તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
મારૂં જીવન સાદુ છે, હું ભલી અને મારા ભજન ભલા : વિજયાબેન વાઘેલા
જ્જ લોક ગાયિકા, ભજન આરાધક વિજયાબેન લોકડાયરા ક્ષેત્રે સૌરાષ્ટ્રના સિંહણ તરીકે ઓળખાય છે. જ્જ ૧૨ વર્ષના હતા ત્યારથી ભજન ગાય છે સંગીતનો વારસો મોસાળમાંથી મળ્યો છે. જ્જ ૩૫ વર્ષમાં વિજયાબેને અસંખ્ય કાર્યક્રમો સમગ્ર ભારતમાં ફરી આપ્યા છે. જ્જ સૌરાષ્ટ્રના લગભગ દરેક સંતો-મહંતોએ વિજયબેનના ભજનોને સાંભળ્યા છે. અષાઢી બીજ અને એકમના રોજ તેઓ પરબવાવડી ગુરૂ ગાદી ખાતે અચૂક કાર્યક્રમ આપવા જાય છે. જ્જ વિજયાબેનને કુદરતે સંગીત આપ્યું છે તેમને હાર્મોનિયન પણ આવડતું નથી છતાં ગવાઇ જાય છે. જ્જ ગુજરાતી ફિલ્મમાં શિવજીનું ભજન ‘મેરી બીગડી બનાને વાલા કોઇ નહીં ભોલેનાથ સે નિરાલા કોઇ નહીં..' ગાયું હતું.

તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોકગાયિકા વિજયાબેન વાઘેલા અને રમેશભાઇ ચૌહાણ નજરે પડે છે.
રાજકોટ, તા.૧૧ : ગુજરાતી લોક સંગીતની વાત કરવામાં આવે તો રાસ ગરબા, ભજન, સંતવાણી વગેરે વારસા સ્વરૂપે મળેલું આગવું એક લોક સંગીત છે. તેમાંય પ્રાચીન ભજન અને દેશી ભજનની પરંપરા અનેક કલાકારોએ જાળવી રાખી છે. ગંગા સતી, મીરાં બાઇ, પાન બાઇ, દાસી જીવણ સહિત અનેક લોકોને કુદરતે એક આગવી વાણી આપી છે. એજ વાણીને આજના ભજનીકો, લોક ગાયકો એક ઢબની અંદર જાળવી રાખી છે. આવાજ એક લોક ગાયિકા છે વિજયાબેન વાઘેલા કે જેઓ ભજન આરાધક છે અને લોક ડાયરા ક્ષેત્રે સૌરાષ્ટ્રના સિંહણ તરીકે ઓળખાય છે.
અકિલા કાર્યાલય ખાતે આવેલા વિજયાબેન વાઘેલા છેલ્લા ૩૫ વર્ષથી ભજનો, સંતવાણી, લોકગીતો ગાય છે અને લોકડાયરા સહિત અનેક કાર્યક્રમો આપી ચૂક્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું ૧૨ વર્ષની હતી ત્યારથી ભજન ગાઉં છુ. મારા મોસાળમાં સંગીતનું વાતાવરણ હતું. મારા મોટાભાઇ અને સંગીતગુરૂ નવીનબાપુ વાઘેલા કે જેઓ હાલ જામનગર ખાતે રહે છે તેમણે સંગીતની થોડી તાલીમ આપી. મારા મામા મોટા લિલિયા ગામના ગીગાભાઇ જીવાભાઇ વાડોદરા પણ ગાતા. એકવાર ૧૨ વર્ષની ઉંમરે વિજયાબેન મહાશિવરાત્રીએ નવીનબાપુ સાથે પરબવાવડી ગયેલા ત્યારે ભજન સંધ્યા ચાલુ હતી. પૂજ્ય સેવાદાસ બાપુ ગાદી પર બિરાજમાન હતા. તેમણે વિજયાબેન પાસે ભજન ગવરાવ્યું ‘પરબવાળા મોટા ધણી મારે એક આસરો તમારો...' જે સાંભળી પૂજ્ય બાપુએ જગતમાં મોટું નામ થશે એવા આશીર્વાદ આપ્યા હતા અને દૂધનો અમર પ્યાલો પાયો બસ ત્યારથી તેઓને ગુરૂ બનાવ્યા.
