તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
એક જ દિવસે બે લોકોની કાર ભાડે લઇ જઇ મવડીનો દર્પણ મણવર ગાયબ
માધાપર ચોકડીએ પઢી ધરાવતાં હરપાલસિંહ ઝાલા અને ઘંટેશ્વર પાસે રહેતાં ગીતાબેન ચોૈહાણની થાર અને અર્ટીગા એક દિવસ માટે ભાડેથી લઇ ગયા પછી જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી દીધી

રાજકોટ શહેરમાં કાર ભાડે લઇ જઇ ઠગાઇ કરવાનો વધુ એક બનાવ પોલીસ સુધી પહોંચ્યો છે. જેમાં માધાપર ચોકડી ખાતે ભાગીદારીમાં કાર ભાડે આપવાની પેઢી ચલાવતાં ભાગીદારોની એક થાર કાર અને અન્ય એક વ્યક્તિની અર્ટીગા કાર મવડી પોલીસ હેડક્વાર્ટર પાસે રહેતો શખ્સ એક જ દિવસે અલગ અલગ સમયે ભાડેથી લઇ ગયા બાદ પાછી ન આપતાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રેલનગર સોસાયટી-૪ રાધીકા ડેરીની સામેની શેરી બ્લોક નં. એ-૧૩૯માં શક્તિ કૃપા ખાતે રહેતાં અને માધાપર ચોકડીએ રાજા મોમાઇ સેલ્ફ કાર નામે પેઢી ચલાવતાં હરપાલસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી હેડક્વાર્ટર પાસે રીવેરા હોમ્સ ફલેટ નં. ૩૦૧ ખાતે રહેતાં દર્પણ મનસુખલાલ મણવર વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું છે કે મારી સાથે ભાગીદાર તરીકે યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, રવિભાઇ સુરેશભાઇ અગ્રાવત અને મુકેશભાઇ સાગઠીયા છે. અઠવાડીયા પહેલા ભાગીદાર યુવરાજસિંહે મને કહેલુ કે મવડી હેડક્વાર્ટર પાસે રહેતાં દર્પણ મણવરને થાર ગાડી એક દિવસ માટે ભાડે આપવાની છે. આ પછી ૨/૧૧ના બારેક વાગ્યે દર્પણ અમારી માધાપર ચોકડીની પેઢી ખાતે આવ્યો હતો. વાતચીત બાદ મેં અમારા ભાગીદાર રવિભાઇ અગ્રાવતના સગા રાજેશભાઇ નિમાવતની જીજે૦૯બીએમ-૦૦૦૨ નંબરની થાર રૂા. ૪૫૦૦ના એક દિવસના ભાડેથી તેને આપી હતી. સામે સિક્યુરીટી પેટે ડ્રાઇવીંગ લાયસન્સની નકલ, એચડીએફસી બેંકના ચેક, લાઇટબીલ, આધારકાર્ડની નકલ મને આપી હતી.
દર્પણ થાર ગાડી લઇ ગયા બાદ બીજા દિવસે તે ગાડી પાછી આપવા ન આવતાં અમે તેણે આપેલા અલગ અલગ નંબરો પર ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. એ પછી ૪/૧૧ના રોજ અમારી ગાડીનું જીપીએસ પણ બંધ થઇ ગયું હતું. આથી મેં જે જે અમારા મિત્રો સેલ્ફમાં ગાડી આપતા હોય છે તેને વાત કરી હતી. એ દરમિયાન જાણવા મળેલુ કે ગીતાબેન મનુભાઇ ચોૈહાણની અર્ટીગા જીજે૦૩એલએમ-૫૪૪૬ પણ દર્પણ ૩/૧૧ના રોજ સવારે પાંચ વાગ્યે ઘંટેશ્વર ૨૫ વારીયા પાસેથી ૩૦૦૦ના ભાડેથી લઇ ગયાનું અને તેમાં પણ જીપીએસ બંધ કરી દીધાનું જણાયું હતું. આમ દર્પણ એક જ દિવસમાં બે કાર ભાડેથી લઇ જઇ ગાડી સાથે ગાયબ થઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. પી. જી. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:23 PM IST)










