તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
હાશ... સંતોષપાર્ક મેઇન રોડનો નવનિર્મિત કોમ્યુનિટી હોલ ૧૯મીઍ ખુલ્લો મુકાશે
વોર્ડ નં.૧માં નાણાવટી ચોક પાસેના શાંતિ નિકેતન વિસ્તારમાં સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર ર માળનો એસી. નોન એસી. ૧ર.૮ કરોડના ખર્ચે તૈયારઃ આ હોલનો ભાડા દર હવે નક્કી થશેઃ સ્ટેન્ડિંગમાં પ્રક્રિયા બાદ લોકોના ઉપયોગમાં લેવાશે

રાજકોટ :.. મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેયઝોનમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. મધ્યવર્ગીય પરિવારો પોતાના પ્રસંગો ઓછા ખર્ચે ઉજવી શકે તેવુ આયોજન મનપાએ કરેલ છે. બે વર્ષ પહેલા નાણાવટી ચોક પાસે સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર અદ્યતન કોમ્યુનિટી હોલનુ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું.
જે હવે પૂર્ણ થઇ જતાં મનપાના બાંધકામ વિભાગ દ્વારા આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવા માટેની તૈયારીઓ આરંભી છે. આથી શહેરીજનોને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વધુ એક આદ્યુનીક કોમ્યુનિટી હોલની ભેટ મળશે.
શહેરના વોર્ડનં.૧માં રૈયારોડ વિસ્તારના સંતોષ પાર્ક મેઇન રોડ પર રૂ. ૧૨. ૮ કરોડના ખર્ચે બે માળનો ૫૧૦૫ ચોરસ મીટરના બાંધકામમાં કોમ્યુનીટી હોલ, ડાઇનીંગ હોલ, કીચન, સ્ટોર તથા રૂમ સહિતની સુવિધા સાથેનો એસી. અને નોન એસી. કોમ્યુનીટી હોલ બનાવામાં આવ્યો છે. આ કોમ્યુનીટી હોલનું કામ સંપૂર્ણ પુર્ણ થતા આગામી તા. ૧૯ મી નવેમ્બરના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લો મુકાશે.
શહેરીજનોને તેની સુવિધા મળશે.
આ કોમ્યુનિટી હોલનો ભાડા દર હવે નકકી થશે. આ ચાર્જની સ્ટેન્ડીંગ કમિટીમાં પ્રક્રિયા બાદ શહેરીજનોને સુવિધા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા નવા પ્રોજેકટના લોકાર્પણનો ફટાફટ કરવામાં આવે છે, પરંતુ લોકોને સુવિધા આપવા બે-ત્રણ મહિના થતા હોય છે. ત્યારે આ હોલનો ઉપયોગ શહેરીજનો આગામી લગ્ન સીઝનમાં કરી શકે તેવા પ્રયત્નો થાય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
(3:53 PM IST)










