<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

રિક્ષાચાલક ગોપાલભાઇએ ભાડાના રૂપિયા દસ માંગતા મુસાફરની પાણાવારી

હુડકો ચોકડીથી આગળ જવા માટે રિક્ષામાં બેઠેલો શખ્‍સ ઉતરીને ચાલતો થઇ ગયોઃ પૈસા માટે રોકતાં હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૩: શહેરના કોઠારીયા રોડ ખોખડદળ નજીક વેલનાથપરા પાસે જડેશ્વર સોસાયટી શેરી નં. ૩માં રહેતાં રિક્ષાચાલક ગોપાલભાઇ હીરાભાઇ વ્‍યાસ (ઉ.વ.૫૦) સાંજે છએક વાગ્‍યે જડેશ્વરના બોર્ડ નજીક અજાણ્‍યા મુસાફરે ઝઘડો કરી પથ્‍થરમારો કરી માથા, પગમાં ઇજા કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ગોપાલભાઇએ જણાવ્‍યું હતું કે હું સાંજે રિક્ષા લઇ હુડકો ચોકડીએ ઉભો હતો ત્‍યારે એક મુસાફરે આગળ જડેશ્વરના બોર્ડ નજીક જવું છે તેમ કહેતાં રૂા. ૧૦નું ભાડુ થશે તેમ કહી બેસાડયો હતો.  બાદમાં મેં જડેશ્વરના બોર્ડ પાસે રિક્ષા ઉભી રાખતાં તે ઉતરીને ભાડુ દીધા વગર ચાલતો થઇ ગયો હતો.

આથી તેને પકડીને ભાડુ માંગતા તેણે ગાળાગાળી ચાલુ કરી હતી અને રસ્‍તા પરથી પાણા ઉપાડી ઘા કરવા માંડતાં માથા, પગમાં ઇજાઓ થઇ હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ શખ્‍સ ભાગી ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:13 PM IST)