તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
જયારે પૃથ્વીસિંહનો મજબૂત યુવક નેતા તરીકે જાહેર જીવનમાં ઉદય થયો
ડી.એચ. કોલેજની બેઠકમાં પૃથ્વીસિંહ જાડેજાને નવનિર્માણ સમિતિના કન્વીનર તરીકે ઘોષીત કરાયા, સર્વસંમતિથી રાજકોટ બંધનું એલાન જાહેર થયેલ : સ્વ. અરવિંદભાઇ મણીયારની પેનલમાં ભારે બહુમતથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા, કટોકટીમાં જેલવાસ પણ ભોગવ્યો, રાજકીય આગેવાનો સાથે અંગત સંબંધ ધરાવતા, મિત્રોને હંમેશ મદદરૂપ થતાં: રજનીશજીના પ્રખર ચેલા, સમગ્ર સમાજ તેમને ‘બાવા' તરીકે ઓળખતા

‘‘બાવા''ની વિદાય વસમી લાગે છેઃ
રાજકોટઃ એક સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકારણમાં જેમના નામની હાક વાગતી એવા મૂળ સંઘ- ભાજપની વિચારસરણીથી રંગાયેલા અને સમગ્ર જીવન કોંગ્રેસમય રહેલા પૃથ્વીસિંહ નટવરસિંહ જાડેજા (ઉ.વ.૭૬) એ ગઈ રાત્રે ૧૦:૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ‘‘બાવા''ના હુલામણા નામથી સુવિખ્યાત પૃથ્વીસિંહ સાથે સાડા ચાર દાયકાનો અતૂટ નાતો રહ્યો. બાવાની અનેક યાદો જીવનમાં વણાયેલ છે. ‘‘કી'' ભાઈ કહી ને બોલાવનાર બાવો એકમાત્ર મિત્ર હતો. મહિનામાં ૩-૪ વખત જમવામાં કે ચા-નાસ્તામાં અચુક સાથે હોય... આવા નિખાલસ હૃદયના મિત્રની વિદાય હંમેશ વસમી લાગે... સ્વ.અહેમદભાઈ પટેલ, સ્વ.માધવસિંહ સોલંકી, સ્વ.અમરસિંહ ચૌધરી, સ્વ.છબીલદાસ મહેતા સહિત અનેક દિગ્ગજો સાથે પૃથ્વીસિંહનો અંગત નાતો રહ્યો હતો.રાજકારણમાં એક સમયે હમેશા છવાઈ રહેલ. ‘‘બાવા''એ પૃથ્વી પરથી વિદાય લીધી છે પરંતુ સતકાળ સુધી તેની સ્મૃતીઓ જીવંત રહેશે...અલવિદા ‘‘બાવા''...-કિરીટ ગણાત્રા-અજીત ગણાત્રા-નિમિષ ગણાત્રા (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ ૭૬ વર્ષની વયે અને છેલ્લા કેટલાક સમયથી સામાજીક-રાજકીય ક્ષેત્રે ઓઝલ પડદે રહેલા એક સમયના કોંગ્રેસ અને ગુજરાતના રાજકરણમાં મહત્વનું વ્યૂહાત્મક સ્થાન ભોગવનાર પૃથ્વીસિંહ જાડેજા (બાવાજી હુલામણું ના મિત્રો માટે) માટે કંઇક લખવું હોય તો બરાબર પ૦ વર્ષ પાછળ જવું પડે.
રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજ, જનરલ સેક્રેટરીઓની ચૂંટણીઓ, રાજકોટના વિદ્યાર્થી રાજકરણમાં તખુભા રાઠોડ, જયોતીન્દ્ર પટેલ, એવીબીપીમાં પ્રવિણ રૂપાણી અને યશવંત જનાણી વગેરે નેતાઓ સક્રિય ક્ષત્રિય- પટેલ સીટી અને ગ્રામ્ય (હોસ્ટેલ) ની કોલેજોમાં ચૂંટણીઓ, નવનિર્માણ આંદોલન શરૂ થયું મોરબી અને અમદાવાદમાં મનીષ જાની, ઉમાંકાત માંકડ, રાજકુમાર ગુપ્તન અને નરહરિ અમીન જેવા નેતાઓ ઉભર્યા.
