોત, ભાઇઓને ઇજા
મુળીલા પાસે બનાવઃ મુળ એમપીની ૨૦ વર્ષની કિરનને એમપીનો જ જુવાનસિંગ પડધરીના રામપરથી ભગાડી કાલાવડ લઇ ગયો હતોઃ રિવાજ મુજબ પૈસા ન દીધા હોઇ ભાઇઓ બહેનને પરત રામપર લઇ જતાં હતાં ત્યારે બનાવઃ યુવતિએ રાજકોટમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૭: કાલાવડના મુળીલા નજીક ઇકો કાર પલ્ટી ખાઇ જતાં મુળ મધ્યપ્રદેશના અને હાલ પડધરીના રામપરમાં રહેતાં યુવાનો, તેની કુટુંબી બહેન સહિત પાંચને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ૨૦ વર્ષની બહેનનું મોત થયું હતું. આ યુવતિને એમપીનો જ શખ્સ ભગાડીને લઇ ગયો હતો. એ પછી નક્કી થયા મુજબ તેણે આ યુવતિના માવતરને પૈસા દેવાના હતાં. પણ તે પૈસા આપતો ન હોઇ જેથી કુટુંબી ભાઇઓ પોતાની બહેનને આ શખ્સ પાસેથી પરત લઇને નીકળ્યા ત્યારે આ ઘટના બની હતી. જેમાં બહેનનું મોત થયું હતું અને ભાઇઓને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ કાલાવડના મુળીલા પાસે ગઇકાલે ઇકો કાર પલ્ટી મારી જતાં તેમાં બેઠેલી પડધરીના રામપરમાં રહેતી મુળ મધ્યપ્રદેશની કિશન કરણશી માલી (ઉ.વ.૨૦), તેના કુટુંબી ભાઇઓ મહેન્દ્રસિંગ મુન્નાભાઇ ભાભોર (ઉ.વ.૨૦), શેમરાજ પવારભાઇ ભાભોર (ઉ.વ.૩૦) સહિત પાંચને નાની મોટી ઇજાઓ થઇ હતી. સારવાર માટે તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સારવાર દરમિયાન કિરન માલીનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કિરન બે ભાઇ અને ત્રણ બહેનમાં નાની હતી. તેના ભાઇએ જણાવ્યું હતું કે અમારી બહેન કિરનને એપમીનો જુવાનસિંગ લઇ ગયો હતો. હાલ આ બંને કાલાવડ પંથકમાં રહેતાં હતાં. અમારા સમાજના રીવાજ મુજબ અમારે જુવાનસિંગ પાસેથી રૂપિયા લેવાના થતાં હતાં. પરંતુ તેણે નક્કી થયેલી રકમ નહિ આપી દસ હજાર જ આપ્યા હોઇ જેથી અમે અમારી બહેનને પરત લેવા ગયા હતાં. ત્યાંથી બહેનને ઇકો કારમાં બેસાડીને પડધરી રામપર જવા નીકળ્યા ત્યારે મુળીલા પાસે કાર પલ્ટી ગઇ હતી. જેમાં ગંભીર ઇજા થતાં અમારી બહેનનું મોત થયું હતું. સાથે બીજા ભાઇઓ રાહુલ, રવિ, અનીલ પણ હતા. આ બધાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
(1:07 PM IST)










