તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
માત્ર રૂ.૧૧૦૦૦માં લગ્નોત્સવ : પાટીદાર પરિવારો દ્વારા આદર્શ વૈદિક વિવાહનો સુધારાવાદી નિર્ણય
પટેલ પ્રગતિ મંડળ રાજકોટ (ફીલ્ડ માર્શલવાડી) યોજીત સ્નેહ મિલનમાં પ્રસ્તાવ પસાર : ૧૮૧ લગ્નના દાતા વરસી પડયા : એ.સી. હોલમાં દરરોજ બે લગ્ન : ઢોલી, ગોરબાપાનો ખર્ચ પણ સંસ્થા ઉઠાવશે : સામે પ્રિ- વેડિંગ, હલ્દી રસમ, રીસેપ્સન જેવા આંધળા અનુકરણની મનાઈ : સૌ પ્રથમ લગ્ન ૨૧ મી નવેમ્બરે

રાજકોટ તા. ૧૫ : પટેલ પ્રગતિ મંડળ - રાજકોટ (ફિલ્ડમાર્શલ વાડી) દ્વારા નૂતન વર્ષ નિમિતે કડવા પાટીદાર પરિવારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં વૈદિક લગ્ન અંગે માત્ર રજુ થયેલો પ્રતિભાવ થોડી જ મિનિટોમાં મૂર્તિમંત થયો હતો. સમાજ શ્રેષ્ઠીઓ સમક્ષ પ્રસ્તાવ મુકતા માત્ર અડધી કલાકમાં ૧૮૧ દાતાઓએ પોતાના રૂ.૫૧૦૦૦/- (રૂ.એકાવન હજાર)ના અનુદાન સાથે ૧૮૧ યુગલોને લગ્નગ્રંથિથી જોડવા આગળ આવતા સૌ કોઈએ વધાવી લીધા હતા.
જુદા જુદા સામાજિક પ્રકલ્પો માટે કડવા પાટીદાર સમાજ અગ્રેસર રહ્યો છે. પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવિયાને વર્તમાન સમયમાં ખર્ચાળ થઇ રહેલા લગ્નો વચ્ચે તમામ સ્તરના સમુદાયને જોડવા અને લગ્નના ખોટા ખર્ચા દેખાડા અને દેવાદારપણામાંથી દુર રાખવા આદર્શ વૈદિક વિવાહની પરિકલ્પના રજુ કરી મોડેલ રજુ કર્યું હતું કે સાવ નજીવા ખર્ચમાં જાજરમાન લગ્ન પ્રસંગ યોજાય અને જુદી જુદી ખર્ચાળ રસમોને ત્યાગ થાય એ માટે ફિલ્ડમાર્શલ વાડીમાં રોજ બે લગ્ન પ્રસંગ સંસ્થા તરફથી ગોઠવી અને યુગલોને બોજા મુક્ત થવા સાથે લગ્નગ્રંથીથી જોડવા અને તેનું અન્ય સ્વરૂપ રજુ કરતા સૌએ એકી અવાજે સ્વીકાર કર્યો હતો.
આ પ્રસ્તાવના પ્રતિસાદમાં ૧૮૧ લગ્ન એડવાન્સમાં ગોઠવાઈ ગયા હતા. રૂ. ૫૧૦૦૦/- ધન રાશિ સાથે દાતાઓએ લગ્નોત્સક યુગલને દતક લીધા હતા.
પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ તેમજ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેન્દ્રભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે આ લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષને પ્રત્યેકને રૂ.૧૧ હજારનો જ ખર્ચ થશે આ પ્રતિકાત્મક ધનરાશિ જ તેણે આપવાની રહેશે. આ પ્રસંગમાં વર પક્ષ ૧૧૧ મહેમાનોને ભોજન સમારંભમાં જોડી શકશે. આવી જ રીતે કન્યા પક્ષમાં ૧૧૧ મહેમાનોને ભોજન સમારંભમાં જોડી શકશે. એક લગ્નોત્સવમાં કુલ ૨૨૨ વ્યક્તિનો ભોજન સમારોહનો ખર્ચ દાતાના સહયોગમાં સંસ્થા ભોગવશે.
હાલ લગ્નોમાં વાડી - સમાજ તેમજ પાર્ટી પ્લોટના જંગી ખર્ચા આવે છે ત્યારે આદર્શ વૈદિક લગ્નમાં જોડાનાર પરિવારને ૫૦૦૦ સ્ક્વેર ફુટનો એસી હોલ મળશે. આ ઉપરાંત ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ, વરરાજાની એન્ટ્રી જેવી રસમ માટે સંસ્થા તરફથી સુવિધા મળશે. ઢોલીની સવલત સંસ્થા નિઃશુલ્ક આપશે. લગ્ન વિધિ માટે ગોર બાપાની દક્ષિણા પણ સંસ્થા ચૂકવશે. ખુરશીઓ બાજોટ ઇત્યાદિ વ્યવસ્થા સંસ્થા આપશે. બંને પક્ષે પુજા સામગ્રી જ સાથે લાવવાની રહેશે.
આ લગ્નમાં જોડાનારાઓએ કેટલાક નિયમોનું ચુસ્ત પાલન કરવુ પડશે. આદર્શ વૈદિક લગ્નોત્સવમાં જોડાનાર કન્યા અને વરરાજા પ્રિ- વેડિંગ નહીં કરી શકે, હલ્દી જેવી વિધિ, ડી. જે., બેન્ડવાજા ખર્ચ નહીં કરી શકે. સામૈયા કે બીજી રસમમાં ફટાકડા કે આતશબાજીનો ખર્ચ નહિ કરે, લગ્ન થયા પૂર્વે કે પછી અલગ રીસેપ્શન નહી કરી શકે.
આદર્શ વૈદિક લગ્નોત્સવમાં ક્રાંતિકારી પરિવારો જોડાવા લાગ્યા છે. પ્રથમ લગ્ન સમારોહ તા.૨૧ મી નવેમ્બરે યોજાશે. એક દિવસમાં બે લગ્ન પ્રસંગ યોજાય એવું આયોજન થયું છે. હાલ લગ્ન નોંધણી શરૂ થઇ ગઈ છે આ માટે ઉપરોક્ત આગેવાનો ઉપરાંત સુરેશભાઈ અઘેરા તથા મગનભાઈ વાછાણી અને ફિલ્ડમાર્શલ વાડી, લક્ષ્મીનગર મેઈન રોડ - રાજકોટ ખાતે વધુ વિગત માટે સંપર્ક કરી શકાશે. તેમ પટેલ પ્રગતિ મંડળ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
(11:47 AM IST)










