તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
મનપાના જન્મ-મરણ વિભાગમાં અરજદારોને પારાવાર હાલાકીઃ કોંગ્રેસ
લોકોની મુશ્કેલીનું દરદ પારખી તંત્રને ઇન્જેકશન મારતુ વિપક્ષ : આ સમસ્યા તાકિદે નિવારવા કલેકટર અને મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી પ્રમુખ રાજદિપસિંહ જાડેજાની રજૂઆત

રાજકોટ તા.૧૫: શહેરના જન્મ મરણ ના દાખલા માટે કલાકો સુધી શહેરીજનોને હેરાન થવું પડે છે ત્યારે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસે લેખિત રજૂઆત કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાની આગેવાનીમાં કરાયેલ રજુઆત મુજબ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી સમયે જ્યાં માનવી ત્યાં સુવિધા અને રાજકોટની જનતાને અડધી કલાક પાણી વિતરણ સહિતના અનેક વચનો આપી શાસનની ધુરા સંભાળી હતી. વચનોની લહાણી વચ્ચે આજે પાંચ વર્ષને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે.
મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે કે નીચેથી ઉપર સુધી શાસકોને સ્પષ્ટ બહુમતી છે ૪ ધારાસભ્યો ૨ સાંસદ અને ૬૮ ભાજપના કોર્પોરેટરો હોવા છતાં અને રાજકોટની જનતાએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા હોવા છતાં લોકોને જન્મ મરણના દાખલાઓ માટે કલાકો સુધી તપ કરવું પડે છે. અને વારંવાર ધક્કા ઓ પણ થાય છે. કામ ધંધા મૂકીને લોકોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે બેઠક વ્યવસ્થા ના અભાવના પગલે નીચે બેસવું પડે છે.
છેલ્લા છ મહિના થી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસની નીચે જ જન્મ મરણ વિભાગ આવેલ હોય અને જન્મ મરણ કઢાવવા માટેની દરવાજા સુધી લાંબી લાઈનો લાગતી હોય છતાં મુશ્કેલી યથાવત છે.
જન્મ મરણ વિભાગમાં હાલ અપુરતા સ્ટાફને પગલે સમસ્યા વકરી છે. લાંબા સમયથી શહેરીજનો જન્મ મરણના દાખલાઓ કઢાવવામાં પરેશાન છે તંત્ર બે ફિકર છે. મનપામાં વખતો વખત કનેક્ટિવિટી બંધ, સર્વર ડાઉન, નેટવર્કમાં ખામી, નવું પોર્ટલ ઉપરથી જ નેટ સ્લો ચાલતું હોય આ પ્રકારની અનેક ખામીઓના પગલે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા લોકોને કોર્પોરેશન સુધી ધક્કાઓ ન ખાવા પડે તે માટે દરેક વોર્ડ ઓફિસે જન્મ મરણના દાખલા સહિતના તમામ કામો શરૂ કરાવ્યા હતા પરંતુ ખાડે ગયેલી સિસ્ટમના પગલે વોર્ડ ઓફિસે દાખલાઓ મળવાનું સુરસુરીયું થઈ ગયું છે. અને હાલ ફક્ત સેન્ટ્રલ ઝોન કચેરી સિવાય કોર્પોરેશનની અન્ય ઝોન કચેરીમાં દાખલાઓ આપવામાં આવતા નથી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે જન્મ મરણ માં અપૂરતા સ્ટાફ ના પગલે શહેરીજનોને દાખલાઓ માટે લાંબી લાંબી લાઈનો અને કલાકો સુધી તપ કરવું પડે છે અને અફડા તફડીનો માહોલ સર્જાઈ રહ્યો છે.
આ સમસ્યાનું નિરાકરણ સત્વરે લાવવું જોઈએ જરૂર પડે નવી ભરતી અને કોન્ટ્રાક્ટ દ્વારા કર્મચારીની નિયુક્તિ કરી જન્મ મરણ વિભાગમાં દાખલાઓ માટે ની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. તેમ અંતમાં શહેર પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
(3:06 PM IST)










