<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

રાજકોટમાં પતિ અન્ય યુવતી સાથે 'કઢંગી હાલતમાં' ઝડપાતાં મારકૂટ, છૂટાછેડા માટે ત્રાસ આપ્યાની પરિણીતાની ફરિયાદ

તારા જેવી બીજી લઈ આવશું તું છૂટું કરી દે કહી ત્રાસ: અરવલ્લી મેઘરજ રહેતા સાસરિયાં સામે ફરિયાદ

​રાજકોટઃ શહેરના ભીલવાસ વિસ્તારમાં રહેતી એક ૩૫ વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે પતિના અન્ય યુવતી સાથેના આડાસંબંધો હતા અને આશરે આઠ મહિના પહેલા તેને અન્ય યુવતી સાથે 'કઢંગી હાલતમાં' જોઈ જતાં પતિએ મારકૂટ કરી હતી.

​શહેનાઝબેન (ઉ.વ.૩૫)એ ફરિયાદમાં તેમના પતિ સદામ ખાટકી, સસરા ઇબ્રાહીમભાઈ, સાસુ નસીમબેન (રહે. મેઘરજ, અરવલ્લી), અને ફઈજી સાસુ શઇહુસેન કારવા (રહે. ભીલવાસ)ને આરોપી તરીકે નામજોગ કર્યા છે.

​શહેનાઝબેને પોલીસને જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદથી જ પતિ સહિતના સાસરિયાઓ ઘરકામ બાબતે મેણાટોણા મારીને ત્રાસ ગુજારવા લાગ્યા હતા. મુખ્ય સમસ્યા પતિના અન્ય યુવતી સાથેના સંબંધોની હતી. પાંચ વર્ષ સુધી તેઓ પતિ અને બે દીકરા સાથે અલગ પણ રહ્યા હતા, તેમ છતાં પતિનો આ સંબંધ ચાલુ રહ્યો હતો. જ્યારે પણ પત્ની આ બાબતે વાત કરતી, ત્યારે પતિ ઝઘડો કરીને મારકૂટ કરતો હતો.

​ઝઘડાઓથી કંટાળીને શહેનાઝબેન પાંચથી છ વખત રિસામણે પિયર પણ ગયા હતા અને સમાધાન બાદ પાછા ફરતા હતા, પરંતુ પતિ સુધર્યો ન હતો.

​આ દરમિયાન સાસુ-સસરા પણ પતિ સદામનો પક્ષ લેતા હતા અને શહેનાઝબેનને સીધું જ કહેતા હતા કે, "તું છૂટું (છૂટાછેડા) આપી દે, અમે તારા જેવી બીજી લઈ આવશું." ફઈજી સાસુ શઇહુસેન કારવા પણ અવારનવાર ઘરે આવીને પતિને ચઢામણી કરતા હોવાથી પતિ વધુ મારકૂટ કરતો હતો.

​ફરિયાદ મુજબ, આશરે આઠેક માસ પહેલા શહેનાઝબેને પતિ સદામને અન્ય યુવતી સાથે કઢંગી હાલતમાં જોઈ લીધો હતો, જેના કારણે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને પતિએ તેમને મારકૂટ કરી હતી. આ ઘટના બાદ જ્યારે તેમણે સાસરિયાઓને આ અંગે વાત કરી તો, સાસરિયાઓ પતિ સદામને પોતાની સાથે લઈ ગયા હતા. આ તમામ ત્રાસના કારણે પરિણીતાએ કાયદાકીય મદદ લેતા, મહિલા પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(10:12 AM IST)