તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
મિલ્કત ફેરબદલ સંબંધીત દસ્તાવેજો માટે A-4 સાઇઝના પેપરને મંજુરી આપવા રેવન્યુ બાર એસો.ની રજુઆત .
નોંધણી નિરીક્ષક કચેરીના અધ્યક્ષ અજયકુમાર ચારેલને આવેદનપત્ર પાઠવાયું

રાજકોટ : રેવન્યુ બાર એસો. દ્વારા મિલ્કત ફેરબદલના મામલે એ-ફોર સાઇઝના પેપરની મંજુરીના સંદર્ભે નોંધણી નિરીક્ષકને આવેદન પત્ર પાઠવી મંજુરી આપવા રજુઆત કરી હતી. તસ્વીરમાં બી.સી.આઇ.ના દિલીપભાઇ પટેલ, રેવન્યુ બારના પ્રમુખ રમેશભાઇ કથીરીયા, વિજય તોગડીયા, વિજય દવે સહિતના રેવન્યુ પ્રેકટીશનરો નોંધણી નિરીક્ષકને આવેદનપત્ર પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા., ૧પઃ મિલકત ફેરબદલ સંબંધિત તમામ દસ્તાવેજો માટે A4 સાઇઝના પેપરને મંજૂરી આપવા અંગે રેવન્યુ વકીલોએ નોંધણી નિરીક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે હાલમાં કોઈપણ પ્રકારનો દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે આવે છે ત્યારે લીગલ પેપરનો આગ્રહ રાખવામાં આવે છે અને તેમાં પણ એક સાઇડ પ્રિન્ટ થયેલ દસ્તાવેજનો આગ્રહ રાખવામાં આવે છે, આ ઘણા વર્ષોથી ચાલતી આવતી પદ્ધતિ છે, જેના કારણોસર ખર્ચાળ પ્રિન્ટર ખરીદ કરવા પડે છે તેમજ એક સાઈડ પ્રિન્ટ કરવાના કારણોસર સ્ટેશનરી પણ ખર્ચાળ બને છે તદુપરાંત, રજિસ્ટર્ડ થયેલા દસ્તાવેજની ઝેરોક્ષ કરવામાં પણ, જે જગ્યાએ લીગલ ઝેરોક્ષ થતી હોય ત્યાં જ ઝેરોક્ષ કરાવવા જવું પડે છે. હાલના સમયમાં A4 પ્રિન્ટર મોટાભાગના લોકો પાસે ઉપલબ્ધ હોય છે જેથી કરીને જો A4 પેપરમાં દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવામાં આવે તો આવી ઝેરોક્ષ કરાવવા બીજે જવાનું ન રહે તેમજ સાચવવામાં પણ સરળતા રહે અને લોકોના સમય તથા નાણાંની બચત થાય અને જ્યારે હાલના સમયમાં પર્યાવરણમાં મોટો બદલાવ આવ્યો છે ત્યારે ઓછા પેપર વપરાશના કારણોસર કાગળની બચત થશે અને વળક્ષછેદન ઘટશે જેના કારણે પર્યાવરણને ફાયદો થશે.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પોતાની કાર્યવાહીમાં A4 સાઇઝના પેપર નો ઉપયોગ કરવા અંગે જણાવેલ છે. વકીલોની અરજ છે, કે સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે આવનાર તમામ દસ્તાવેજો માટે A4 સાઇઝના પેપરને મંજૂરી આપો તેમજ દસ્તાવેજો પેપરની બંને સાઈડ લખાણ કરવાની મંજૂરી આપવા રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા નોંધણી નિરીક્ષક અજયકુમાર ચારેલને આવેદનપત્ર પાઠવેલ હતું.
(2:11 PM IST)










