<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પોલીસમાં ખાનગી રીતે ભરતી કરાવી દેવાનું કહી સાજીદના ૭ લાખ મયુર ઉર્ફે મનહર ‘ખાઇ' ગયો

ઓછુ ભણેલા ડ્રાઇવીંગ કરતાં યુવાનને સરકારી નોકરીની ખુબ ઇચ્‍છા હતઃ પિતાના મિત્ર મારફત મયુરનો કોન્‍ટેક્‍ટ કર્યો હતો : વિનાયકનગરના યુવાનને હથીયારધારી પોલીસમાં નોકરી અપાવી દેવાના નામે કટકે કટકે નાણા પડાવ્‍યાઃ છેલ્લે ખબર પડી કે મયુર એ ખરેખર મનહર છે અને નાગેશ્વરનું ઘર છોડીને ભાગી ગયો છેઃ માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૫: શહેરમાં નોકરીના નામે વધુ એક યુવાન છેતરાઇ ગયો છે.  ઓછું ભણેલા અને સરકારી નોકરીની પ્રબળ ઈચ્‍છા ધરાવતા યુવકને પોલીસમાં ભરતીની લાલચ આપી કુલ રૂ. ૭,૯૭,૦૦૦ ની રકમ પડાવી લેવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ દોશી હોસ્‍પિટલ સામે વિનાયક નગર શેરી નં. એ-૧૭માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં સાજીદ મંગાભાઇ પઠાણ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી મયુર પટેલ ઉર્ફે મનહર રવજીભાઈ ત્રાડા સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. સાજીદ પઠાણે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે તે ધોરણ ૯ સુધી ભણેલા છે અને ડ્રાઇવિંગ તેમજ મજૂરીનું કામ કરે છે. પોતાને સરકારી નોકરી મેળવવાની તીવ્ર ઇચ્‍છા હાતી. આ દરમિયાન તેના પિતાના મિત્ર બાબુભાઈ કવાભાઈ લઢેરએ વાત કરી હતી કે તમારા છોકરાને સરકારી નોકરી અપાવવી હોય તો હમણા ખાનગી રીતે ભરતી છે. બાબુભાઈએ જણાવ્‍યું હતું કે તેના એક મિત્ર મયુર પટેલ છે, જેણે ઘણા યુવકોને ખાનગી રીતે થતી સરકારી ભરતીમાં નોકરી અપાવી છે.

ત્‍યારબાદ તા. ૦૪/૦૩/૨૦૨૫ના રોજ, બાબુભાઈ લઢેર સાજીદ પઠાણને મોરબી રોડ પર આવેલા તેમના ઘરે લઈ ગયા, જ્‍યાં તેણે મયુરભાઈ પટેલ નામની વ્‍યક્‍તિ સાથે મુલાકાત કરાવી હતી. મયુર પટેલે પોતાનું આઈકાર્ડ બતાવ્‍યું, જેના પર ત્રણ સિંહના મોરાનું ચિホ હતું, અને જણાવ્‍યું કે હાલ પોલીસની ભરતી થવાની છે. મયુર પટેલે ફરિયાદી સાજીદને વિશ્વાસ આપી જણાવ્‍યું કે જો તે આ સીટમાં ભરતી થવા માંગતો હોય, તો તેણે તાત્‍કાલિક રૂ. ૬૦,૦૦૦ આપવા પડશે, જેથી તે સીટ બુક કરાવી શકે. ફરિયાદીએ સંમતિ આપતાં, બે-ત્રણ દિવસ પછી બાબુભાઈ અને મયુર પટેલ ફરિયાદીના ઘરે આવ્‍યા હતા. ફરિયાદીએ આ રકમ રૂ. ૬૦,૦૦૦  પોતાના પપ્‍પા, મમ્‍મી, ફઈ અને ફૂવાના હાજરીમાં મયુર પટેલને આપી હતી.

આ રકમ આપ્‍યાના ત્રણ દિવસ પછી, મયુર પટેલનો ફોન આવ્‍યો કે ગાંધીનગર ખાતે નોકરીની સીટ પાકી કરવા માટે વધુ રૂ. ૩,૦૦,૦૦૦ ભરવા પડશે. બે દિવસ પછી આ બંને વ્‍યક્‍તિઓ ફરિયાદીના ઘરે આવ્‍યા અને ફરિયાદીએ બેંકમાંથી ઉપાડેલા રૂ. ૩,૦૦,૦૦૦ તેમને આપી દીધા હતાં. ?થોડા સમય પછી, મયુર પટેલે હથિયારધારી પોલીસમાં નોકરી જોઇતી હોય તો રૂ. ૩૨,૭૦૦ ભરવા પડશે, તેમ કહી આ રકમ રોકડામાં લીધી હતી. ત્‍યારબાદ ફરી ફોન આવ્‍યો કે રૂ.૧,૩૨,૭૦૦ ભરવાના હતા, પણ ફક્‍ત રૂ. ૩૨,૭૦૦ જ આપ્‍યા છે. આથી ફરિયાદીએ બાકીના રૂ. ૧,૦૦,૦૦૦ બાબુભાઈના ઘરે જઈને આપ્‍યા હતાં.

આ પછી મયુર પટેલે જણાવ્‍યું કે બે દરબાર આ નોકરીમાં વચ્‍ચે પડ્‍યા છે અને જો તેમને કંઈક આપવામાં નહીં આવે તો તેઓ કામ આડું પાડશે. આ બહાને, ફરિયાદીએ મયુર પટેલને જામનગર રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ ખાતે રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા આપી દીધા હતાં. એ પછી બીજા રૂ. ૧,૫૦,૦૦૦  શીતલ પાર્ક ખાતે અને  છેલ્લે રૂ. ૫૦,૦૦૦ ની જરૂર પડતાં તે પણ મયુર પટેલને આપ્‍યા હતાં. આ રીતે આરોપી મયુર પટેલે કટકે-કટકે ફરિયાદી પાસેથી કુલ રૂ. ૭,૯૭,૦૦૦  જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.

પૈસા આપ્‍યા બાદ સાજીદ વારંવાર પોતાની નોકરી વિશે પુછતછ હતો. મયુર પટેલે તેને જુનાગઢ ખાતે ટ્રેનિંગમાં જવાની વાત કરી અને ટ્રેનિંગમાં લઈ જવાની વસ્‍તુઓની યાદી સાથેનો એક કાગળ પણ આપ્‍યો. તેમને તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ ટ્રેનિંગમાં જવાનું કહેવામાં આવ્‍યું હતું. યાદીમાં  જે ચીજવસ્‍તુ હતી તે જો કે સાજીદે લીધી નહોતી. આ તારીખ વીતી ગયા પછી, તેણે ફોન કરીને પૂછતાં મયુર પટેલે તેને વારંવાર ફોન ન કરવા અને મળવા ન આવવાની ધમકી આપી દીધી હતી. આ પછી મયુર માત્ર વ્‍હોટ્‍સએપ દ્વારા જ વાત કરતો હતો.

શંકા જતાં સાજીદ પઠાણે પોતાની રીતે તપાસ કરતાં માલુમ પડ્‍યું કે મયુર પટેલનું સાચું નામ મનહર રવજીભાઈ ત્રાડા છે અને તે નાગેશ્વર સોસાયટી ૩, જામનગર રોડ, રાજકોટ ખાતે રહેતો હતો. જોકે, તે તેનું મકાન ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. અંતે સાજીદે ઠગાઇની ફરિયદ નોંધાવતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:32 PM IST)