રાજકોટમાં ધર્મેન્દ્રસિંહ કોલેજની બેઠકમાં પૃથ્વીસિંહ જાડેજાને નવનિર્માણ સમિતિના કન્વીનર ઘોષિત કરી અને ૧૯ જાન્યુઆરીએ સર્વ વિપક્ષી સભા ઢેબર ચોકમાં મળી, રાજકોટ બંધનું એલાન જાહેર થયું. અપક્ષ ધારાસભ્ય સ્વ. બાબુભાઇ વૈદ્યના અધ્ક્ષ સ્થાને આંદોલનના શ્રીગણેશ, શ્રી ચીમનભાઇ શુકલ,અરવિંદભાઇ મણીયાર, વજુભાઇવાળા સમેતના નેતાઓએ પણ સંબોધન કર્યુ હતું અને પૃથ્વીસિંહ જાડેજાનો એક માન્ય સબળ વિદ્યાર્થી-યુવક નેતા તરીકે જાહેરજીવનમાં ઉદય થયો.
નવનિમાર્ણ સમિતિ રાજકોટનુ નેતૃત્વ શ્રી પૃથ્વીસિંહે કર્યુ સમયાંતરે બે ફાટા પડયા જેમાં શ્રી અનામિક શાહના નેતૃત્વમાં નવનિર્માણ સમિતિ અમદાવાદ પ્રેરિત, અલગ થયું, ત્રિકોણબાગ ખાતે મહિનાઓ સુધી અખંડ ઘંટારવ કાર્યક્રમ આપ્યો હતો. ચીમનભાઇની સરકારને રાજીનામું આપવું પડયું વિધાનસભા વિસર્જન થયું.
જયપ્રકાશ નારાયણની ઐતિહાસિક સભા
ફરી છાત્ર સઘર્ષ સમિતિના નેતૃત્વ માં રપ જાન્યુઆરી ૧૯૭પ ના રોજ જયપ્રકાશ નારાયણની કોઇ નેતાઓની અગાઉ કદી નહોતી તેવી શાષાીમેદાનની જાહેર સભામાં જેપી સાથે મંચસ્થળ અને સંબોધન કરનાર ત્રણ નેતાઓ હતા તેમાં પૃથ્વીસિંહ જાડેજા, અનામિક શાહ અને સ્વ. વિજય રૂપાણી હતા, એ નોંધપાત્ર છે.
કોપોરેટર ચુંટાયા
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી અને પૃથ્વીસિંહ જાડેજાને ભારે બહુમતીએ અરવિંદભાઇ મણીયાર સાથેની પેનલમાં વોર્ડ નં. ૧૪ માં નાગરિકોએ જીતાડયા.
કોંગ્રેસના રાજકારણમાં સક્રિય
સમયાંતરે રાજકરણના સમીકરણો પલટાયા અને કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પૃથ્વીસિહનું આકર્ષણ અને પ્રભાવ વધ્યો અને કોંગ્રેસના રાજકરણમાં સક્રિય થયા. જોત જોતામાં કોગ્રેસમાં આપબળે જ ગુજરાત કોંગ્રેસના મહામંત્રીપદ સુધી પહોચ્યા વર્ષો સુધી તેના વિવિધ હોદેદાર તરીકે અને કેન્દ્ર તેમજ રાજયના વડાપ્રધાન, પક્ષપ્રમુખો તેમજ રાજયના મુખ્યમંત્રીથી માંડીને પક્ષ પ્રમુખોનો અનેરો વિશ્વાસ સંપાદન કર્યો રાજકારણને સાધન બનાવીને તેમા઼થી કરોડો રૂપિયા કમાઇ લેવાની આજની સર્વ સામાન્ય માનસિકતાથી સાવ જ વિપરિત પૃથ્વીસિંહ સમાજવાદીની જેમ અપરિણિત અને આજીવિકાના સાધનો કે ધંધો રોજગાર પૈતૃક સંપતિના આધારે છેલ્લે સુધી ‘વટેથી જીવ્યા.
