<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

મોટા મવા ભીમનગરમાં પૈસાની ઉઘરાણી મામલે રાજુ અને મિત્ર દિનેશ પર હુમલો

દિનેશએ બકરો ખરીદવા બનીયાને ઉછીના આપેલા પાંચ હજાર પાછા માંગતા બોલાચાલીઃ બનીયો અને તેના દિકરાએ પાઇપથી માર માર્યો

રાજકોટ તા. ૧૩: મોટા મવા ભીમનગરમાં રહેતાં અને પાનની દૂકાન ચલાવતાં રાજુ કૃષ્‍ણભાઇ યાદવ (ઉ.વ.૩૫) નામના યુવાન અને ભીમનગરમાં જ રહેતાં તેના મિત્ર દિનેશ ભુરાભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) ઉપર રાતે નવેક વાગ્‍યે મોટા મવા માસુમ સ્‍કૂલ પાછળ હતાં ત્‍યારે બનીયો દેવીપૂજક અને તેના બે દિકરા વિજય તથા અજય તથા અજાણ્‍યાએ પાઇપથી હુમલો કરી માર મારતાં રાજુને વધુ ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. જ્‍યારે તેના મિત્ર દિનેશને મુંઢ ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર લીધી હતી.

રાજુના કહેવા મુજબ પોતે મુળ યુપીના મથુરાનો વતની છે. હાલ રાજકોટ રહી પાનનો ધંધો કરે છે. તેના મિત્ર દિનેશે એક મહિના પહેલા મોટા મવા વિસ્‍તારમાં જ રહેતાં બનીયો દેવીપૂજકને બકરો ખરીદવો હોઇ તેના માટે રૂપિયા પાંચ હજાર ઉછીના આપ્‍યા હતાં.

આ રકમ હજુ સુધી પાછી આપતો ન હોઇ દિનેશે ઉઘરાણી કરી હતી અને ફોન કરતાં મીસકોલ થઇ ગયા હતાં. ગત રાતે બનીયાએ ફોન કરી માસુમ સ્‍કૂલ પાછળ વાત કરવા બોલાવતાં રાજુ અને દિનેશ ત્‍યાં જતાં જ બનીયો અને તેના પુત્રો સહિતના પાઇપથી તૂટી પડયા હતાં અને માર માર્યો હતો. સિવિલ હોસ્‍પિટલના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(2:22 PM IST)