તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 11th November 2025
ઓરિસ્સામાં ધાડ-અપહરણના ગુના આચરી રાજકોટ મોટા મવામાં છુપાયેલો આનંદ ઉર્ફ છોટુ ઝડપાયો
સગીરાને ભગાડીને લાવ્યા બાદ બાંધકામ સાઇટ પર ઝૂપડામાં રહી કડીયા કામની મજૂરી કરતો હતોઃ પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી. આર. ભરવાડની ટીમની ઓરિસ્સા પોલીસને સાથે રાખી કામગીરીઃ સગીરા પણ મળી

રાજકોટ તા. ૧૧: શહેર તાલુકા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે. ઓરિસ્સા રાજ્યમાં ધાડ અને અપહરણ જેવા ગંભીર ગુન્હાઓ આચરી પોલીસ ધરપકડથી બચવા માટે રાજકોટમાં છુપાઈને રહેતા એક કુખ્યાત આરોપીને રાજકોટ તાલુકા પોલીસે ઓરિસ્સા પોલીસની ટીમ સાથે મળીને પકડી પાડ્યો છે. મોટા મવામાં આ શખ્સ છુપાયો હતો.
જાણવા મળ્યા મુજબ ઓરિસ્સા રાજ્યના બલાંગીર જિલ્લાના ટીટલાગઢ પોલીસ સ્ટેશનની એક ટીમ આરોપીની તપાસ માટે રાજકોટ આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ટીટલાગઢ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી આનંદ ઉર્ફે છોટુ દીનબંધુ દાસ (ઉ.વ.૨૪) ભોગ બનનાર સાથે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે, રાજકોટ તાલુકા પોલીસના પો.સબ.ઇન્સ. બી.આર. ભરવાડ અને સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. રાતભર ચાલેલી તપાસ બાદ, સંયુક્ત બાતમીના આધારે આરોપી આનંદ ઉર્ફે છોટુ દીનબંધુ દાસ અને ભોગ બનનારને મોટા મૌવા ગામ નજીક વેગા એપાર્ટમેન્ટની સાઇટ પર ઝૂંપડામાંથી શોધી કાઢવામાં આવ્યા હતાં.
પોલીસ સુત્રોના કહેવા મુજબ પકડાયેલો આરોપી આનંદ ઉર્ફે છોટુ દાસ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ઓરિસ્સાના ટીટલાગઢ પોલીસ સ્ટેશનમાં અપહરણ-બીએનએસ કલમ- ૧૩૭ (૨), ધાડ-બીએનએસ કલમ-૩૧૬(૪) અને સરકારી કર્મચારી પર હુમલો-બીએનએસ કલમ-૩૩૨(બી) તથા ૩૧૦ (૨)) સહિતના ગુન્હા નોંધાયેલા છે. આ ઉપરાંત, તેના ભૂતકાળમાં લુંટ, ખુનનો પ્રયાસ, એટ્રોસીટી તથા મારામારી અને ચોરી જેવા ગંભીરપ્રકારના ગુન્હાઓ પણ નોંધાયેલા છે.
ઝડપાયેલો આરોપી આનંદ ઉર્ફ છોટુ મુળ ઓરીસ્સાના ટીટલાગઢ ટાઉનના નીલચકરનગરનો વતની છે. સગીરાને ભગાડીને તે રાજકોટ આવ્યો હતો અને હાલ મોટા મવા, વેગા એપાર્ટમેન્ટની સાઇટ પાસે ઝૂપડામાં રહી કડીયા કામની મજૂરી કરતો હતો. રાજકોટ તાલુકા પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઓરિસ્સા રાજ્યના ટીટલાગઢ પોલીસ સ્ટેશનના એસ.આઇ. કીરણકુમાર પદ્મનાથ જાનીની ટીમને સોંપવાની તજવીજ કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, હેડકોન્સ. અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઈ નાથાણી, કોન્સ. ભીખુભાઇ મૈયડ, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઈ મારવીયા, ઉગાભાઇ બાળા, બળભદ્રસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓરીસ્સા ટીટલાગઢના એસઆઇ કિરણકુમાર જાની, કોન્સ. સુરજદીપ અને મહિલા કોન્સ. મુક્તાકુલુ લુકાસ ટેટેએ આ કામગીરી કરી હતી.
(3:45 PM IST)










