તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
પ્રોજેકટ મોનીટરીંગ યુનિટની કામગીરી માટે એજન્સી નિમણુંકની દરખાસ્ત ફગાવાઇઃ નામંજુર
મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસકામોના ૮૮.૭૦ કરોડનો ખર્ચ મંજુર : અધધ...૭.૬૭ કરોડના ખર્ચથી શાસકો અચંબામાં: ડી.પી રોડની માપણી, વિવિધ કાર્યક્રમોમાં એલઇડી- લેસર શો નો કોન્ટ્રાકટ આપવા તથા બે મશીન ખરીદવાની દરખાસ્ત રીટેન્ડર! ગત સ્ટેન્ડિંગમાં સામાકાંઠે શાળાનું મકાન ટ્રસ્ટને સોંપવાના નિર્ણય ફરી પેન્ડીંગઃ પર પૈકી ૪૫ દરખાસ્તોને હરીઝંડી : નેહલ શુકલનો વિરોધઃ આતશબાજીનું ઇ-ટેન્ડર કરવાના બદલે ૮.૪૦ લાખનો ખર્ચ કેમ મંજૂર કર્યો ? રજિસ્ટરમાં સહી ન કરી

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી બેઠક આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં પર દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં આ મીટીંગમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, દેવાંગ માંકડ, હાર્દિક ગોહેલ, મેહુલ શુકલ, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી, જયોત્સાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા તથા મંજુબેન કુગશીયા તેમજ સેક્રેટરી ધવલ જોસડીયા, ડે.કમિશનર મહેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.,૧૧ : મહાનગર પાલિકાની તમામ વિભાગની કામગીરી પારદર્શીય બને અને ઝડપી કામ થાય તેમ તેનુ મોનીટરીંગ જેતે વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને ખોટા ખર્ચનો બચાવ થાય તે આશયથી મ્યુનિ.કમિશનર દ્વારા પીએમયુ પ્રોજેકટ તૈયાર કરી ૩૫ ઇજનેરોની ભરતી સાથે એજન્સી મારફતે કામ કરવાનો ૭ કરોડનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવેલ જેને પદાધિકારીઓ સહિતનાઓએ મંજૂરી આપી જોર શોરથી જાહેરાત કરવામાં આવી હતી અને દરખાસ્ત તૈયાર થાય બાદ આજની સ્ટેન્ડિંગમાં ના મંજૂર થતા ભારે ચર્ચા જાગી છે. સ્ટેન્ડિંગ કમિટિએ ખર્ચ વધારે થતો હોવાનુ કારણ દર્શાવી પ્રોજેકટ રદ કરાયાનું જણાવ્યું છે. આજે મળેલ સ્ટેન્ડીંગમાં પર પૈકી ૪ દરખાસ્ત રીટેન્ડર રમાં મંજુર, ૧ પેન્ડીંગ રાખવામાં આવી હતી. કુલ ૮૮.૭૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
પ્રોજેકટ ના મંજુર
મનપાની સ્ટેન્ડ કમીટી બેઠક આજે બપોરે યોજાઇ હતી. જેમાં વિવિધ પર દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.કમિશનર દ્વારા કોર્પોરેશનને ઉપયોગી પીએમયુ પ્રોજેકટ તૈયાર કરી તેને અમલમાં મુકવા માટે દરખાસ્તા રજૂ કરવામાં આવેલ જે દરખાસ્ત રદ કરવામાં આવી છે. આ પ્રોજેકટમાં શહેરી વિકાસ વર્ષ૨૦૨૫ અંતર્ગત શહેરના વિવિધ ટેકનિકલ પ્રોજેક્ટોના અમલીકરણમાં ઝડપી ગતિ લાવવા માટે ફિલ્ડ એન્જીનીયરોની નિમણૂક મહત્વપૂર્ણ છે. આ યુવા ટેકનિકલ શક્તિના સહકારથી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગુણવત્તાયુક્ત અને ટકાઉ બનાવવાનો હેતુ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ના અનુસંધાને રાજ્યભરમાં વિવિધ શહેરોમાં વિકાસકાર્યોને નવી ગતિ અને દિશા આપવા માટે વિશાળ આયોજન હાથ ધરાયું છે.આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસને વધુ સુવ્યવસ્થિત, ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ રીતે મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના તમામ કામોનું સોફટવેરના માધ્યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુર્હુતથી લઈને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોર્ટીંગ કરવાના આશય સાથે આઠ સીનીયર અધિકારીઓની ટીમથી સજ્જ પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટેકનીકલ કામો, દૈનિક ફીલ્ડ વિઝીટ કરી મોનીટરીંગ, રિપોર્ટીંગ માટે ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ-૩૫ ફિલ્ડ એન્જીનીયર (સિવિલ) ની જગ્યાઓ ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ. પરંતુ હવે ખર્ચ વધુ થઇ રહ્યો છે. તેવું જણાવી દરખાસ્ત રદ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
ફોગીંગ મશીન અને પટાવાળાઓને કાયમી
કરવા દરખાસ્તો ના મંજૂર
મનપામાં આજે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્તો પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ બે ના મંજૂર અને ચાર દરખાસ્તમાં રી-ટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓનથી કરોડો રૂપિયાના કામો આપવામાં બહાદૂરી દેખાડતા તંત્રને ફોગીંગ મીશન ખરીદી તેમજ ગાર્બેજ કલેકશન વાહનોમાં બોડી કામ અને મેલેરીયા માટે ફોગીંગ મશીન ખરીદી કરવાની દરખાસ્તમાં રી-ટેન્ડરના આદેશ કર્યા હતા. જયારે ત્રણ પટાવાળાઓને કાયમી કરવામાં વધુ ખર્ચ દેખાતા આ દરખાસ્ત પણ ના મંજૂર કરવામાં આવી હતી. જેમાં સામાકાંઠેં મનપાની માલિકીનું મકાન ટ્રસ્ટને લીઝ ઉપર આપવાની દરખાસ્ત ફરી પેન્ડિંગ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વોર્ડ નં.૧૫માં સત્યમ પાર્ક સોસા.ના મેઇન રોડના ગેઇટની રોડને ૧૮.૮૫ લાખના ખર્ચે સી.સી. કરવા, વોર્ડ નં.૧માં નવા ભળેલા વિસ્તારોમાં ૯૭.૫૬ લાખના ખર્ચે ૪૫ વાઇડર મુકવા, સામાકાંઠે ૯.૬૬ કરોડના ખર્ચે મેટલીંગ, રોડ- રસ્તા બનાવવા સહિતના વિકાસકામોની ૪૫ દરખાસ્તો રૂા.૮૮.૭૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
ઇસ્ટ ઝોનમાં રસ્તા, યુટીલીટી રોડ રીસ્ટોરેશન તથા ટીપી રોડમાં મેટલીંગઃ ૯.૬૬ કરોડ મંજુર
રાજકોટઃ મહાનગરપાલિકા-ઈસ્ટ ઝોન વિસ્તારનાં વોર્ડ ૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં નવી બનતી જુદી જુદી સોસાયટીઓમાં રૂા.૯.૬૬ કરોડના ખર્ચે રસ્તા, યુટિલિટી રોડ રીસ્ટોરેશન અને ટીપી રોડમાં મેટલીંગ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા ઇસ્ટ ઝોનના વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮ ના કોર્પોરેટરોઓ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.

(3:53 PM IST)