કટોકટીમાં જેલવાસ ભોગવ્યો
૧૯૭પ પછીના સમયમાં કટોકટી આવી અને પૃથ્વીસિંહે મજબુત વિદ્યાર્થી નેતા તરીકે મહિનાઓ સુધી કારાવાસ ભોગવ્યો અને પાછળથી કોંગ્રેસમાં પોતાનું આગવું સ્થાન સ્વબળે મેળવ્યું એ સર્વસિધ્ધ છે.
કોંગ્રેસમાં સડસડાટ ઉદય થયો
સ્વ. ઇન્દિરા ગાંધીનો ૧૯૭૭ માં પરાજય થયો અને ફરી પુનઃઉદય થયો. ચીમનભાઇ પટેલ કોંગ્રેસમાંથી રાજકરણમાં પીછેહટ પામ્યા કોંગ્રેસમાંથી હાકલપટી તો હતી જ. માધવસિંહ સોલંકી, ઝીણાભાઇ દરજી, સનત મહેતા, પ્રબોધ રાવલનો દબદબો સરકાર અને સંગઠનમાં ચાલ્યો. શ્રી અહેમદ પટેલ રાજય સ્તરેથી રાષ્ટ્રના સીરે આવી ચુકયા હતા. સૌરાષ્ટ્રના જ્ઞાતિ પરિ બળો, ખાસ થીયરી, જુદી જુદી લોબીઓ અને રાજકોટના વિશિષ્ટ રાજકરણમાં મનોહરસિંહજી અને સ્વ. મનસુખભાઇ જોષી, જયંતિભાઇ કુંડલીયા, પોપટભાઇ સોરઠિયા, વલ્લભભાઇ પટેલ, લાભુભાઇ ત્રિવેદી વગેરેનો દબદબોઓવચ્ચે પૃથ્વીસિંહ જાડેજાએ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે વ્યૂહાત્મક સ્થાન વર્ષો સુધી ભોગવ્યું સુધરાઇની ચૂંટણી હોય કે પંચાયતોની ,ધારાસભ્યોની પસંદગી હોય કે લોકસભાની પ્રવિણભાઇ મણિયાર, વંતભાઇ ખોખાણી, જનકભાઇ કોટક સાથે ખૂબ સ્નેહ અને આત્મીય સંબંધો રહયા, દેશના રાજકરણમાં દાયકાઓ સુધી દબદબો ભોગવનાર શ્રી અહેમદ પટેલ પણ અનેકવાર શ્રી પૃથ્વીસિંહ ના અભિપ્રાયને પૂરતું વજન આપે એવી વ્યવવહાર, ડહાપણભરી વ્યૂહરચના આપી શકે તેવુ પૃથ્વીસિંહની રાજકય સમજ હતી તે ઘણાએ અનુભવ્યું હશે.
અખબારી તંત્રીઓ સાથે સ્નેહાળ સંબંધ
અખબારી જગત સાથે પણ શ્રી પૃથ્વીસિંહનો સબંધ અદકરો રહયો,ફુલછાબના તંત્રી હરસુખભાઇ સંઘાણીનું એ પ્રિય પાત્ર રમેશભાઇ છાયાનું પણ જયહિંદના બાબુભાઇ શાહે, જનસતાવાળા શ્રી કનુભાઇ પરમારે પણ પણ પૃથ્વીસિંહને આનંદપૂવક મળે, અકિલા પરિવારના મોભી એવા શ્રી કિરીટભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ પારેખ (મામા) તેમજ અકિલાના વેબએડીશનના નિમિષભાઇ ગણાત્રા સાથે એટલો નજીકનો નાતો કે સપ્તાહમાં બે-ચાર વાર બાવાને મળ્યા વગર અકિલા પરિવારિ ન ચાલે. છેલ્લા વર્ષોમાં પેરેલીસસ અને રાજકરણમાંથી દસકાઓથી નિવૃત લેવાને કારણે મુલાકાત નો સીલસીલો ઘટયો પણ સ્નેહાર્દ સબંધો એવાને એવા રહયા
સ્વાયાત નીડરતા અને અકિંચન પૃથ્વીસિંહની વિશેષતા
રજનીશજીના પ્રખર ચેલાને કારણે કેસરી ઝભ્ભો અને તેમાંથી માળા સાથે સફેદ ઝભ્ભામાં પૃથ્વીસિંહને સમગ્ર સમાજ ‘બાવા' તરીકે ઓળખે, છેલ્લા વર્ષોમાં પોતાના પ્રિય સ્થળ રાજકોટ જીમખાનામાં ‘પેરાલીસસ' છતા સ્કૂટર જાતે ચલાવીને આવે, ઉતરે ત્યારે ડગુમગુ પગ પણ આત્મવિશ્વાસ સાથે એક સમયના રાજકરણમાં દબદબાભર્યુ સ્થાન ભોગવતા પૃથ્વીસિંહને નજીકના મિત્રોએ જોયા છે.
