News of Saturday, 15th November 2025
રાજકોટના શખ્સની અમદાવાદની જ્વેલર્સ પેઢીના કર્મચારી સાથે અઢી લાખની ઠગાઇ
બેંકમાંથી સોનુ છોડાવવા જે બંગડી ૪ લાખની કહીને આપી તે ભેળસેળવાળી અને ૧ાા લાખની કિંમતની જ નીકળીઃ મહેન્દ્રભાઇ પરમારની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: અમદાવાદ સ્થિત રામદેવ જ્વેલર્સના એક કર્મચારી સાથે રાજકોટમાં સોનાની બંગડીઓની ખરીદીના બહાને રૂ. ૨.૫૦ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીનગરના લેકાવાડા ગામના વતની મહેન્દ્રભાઇ અમથાજી પરમાર (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રાજકોટના હરદીપસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
મહેંદ્રભાઈ પરમાર રામદેવ જ્વેલર્સ, માણેક ચોક, અમદાવાદ ખાતે પગારદાર કર્મચારી તરીકે ફરજ બજાવે છે, તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૩/૧૧ના રોજ તેમના શેઠ ગોપાલસિંહે તેમને રાજકોટમાં ઇન્દ્રજીતસિંહ વાઘેલા નામના ગ્રાહકને મળવા મોકલ્યા હતા, જેઓ બેંકમાંથી સોનું છોડાવવા માંગતા હતા. જોકે, તે દિવસે મુલાકાત થઈ શકી નહોતી. બાદમાં, તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ ઇન્દ્રજીતસિંહનો ફોન આવ્યો હતો અને તેમણે તેમના મિત્ર હરદીપસિંહ જાડેજાની વાત કરી હતી, જેને આઇઆઇએફએલ ગોલ્ડ લોન કે જેની ઓફિસ સાધુ વાસવાણી રોડ ખાતે છે તેમાંથી ૫૩ ગ્રામ વજનની સોનાની બંગડીઓ છોડાવીને વેચવી હતી.
આ પછી મહેંદ્રભાઈ બીજા દિવસે રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં ઇન્દ્રજીતસિંહ તેમને બેંક સુધી મૂકી ગયા હતા. થોડીવાર પછી, હરદીપસિંહ હરેન્દ્રસિંહ જાડેજા ત્યાં આવેલ. હરદીપસિંહે જણાવ્યું કે રબર સહિત બંગડીઓનું વજન ૫૩ ગ્રામ છે અને રબર સિવાય અંદાજે ૪૩ ગ્રામ સોનું છે. આ ૪૩ ગ્રામ સોનાની બંગડીઓ માટે તેણે કુલ રૂ. ૪,૦૦,૦૦૦ની કિંમત નક્કી કરી હતી. ડીલ ફાઇનલ થયા બાદ, રામદેવ જ્વેલર્સના શેઠ ગોપાલસિંહ દ્વારા અમદાવાદથી આઇઆઇએફએલ ગોલ્ડ લોનના એકાઉન્ટમાં આરટીજીએસ મારફતે રૂ. ૩,૫૨,૦૦૦ જમા કરાવવામાં આવ્યા હતા. બાકીના રૂ. ૪૮,૦૦૦ મહેંદ્રભાઈએ હરદીપસિંહને રોકડા ચૂકવ્યા હતા અને ૫૩ ગ્રામની બે બંગડીઓ રબર સહિત મેળવી લીધી હતી.
આ બંગડીઓ લીધા પછી મહેંદ્રભાઈએ રોયલ કાસા હોટેલમાં જઈને જ્યારે તે ચેક કરી, ત્યારે તેમને સોનું ખોટું હોવાની શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક હરદીપસિંહનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે જવાબ આપ્યો કે બંગડીઓ વેચાઈ ગઈ છે અને હવે તેમને જોવાનું રહેશે. વધુ બારીકાઈથી તપાસ કરતાં મહેંદ્રભાઈને બંગડીઓમાં સફેદ રંગનું જારણ એટલે કે અન્ય ધાતુનું મિશ્રણ વધુ પડતું જોવા મળ્યું હતું અને હોલમાર્ક પણ શંકાસ્પદ લાગ્યો હતો. બાદમાં તેમના શેઠ સાથે વાતચીત કરતાં માલૂમ પડ્યું કે જે બંગડીઓ રૂ. ૪,૦૦,૦૦૦માં વેચવામાં આવી હતી, તેની વાસ્તવિક કિંમત અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦ જ છે. આમ, હરદીપસિંહ જાડેજાએ કુલ રૂ. ૨,૫૦,૦૦૦ની છેતરપિંડી આચરી હતી.
પોલીસે મહેંદ્રભાઈની ફરિયાદના આધારે હરદીપસિંહ જાડેજા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ એચ.જે. જોગડાએ વધુ તપાસ હાથ ધરી છે.
(2:39 PM IST)










