તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
માપમાં રહેજો નહિતર કાપી નાંખશુ...થોરાળાની ધમાલમાં શામજી, ગુલી સહિતના ૧૪ના ટોળા સામે વળતો ગુનો
નવા થોરાળાની જૂથ અથડામણમાં ગયા મહિને મીત અને તેના મિત્ર સાથે થયેલી મારામારી કારણભુત : મીત સાથે પહેલી માથાકુટ થયા બાદ હરેશે મીતના પિતા કિશોરભાઇને કોન્ફરન્સમાં લેતાં શામજી મકવાણાએ ગાળો દીધી હતીઃ એ પછી કેવલે ઘર પાસે આવી ડખ્ખો કર્યોઃ ૧૧મીએ ફરી કેવલે આવી ધમકી દીધી, સાંજે ટોળકી રચી હુલ્લડ મચાવ્યું હતું: જેમાં મીતના મિત્ર-પડોશીઓ સહિત ત્રણને ઇજા થઇ હતી

રાજકોટ તા. ૧૩: નવા થોરાળા વિસ્તારમાં અંગત અદાવતને પગલે ગત મંગળવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઇંટો, પથ્થરો, કાચની બોટલો, છરી, તલવાર અને કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો, જેમાં વચ્ચે પડનારા પાડોશીઓ સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ મામલે ૨૧ જણા વિરૂધ્ધ ગુનો દાખલ થયા બાદ હવે સામેના જુથના ૧૪ શખ્સો સામે વળતો ગુનો દાખલ થયો છ.ે
થોરાળા પોલીસે આ અંગે નવા થોરાળા શેરી નં. ૮ વણકરવાસમાં રહેતા મીત કિશોરભાઈ પરમાર (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી કેવલ સોંદરવા, શામજી મકાભાઇ મકવાણા, દિલીપ પ્રેમજીભાઇ ચૌહાણ, હરેશ મોહનભાઇ ખીમસુરીયા, કરણ મોહનભાઇ ખીમસુરીયા, મેહુલ સોલંકી, સંજય દલાભાઇ ખીમસુરીયા, ગુલી મકાભાઇ મકવાણા, દેવશી મકાભાઇ મકવાણા, દેવશીભાઇનો દિકરો ગુગો, ચિરાગ શામજીભાઇ મકવાણા, નાગેશ શામજીભાઇ મકવાણા, ગૌતમ ઉર્ફ ગોગો અને રોહિત ઉર્ફ બાઠી રાઠોડ વિરૂધ્ધ મંડળી રચી તલવાર, છરી દેખાડી પથ્થરમારો કરી હુલ્લડ મચાવી ‘માપમાં રહો નહિતર કાપી નાંખશુ' તેવા હાકલા પડકારા કરી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.
મીત પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૯/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે હું મારા પાડોશી નયન જ્યોતિષભાઈ દાફડા સાથે ચા પીવા નીકળ્યો ત્યારે નવા થોરાળા ખોડિયાર માતાજીના મંદિર પાસે નાગેશ ઉર્ફે છોટુ મકવાણા, ચિરાગ ઉર્ફે ભયલુ મકવાણા અને બે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડા બાદ ફરીથી રમેશ પાન પાસે અન્ય શખ્સો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ થોરાળા વણકરવાસ મેઈન રોડ પર આ તમામે ફરિયાદી અને તેના મિત્રને છરી, ધોકા અને ઢીકા-પાટુ વડે માર માર્યો હતો, જેમાં બંનેને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ પહેલી માથાકુટ થયા પછી મારા પિતા કિશોરભાઇ પરમારને હરેશ ખીમસુરીયાએ ફોન પર શામજી મકવાણાને કોન્ફરન્સમાં લઈને ગાળાગાળી કરી ‘તારા દીકરાના ટાંટિયા ભાંગી નાખવા છે' તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ તા. ૦૪/૧૧/૨૦૨૫ના રોજ કેવલ સોંદરવા મારા ઘર પાસે આવી ગાળો આપી અને છરી બતાવી ધમકી આપી હતી. ગત તા. ૧૧/૧૧/૨૦૨૫ના રોજ પણ બપોરે કેવલ સોંદરવાએ ઘર પાસે આવી ગાળાગાળી કરી અને ‘શામજી મકા આવીને તમને બધાને જોઈ લેશે' તેવી ધમકી આપી હતી, જેના પગલે પોલીસ વાન ૧૧૨ને જાણ કરતાં તે ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ તા. ૧૧/૧૧ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે, મીત અને તેના મિત્રો નયન દાફડા, સુજલ પરમાર, મોહિત પરમાર, જયેશ ચાવડા અને મયુર ખીમસુરીયા સાથે અશરફકાકાના ઘરે હાજર હતા. તે સમયે શામજીભાઈ મકવાણા, દિલીપ ચૌહાણ, હરેશ ખીમસુરીયા, કરણ ખીમસુરીયા, મેહુલ સોલંકી, સંજય ખીમસુરીયા, ગુલી મકવાણા, દેવશીભાઈ મકવાણા, દેવશીભાઈનો દીકરો ગુગો, ચિરાગ મકવાણા, નાગેશ મકવાણા, ગૌતમ ઉર્ફે ગોગો વાલ્મીકી, અને રોહિત ઉર્ફે બાઠી રાઠોડ સહિતના ૧૪ જેટલા શખ્સોનું મોટું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. જેમાંથી દિલીપ ચૌહાણે ઈંટનો ઘા કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ તમામ શખ્સોએ આડેધડ ઈંટો, પથ્થરો અને કાચની બોટલોના ઘા કર્યા હતા. આ દરમિયાન ચિરાગ મકવાણાએ છરી, દેવશી મકવાણાએ તલવાર અને ગુલી મકવાણાએ કુહાડી બતાવી માાપમાં રહેવાની, નહીંતર કાપી નાખવાનીૅ ધમકી આપી હતી.
આ અથડામણ દરમિયાન પાડોશમાં રહેતા અશરફકાકા બહાર આવીને ઝઘડો ન કરવા સમજાવવા જતા તેમને ડાબા કાન પર ઈંટનો ઘા ફટકાર્યો હતો. તેમની દીકરી સાયનાબેનને પણ ઘરની બહાર આવતા ડાબા ગાલ પર સોડાની કાચની બોટલ વાગવાથી ઈજા થઈ હતી. તેમજી મીતના મિત્ર નયન દાફડાને પણ જમણા પગની ઘૂંટી ઉપરના ભાગે કાચની બોટલ વાગતા લોહી નીકળ્યું હતું અને તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ વાન આવી પહોંચતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એ. પી. રતન વધુ તપાસ કરે છે.
(2:36 PM IST)










