<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

૧૫૦ રીંગ રોડ પર પાન કોલ્‍ડ્રીંક્‍સના ધંધાર્થી સાથે હર્ષદ મહાજનના દિકરા સહિતની ધમાલ

ગાળો બોલવાની ના પાડતાં બોટલ ફેંકી, દૂકાનમાં તોડફોડ કરીઃ વેપારીના દિકરા સમજાવવા જતાં તેને પણ ધમકી આપીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૪: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નંદનવન રેસ્‍ટોરેન્‍ટ પાસે આવેલા એન.ડી.વી. પાન એન્‍ડ કોલ્‍ડ્રીંક્‍સ નામની પાનની દુકાનમાં રાત્રે હર્ષદ મહાજનના પુત્ર સહિત બે જણાએ ગાળાગાળી કરતાં દુકાન માલિકે તેમને રોકયા હતા. આ મામલે ઉશ્‍કેરાયેલા યુવકોએ દુકાનમાં તોડફોડ કરી, પાણીની બોટલ ફેંકી માલિકને ધમકી આપી હતી. બાદમાં માલિકના પુત્રો આવતાં તેમની સાથે પણ ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં પહોંચ્‍યો છે.

આ બારામા પોલીસે મુંજકા શ્રીસીટી વીંગ એપાર્ટમેન્‍ટ ૧૦૦૧માં રહેતાં પ્રતિક રમેશચંદ્ર રૂઘાણી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી જેનીશ અને કરણ સામે ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ પાનની દુકાન ચલાવતા ફરિયાદીના પિતા રાત્રીના આશરે સાડા દસ વાગ્‍યાની આસપાસ દુકાને હાજર હતા. તે સમયે સફેદ કલરના એક્‍સેસ જેવા મોટરસાઇકલ અને કાળા કલરના એક્‍ટીવા જેવા પર બે યુવકો દુકાને આવી સિગારેટ અને પાણીની બોટલ ખરીદી હતી. આ બંને યુવકો અંદરો અંદર ગાળો બોલતા હતા, જેથી ફરિયાદીના પિતાએ તેમને અન્‍ય ગ્રાહકોને ખરાબ લાગશે તેમ કહી ગાળો ન બોલવા સમજાવ્‍યા હતા.

આ સાંભળી બંને યુવકો ઉશ્‍કેરાઈ ગયા હતા. તે પૈકી એક યુવકે પોતાનું નામ જેનીશ મહાજન જણાવ્‍યું હતું અને ધમકીભર્યા સ્‍વરે કહ્યું હતું કે, મને ઓળખો છો? મારા પપ્‍પા કોણ છે તમને ખબર છે, મારા પર ઘણા બધા ગુના દાખલ થયેલા છે' આટલું કહી જેનીશે પાણીની બોટલનો ઘા કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી, તારે મને કાંઈ કહેવુ નહીં નહીંતર તારા ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. તેની સાથે આવેલ અન્‍ય વ્‍યક્‍તિ, જેણે પોતાનું નામ કરણ જણાવ્‍યું હતું, તેણે પણ ગાળો બોલી જેનીશને સાથ આપ્‍યો હતો. જોકે, અન્‍ય ગ્રાહક આવતાં બંને યુવકો ત્‍યાંથી નીકળી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફરિયાદી યુનિવર્સિટી રોડ પરથી તાત્‍કાલિક દુકાને પહોંચ્‍યા હતા. તેમના પિતા પાસેથી સમગ્ર ઘટના જાણીને ફરિયાદી અને તેમના ભાઈ દર્શન બંને યુવકોને પૂછવા માટે સામે રોડ પર રાધાજી રેસ્‍ટોરેન્‍ટની બહાર ઊભા હતા ત્‍યાં ગયા હતા. ત્‍યાં ફરીથી ઝઘડો શરૂ થતાં જેનીશે ગુસ્‍સે થઈ બંને ભાઈઓને કહ્યું હતું કે તમારા બાપે અમારી ઓળખાણ આપેલ નથી કે હું કોણ છુ અને મારો મિત્ર કરણ કોણ છે? ત્‍યારબાદ બંને ભાઈઓને ધમકી આપી હતી કે નક્કી તમારે માર ખાવાનો છે, તમે બંનેના ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ. બંને પક્ષે ઝપાઝપી થતાં ફરિયાદીના ભાઈ દર્શને તુરંત પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ પર ફોન કર્યો હતો. પોલીસ વાન તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને જેનીશ મહાજનને સાથે લઈને પોલીસ સ્‍ટેશન લાવ્‍યા હતા.

ત્‍યારબાદ તેનો મિત્ર કરણ પણ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. પોલીસે જેનીશ મહાજન અને કરણ સામે ધમકી, ગાળો અને તોડફોડ બદલ ગુનો નોંધ્‍યો છે. હેડકોન્‍સ. જી. એસ. ઝાલા તપાસ કરે છે.

(3:43 PM IST)