<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

શહેરના રોડ-રસ્‍તાના કામ ફેબ્રુઆરી સુધીમાં પુરા કરો : સતાધીશોનો કડક આદેશ

મનપામાં ચૂંટણીના ઢોલ વાગ્‍યા...સ્‍ટેન્‍ડીંગની બેઠકમાં રાજમાર્ગોના સમારકામનો પ્રશ્‍ન ઉઠાવતા નેહલ શુકલઃ તાત્‍કાલીક અધિકારીઓ સાથે બેઠક : દરરોજના કામનો રિપોર્ટ આપવા સૂચના

રાજકોટ તા.૧૧: ચોમાસા દરમિયાન શહેરમાં ગત તૂટેલા રોડ રસ્‍તાઓ રીપેર કરવા અને નવા પેવર કામ કરવાની ઓકટોબર માસમાં સૂચના અપાઇ હોવા છતા અનેક સોસાયટીઓ અને શેરીઓ ગલ્લીઓમાં ડીઆઇ પાઇપ લાઇનના કારણે તોડવામાં આવેલ રોડ રીપેર થયા નથી છતાં તંત્ર દ્વારા આ મુદ્દે મોનીટરીંગ ન થતા સ્‍ટેન્‍ડિંગ કમિટિની બેઠકમાં નેહલ શુકલે આ  પ્રશ્‍ન ઉઠાવી રોડ રસ્‍તા મુદ્દે અધિકારીઓ પાસેથી હિસાબ કેમ લેવામાં આવતો નથી તેવુ  જણાવેલ.

જે બાદ  તુરંત સ્‍ટેન્‍ડિંગ ચેરમેન, મેયર સહિતનાએ અધિકારીઓ સાથે મીટિંગ યોજી ફેબ્રુઆરી  સુધીમાં તમામ રોડ રસ્‍તાના કામો પૂર્ણ થઇ જવા જોઇએ તેવા આદેશ આપ્‍યા હતા.

ચોમાસા બાદ છેલ્લા બે માસથી તૂટેલા રોડ રસ્‍તાનું પેચવર્ક તથા નવા પેવર કામ ચાલુ કરવામાં આવ્‍યા છે. એકશન પ્‍લાન અંતર્ગત ૧લી ઓક્‍ટોબરથી ત્રણેય ઝોનમાં કામગીરી શરૂ કરાઇ છે. છતા આજ સુધીમાં અડધો અડધ કામ બાકી રહી ગયા છે અને શહેરીજનોમાં આ મુદ્દે અનેક વખત ફરિયાદો પણ આવી છે. છતાં અધિકારીઓ કે પદાધિકારીઓએ આ મુદ્દે કયારેય સ્‍પષ્ટતા કરી નથી.

આજે સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્‍તોની ચર્ચા થયા બાદ નેહલ શુકલે પ્રશ્‍ન પૂછેલ કે રોડ રસ્‍તાના કામો કયારે પૂરા થશે તે જનતા જાણી શકશે કે કેમ? આવો સવાલ પૂછતા ચેરમેન તથા મેયર દ્વારા તમામ ડે.કમિશનર અને બાંધકામ તથા સિટી ઇજનેરોને તાબડતોબ બોલાવ્‍યા હતા.

 તેમને સુચના આપવામાં આવી કે, ફેબ્રુઆરી સુધીમાં તમામ સોસાયટી અને શેરી ગલ્લીઓમાં પેચવર્ક અને રોડનું કામ પૂર્ણ થઇ જવુ જોઇએ તેમજ ડીઆઇ પાઇપ લાઇન માટે તોડવામાં આવેલા રોડ રસ્‍તાઓ ઝડપથી રીપેર કરો અને ડીઆઇ પાઇપના જે અધુરા કામ બાકી હોય તે ઝડપથી પુરા કરી આ કામગીરીની સાથોસાથ પેચવર્ક કામ પણ શરૂ કરાવો.

સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે વધુમાં જણાવેલ કે, હાલ ડીઆઇ પાઇપ લાઇનનુ કામ કોઇ જગ્‍યાએ ચાલુ નથી તેમજ આ કામ માટેના ટેન્‍ડર પણ બંધ રાખવામાં આવ્‍યા છે. ત્‍યારે જૂના કામો બાકી હોય તે તાત્‍કાલીક પૂર્ણ કરવા અને રોડ રસ્‍તાના કામોમાં એજન્‍સી દ્વારા ઢીલ કરવામાં આવતી હોય તો તેમની પાસેથી કારણો જાણી નોટીસ આપવા સહિતના પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી છે.ઉપરાંત ફેબ્રુઆરી સુધીમાં શહેરના ત્રણેય ઝોનમાં ૧૮ વોર્ડના તમામ પેચવર્ક અને એકશન પ્‍લાન અંતર્ગત મંજૂર થયેલા નવા રોડ રસ્‍તાના કામો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓએ રોજેરોજ દરેક કામનો રિપોર્ટ લઇ પદાધિકારીઓને આપવો તેમ જણાવવામાં આવ્‍યુ છે

 

(4:08 PM IST)