તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
બોલિવુડ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમ સ્થળની મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ, તા. ૧૪: મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટના નગરજનોને જુદા જુદા સાંસ્કળતિક કાર્યક્રમો માણી શકે તેવા શુભ આશયથી વખતો વખત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ અંતર્ગત તા.૧૯ બુધવારના રાત્રે ૮:૦૦ કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ‘બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ તા.૧૪ ના મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સ્થળ મુલાકાત કરી હતી. આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ઈ.ચા.નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વી.ડી.ઘોણીયા તેમજ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવેલ તમામ અધિકારી-કર્મચારીઓ સ્થળ પર હાજર રહેલ. બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ‘બોલિવુડ મ્યુઝિકલ નાઈટ' શહેરીજનો વ્યવસ્થિત માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, લાઈટ્સ, સાઉન્ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, પાર્કિંગ વગેરે તમામ બાબતોની પદાધિકારીશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.
(3:01 PM IST)










