તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
શહેરના સરકારી-ખાનગી માલીકીના જાહેર સ્થળોએ રખડતા શ્વાન અંગે મનપાનો સર્વે
સુપ્રીમ કોર્ટની સૂચના બાદ કલેકટર, ડીઇઓ સહિતના વિભાગને પત્ર લખી માહિતી મંગાઇ : આજથી કુતરાઓના લીસ્ટ આઉટની તૈયારીઃ બે સરકારી હોસ્પીટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજો, બસ-રેલ્વે સ્ટેશનમાં કામગીરીઃ નોડલ ઓફીસરની નિમણુંક

રાજકોટ, તા.૧૩: શહેરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની જાટકણી કર્યા બાદ સરકારે તમામ મહાનગરપાલિકાઓને આ મુદ્દે પગલા ભરવાનો આદેશ આપતા આજથી રખડતા કૂતરાઓના લીસ્ટઆઉટ માટે તૈયારીઓ આરંભી કલેક્ટર, ડિઇઓ સહિતના સંબંધીત વિભાગને પત્ર લખી માહિતી માંગી હોવાનુ અને આ મુદ્દે એક નોડલ ઓફિસની નિમણુંક કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મનપાનાં વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશના લઈ સર્વે કરીને રાજ્ય સરકારને ડેટા મોકલાશે. રાજકોટ મહાપાલિકા દ્વારા આ સપ્તાહથી જ સર્વેની કામગીરી શરૂ કરાશે અને આંકડાકિય ડેટા એકત્ર કરીને રાજ્ય સરકારને મોકલાશે.
જેમાં રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો પંડિત દિન દયાળ અને પદ્મકુંવરબા ઉપરાંત શહેરના તમામ સ્પોર્ટસ સંકુલ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, તમામ શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા સ્થળો કે જ્યાં લોકોની સતત અવર જવર રહે છે, તેવા તમામ સ્થળોએ લિસ્ટઆઉટ કરવામા આવશે.
રાજકોટમાં રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢયા બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને જાહેર સ્થળોએ પણ રખડતાં કુતરાઓના ત્રાસ દુર કરવા અને સલામતીના શું પગલાં લઇ શકાય તે મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતાં.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્ર જાગ્યું છે. અને સુપ્રિમની ગાઇડલાઇન મુજબ રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કામગીરી કરવામાં આવનાર છે. મનપા દ્વારા તમામ સ્થળોના વડાને લોકોની સલામતી માટે દીવાલ ચી લેવી, જાળી અને સિકયુરિટી સહિતની તમામ વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(3:51 PM IST)