પચાસ વર્ષમાં આજીમાં અનેક પાણી વહી ગયા, ત્રણ-ત્રણ દાયકા રાજકરણમાં ગળાડૂબ વ્યકિત અકિંચન રહીને, અનેકની રાજકીય કારકબીર્દીના સ્વ.પૃથ્વીસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે સેવા આપેલીઃ કોર્પોરેટર પદે ચૂંટાયા હતા
પ્રથમ ચરણમાં મદદ કરી સત્તાના સિંહાસન સુધી પહોંચવા છતા કોઇપણ અપેક્ષા વગર વિદાય લેનાર પૃથ્વીસિંહને આ સીડીઓ ચઢનાર મનોમન યાદ કરશે. પર મિત્ર પૃથ્વીસિંહઅના શાંતિ માટે પ્રાર્થના.
તેમના નિકટના સમકાલીન મિત્રો (વિગત માટે શ્રી જીતુભાઇ ભટ્ટ, શ્રી અનામિક શાહ, અને શ્રી પિયૂષભાઇ મહેતા ના આભારી છીએ.
પૃથ્વીસિંહે કપિલદેવને સંતાન પ્રાપ્ત માટે જુનાગઢ
પૃથ્વીસિંહે કપિલદેવને સંતાન પ્રાપ્ત માટે જુનાગઢ સ્થાનક મહંત પટેલ બાપુના આશિર્વાદ લેવાનું કહેલ
રેસકોર્ષ રીંગ રોડ પર વર્ષોથી સવારે મોર્નિંગ કરતાં અને ગરીબ જરૂરીયાતમંદોને શિયાળામાં ધાબળા, ગરમ વષ્ત્રોનું વિતરણ કરતા
રાજકોટઃ જુનાગઢના જંગલમાં પહાડી પર આવેલી જગ્યા (સ્થાનક) ના મહંત પટેલબાપુ સાથે પૃથ્વીસિંહને આત્મીય અને શ્રધ્ધાના સંબંધો હતા. બાંધકામ માટે મિત્રોની સખાવત લઇ સીમેન્ટ, ઇમારતી લાકડાથી માંડીને અનાજ નિયમિત મોકલે. પણ બહુ અજાણી વાત એવી છે કે દેશના મશહૂર ક્રિકેટર શ્રી કપીલદેવને પૃથ્વીસિંહે, ‘સંતાન પ્રાપ્તિ' માટે જુનાગઢ આવીને સ્થાનકના મહંત પટેલબાપુના આશીર્વાદ લેવાનું કહયું કપિલદેવ આવ્યા પણ ખરા અને શ્રધ્ધાપૂર્વક આશીર્વાદ લીધા પછી ‘સંતાન પ્રાપ્તિ' પણ થઇ પછી પુનઃઆભાર માટે આવ્યા, પૃથ્વીસિંહ તેમાં નિમિત બન્યા તેનો આનંદ ઘણીવાર મિત્રોમાં વ્યકત કર્યો.
તદઉપરાંત માનવતા પ્રેમી પૃથ્વીસિંહે અનેક લોકોને વ્યકિતગત આર્થિક સહાય કરી, રેસકોર્સ ફરતે વર્ષો સુધી સવારના ‘મોર્નિગ વોક' કરનાર પૃથ્વીસિંહ સ્વ અને મિત્રોની સહાયથી અનેક ઠુંઠવાતા ભિખારીઓને શિયાળામાં ગરમ વષાો અને ધાબડાઓ પૂરા પાડયા છે.
(4:06 PM IST)










