તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
વિમલ-RMD પાન મસાલા-ગુટખાના નમુના નાપાસ થતા ૪ ધંધાર્થીઓને પાંચ વર્ષની સજા અને ર૩ લાખનો દંડ
સેમ્પલમાં કાયદાથી પ્રતિબંધીત મેગ્નેશિયમ કાર્બોનેટ તથા તમાકુ/ નિકોટીનની હાજરી મળીઃ વર્ષો પહેલા લેવાયેલ નમૂનામાં ભેળસેળ ખુલતા નામદાર મ્યુ. કોર્ટ- રાજકોટનો ચુકાદો

રાજકોટ, તા. ૧૩ : મનપા દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલ વિમલ તથા આરએમડી ના ગુટખાના નમૂનામાં તમાકૂ નિકોટીનની હાજરી મળી આવી હતી. આ અંગે નામદાર કોર્ટમાં કેસ ચાલતા બંને પેઢીના ઉત્પાદકો-ડીલરો સહિત અન્યોને કુલ ર૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિમલ ગુટખા (કેસર યુક્ત) ના અનસેફ જાહેર થયેલ નમૂનાના કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જ્યુ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી દ્વારા ૩ આરોપીઓને ૫ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૧૬,૦૦,૦૦૦ નો દંડ નો હુકમ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ RMD ગુટખા (૧૨૦ ગ્રા.પેક્ડ) ના અનસેફ જાહેર થયેલ નમૂનાના કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જ્યુ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી સાહેબ દ્વારા ૧ આરોપીઓને ૫ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૭,૦૦,૦૦૦/- નો દંડ નો હુકમ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી સ્થળઃ ૨-ઉદયનગર મવડી મે. રોડ, રાજકોટ મુકામેથી વિમલ ગુટખા (કેસર યુક્ત) પેક્ડ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મેગ્નેશિયમ કોર્બોનેટ તથા તમાકુ/નોકોટિનની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ.
જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ તથા કલમ-૫૮ હેઠળ તકસીરવાન ઠરાવી (૧)સુરેશભાઈ ઠાકરશી વેકરીયા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના ભાગીદાર) (૨)રાજેશભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (પેઢીના ભાગીદાર) એ દરેકને ૫ વર્ષની સખત કેસની સજા અને પ્રત્યેકને રૂ.૩,૦૦,૦૦૦/- નો દંડનો હુકમ, (૩) જયોતિ સેલ્સ એજન્સી (ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢી)ને રૂ.૩,૦૦,૦૦૦/- નો દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો દરેકને વધુ ૬-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
જયારે દિપક રાવત (મેનેજર-પ્રોડકશન એન્ડ માર્કેટીંગ-વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લી.) ને ૫ વર્ષની સખત કેસની સજા રૂ.૩,પ૦,૦૦૦/- નો દંડ નો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૬-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. આમ, સદર કેસમાં કુલ મળીને રૂ.૧૬,૦૦,૦૦૦/- દંડ તથા જેલની સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ શ્રી ડી. આર. રાવલ નિયુક્ત કરવામાં આવેલ.
ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ભાભા એજન્સી સ્થળઃ: દુકાન નં.૫-૬, ડી.એચ. ચેબર, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી RMD ગુટખા (૧૨૦ ગ્રા.પેક્ડ) નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત ટેસ્ટ ફોર ટોબેકો એન્ડ નિકોટિન ની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ.
જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ કમલેશકુમાર આર. ગાગનાણી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ તથા કલમ-૫૮ હેઠળ તકસીરવાન ઠરાવી (૧)અનિલ મહેન્દ્રભાઈ પટેલ (ઉત્પાદક પેઢી- મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નોમિની) ને ૫ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૩,૫૦,૦૦૦/- નો દંડ નો હુકમ તેમજ (૨)મે.ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઉત્પાદક પેઢી)ને કુલ રૂ.૩,૫૦,૦૦૦/- નો દંડ મળીને આ કેસમાં કુલ રૂ.૭,૦૦,૦૦૦/- દંડની સજા કરવામાં આવેલ છે. જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૨-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ જે. એન. શાહ નિયુક્ત કરવામાં આવેલ.
(3:42 PM IST)