છેલ્લા ૩૫ વર્ષમાં વિજયાબેને અસંખ્ય કાર્યક્રમો ગામડે અને શહેરોમાં જઇ કર્યા છે. સમગ્ર ભારતમાં ફરી કાર્યક્રમો આપ્યા છે. વર્ષના ૧૦ થી ૧૫ કાર્યક્રમોતો આપે જ છે. તેઓએ કાનદાસ બાપુ, ભારતી બાપુ, કેશવાનંદ બાપુ, બગદાણામાં બજરંગદાસ બાપુના મંદિરે, પરબધામ સહિત અનેક સંતોની ઝુંપડીએ ભજનોને કંઠ આપ્યો છે. તાજેતરમાં પૂજ્ય મોરારિબાપુના સાંનિધ્યમાં આયોજીત એવોર્ડ સમારોહમાં તલગાજરડા ખાતે ભજન ગાયું ત્યારે પૂજ્ય બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા. સૌરાષ્ટ્રના લગભગ દરેક સંતો-મહંતોએ વિજયબેનના ભજનોને સાંભળ્યા છે. અષાઢી બીજ અને એકમના રોજ તેઓ પરબવાવડી ગુરૂ ગાદી ખાતે અચૂક કાર્યક્રમ આપવા જાય છે. લોકડાયરા સાથે લગ્નગીતો, કચ્છી ગીતો, સંતવાણી સહિત લોકોની ફરમાઇશ મુજબ ગઝલ, ગરબા, રાસ સહિતના ગીતો રજુ કરી જાણે છે.
સામાન્ય રીતે ગાયકોને સખત રિયાઝ કરવો પડે છે. વિજયાબેન કહે છે, મને કુદરતે સંગીત આપ્યું છે, મારા પર ઇશ્વરની કૃપા છે. મને હાર્મોનિયન પણ આવડતું નથી છતાં ગવાઇ જાય છે. કાર્યક્રમ વખતે ભજન પુસ્તકો સાથે હોય પણ કદી તેમાંથી જોઇને ગાયું નથી. અંદરથી જે આવે તે ગાઇ નાંખુ છુ. વિજયાબેન લગભગ ૨ થી ૩ કલાક સ્ટેજની મર્યાદા રાખી આરામથી કાર્યક્રમ આપી શકે છે.
વિજયાબેન કહે છે, મને કેટલા ભજન કંઠસ્થ હશે તે મને પણ ખ્યાલ નથી. સ્ટેજ પર બેસુ અને જે ભાવ આવે તે ગવાઇ જાય. તેમાંય ‘અમે તો સીધને જાણીને તમને સેવ્યા.. મારા રૂદિયામાં દિવસ અને રાત હે જીવન ભલે ને જાગ્યા..' અને બીજું ભજન ‘કોણ તોરે જાણે કોણ તોરે જાણે..' અમરમાંનું ભજન અને ગુરૂજીનું ભજન તેમને પોતાને ખુબ જ ગમે છે. વિજયાબેને પ્રાણભાઇ, દિવાળીબેન ભીલ, મિનાબેન પટેલ, જગમલભાઇ બારોટ, કરસનભાઇ સાગઠિયા, ભિખુદાનભાઇ ગઢવી, કિર્તીદાનભાઇ, માયાભાઇ આહિર, બિરજુભાઇ બારોટ, લલિતાબેન ઘોડાદ્રા, જયશ્રી માતાજી સહિત અનેક કલાકારો સાથે કાર્યક્રમો આપ્યા છે. વિજયાબેનને કલાકારો જય માડી કહીને બોલાવે છે. વિજયાબેન કહે છે, મારું સાદુ જીવન છે. હું ભલી અને મારા ભજન ભલા. તેમણે રોકટોક ગુજરાતી ફિલ્મમાં શિવજીનું ભજન ‘મેરી બીગડી બનાને વાલા કોઇ નહીં ભોલેનાથ સે નિરાલા કોઇ નહીં..' ગાયું હતું. તેઓ કહે છે. મારે બોલીવુડમાં ગીત ગાવાની અને સારા સ્ટેજ પર ગાવાની ઇચ્છા છે. વિજયાબેનના કાર્યક્રમો ટીવી, રેડિયો પર પણ આવે છે. યુટ્યુબ અને સોશ્યલ મીડિયામાં પણ તેમના ભજનો, સંતવાણી અને કાર્યક્રમા વિડિયો જોઇ શકાય છે.
વિજયાબેન વાઘેલા મૂળ જામનગરના વતની છે. રમેશભાઇ ચૌહાણ સાથે લગ્ન થયા પછી ૪૮ વર્ષથી રાજકોટ રહે છે. રમેશભાઇ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં નોકરી કરે છે. તેઓ ગાતા નથી પણ સાહિત્યના શોખીન છે. તેઓ વિજયાબેનને સંગીતમાં આગળ વધવા ખુબ પ્રોત્સાહન આપે છે. જ્યારે તેમના પુત્ર ધર્મેશ ચૌહાણ વિજયાબેનના કાર્યક્રમની વ્યવસ્થા સંભાળે છે.
પૂજ્ય દયાનંદગીરી બાપુના આશીર્વાદ મારા પર છે
વિજયાબેન વાઘેલા ખુબ સારા લોકગાયિકા અને ભજનિક છે. તેઓએ અનેક સંતોની ઝૂંપડીએ ભજનો ગાયા છે. તેઓ કહે છે, ચરાડવા ખાતે બિરાજમાન પૂજ્ય સંત દયાનંદગીરી બાપુના મારા પર આશીર્વાદ છે. તેઓ જ્યારે હયાત હતા ત્યારે બાપુએ મારા ભજનનો વિડિયો જોયેલો. એ વખતે મારુ ભજન સાંભળી બાપુએ કહેલું કે, આ દિકરીને અત્યારેજ ભજન માટે આવવાનું આમંત્રણ આપી તારીખ આપીદો. પૂજ્ય બાપુએ મને લાભપાંચમની તારીખ આપી હતી પણ મારા ભજન પ્રત્યક્ષ સાંભળે તે પહેલા પૂજ્ય બાપુ દેહ ત્યાગ કરી સમાધી લીધી હતી. તાજેતરમાં ચરાડવા ખાતે સપ્તાહ થઇ ત્યારે મેં સંતવાણી ગાઇ હતી જેમાં ‘સાધુ રે પુરૂષનો સંગ બેની અમને ભાગ્યે રે મળ્યો..' ભજન ગાઇ શ્રધ્ધાંજલિ આપી હતી.
સરકારી કાર્યક્રમો
મળે તે જરૂરી
વિજયાબેન વાઘેલા છેલ્લા ૩૫ વર્ષથી લોકડાયરાઓ અને કાર્યક્રમો કરે છે. તેમને સૌરાષ્ટ્રના સિંહણ તરીકે ભજનીકો ઓળખે છે. તેમનો મધુર કંઠ અનેક લોકોએ સાંભળ્યો છે. સંતો મહંતોએ તેમને આશીર્વાદ પાઠવ્યા છે ત્યારે તેઓ કહે છે, આટલા વર્ષોમાં મને સરકારી કોઇજ કાર્યક્રમ મળ્યા નથી. બધા કલાકારોને સરકારી કાર્યક્રમો મળે છે જો મને પણ સરકારી કાર્યક્રમ મળે તો તે કરવાની મહેચ્છા છે. દેશભકિતના કે સાંસ્કૃતિક કાર્યક્રમ મળે તો મારા જેવા કલાકારોની ઓળખને વ્યાપ મળે.
મેં ભજન ગાયું અને સોનાની
માળા મારા ગળામાં પહેરાવી...
છેલ્લા ૩૫ વર્ષથી વિજયાબેન વાઘેલા ભજન, સંતવાણી અને લોકગીતો કરે છે. આટલા વર્ષોમાં ભજનને લગતા યાદગાર અનુંભવ વિશે તેઓએ જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ પહેલા બિલખાની બાજુમાં આવેલ વેકરિયા ગામ ખાતે પૂજ્ય કરસનદાસ બાપુની પધરામણી હતી. ગામમાં ગુરૂ કંઠીનો પ્રસંગ હતો. મને ભજન ગાવાનું આમંત્રણ મળેલું. ભજન ચાલતા હતા ત્યારે પબ્લિકમાંથી ફરમાઇશ આવી કે પરબની જોળીનું ભજન ગાવ. મેં ભજન ગાયું તે સાંભળી પૂજ્ય બાપુએ તેમના ગળામાં પહેરેલી સોના જડીત ગુરૂ પોખરાજની માળા કાઢી તેમના શિષ્યોને કહ્યું આ દિકરીને પહેરાવો. એ માળા આજે પણ વિજયાબેને પૂજામાં રાખી છે અને અષાઢીબીજ તથા ગુરૂપૂનમે ધારણ કરે છે.
એજ રીતે પાંચ વર્ષ પહેલા રાજકોટથી અમદાવાદ જતા મોગલમાં ધામ રાણેસર ગામ આવે છે ત્યાં વિજયાબેને ભજનો ગાવાના હતા. લોકોએ કહ્યું માતાજીનો ગરબો અથવા ડાકલા ગાવ. વિજયાબેને બંને ભજન ગાયા. જે સાંભળી ભાવવિભોર બનેલા યોગેશભાઇ ગઢવીએ વિજયાબેનને સોનાનું મોગલમાંનું બલોયું આપેલું.
વિજયાબેન વાઘેલા
સંપર્ક
૯૯૦૯૯૧૫૬૫૬,
૯૬૨૪૪૨૬૮૦૨
(3:29 PM IST)










