તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
દિલ્હીમાં કાર બ્લાસ્ટને પગલે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટઃ ઠેકઠેકાણે સઘન ચેકીંગઃ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મુખ્ય નાકાઓ પર રાતભર ખાસ તપાસ
ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમોએ ઠેકઠેકાણે ચેકીંગ કર્યુઃ તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, બ્રાંચો દ્વારા પણ તપાસ કરવામાં આવીઃ ડોગ સ્ક્વોડને સાથે રાખી ઘનીષ્ઠ ચેકીંગ

રાજકોટઃ રાજધાની દિલ્હીમાં કારમાં થયેલા ધડાકામાં આઠથી દસ લોકોના મોત નીપજ્યાની ઘટનાને પગલે દેશભરનું પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. બ્લાસ્ટને પગલે રાજકોટ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી હરપાલસિંહ જાડેજાની સુચના અને તમામ એસીપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ થાણાના ઇન્ચાર્જ અને તેમની ટીમો દ્વારા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ચેકીંગ શરૂ થઇ ગયું હતું. પોલીસની જુદી-જુદી ટીર્માએ શહેરભરમાં ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કર્યુ છે.
શહેરમાં સાંજથી એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, કયુઆરટી અને ક્રાઈમ બ્રાંચની ટીમો ડોગ સ્કવોડની મદદથી ચેકિંગમાં નીકળી હતી. પોલીસની આ ટીમોએ રેલ્વે સ્ટેશન, બસ પોર્ટ અને એરપોર્ટ ઉપરાંત બીજા વાઈટલ ઈન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ઘનિષ્ઠ ચેકિંગ કર્યું હતું. પોલીસે શંકાસ્પદ શખ્સો અને વસ્તુઓ અંગે તપાસ કરી હતી. મોડી રાત સુધી પોલીસે આ કાર્યવાહી કરી હતી. એસઓજી પીઆઇ એસ. અમ. જાડેજાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે રાજ્યભરની પોલીસની સાથે રાજકોટ પોલીસ પણ એલર્ટ મોડમાં છે. પોલીસની ટીમોએ હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ પોર્ટ અને એરપોર્ટ સહિતનાં સ્થળોએ તપાસ કરી છે. રેલ્વે પોલીસે પણ રેલ્વે સ્ટેશનોમાં ડોગ સ્ક્વોડને સાથે રાખી તપાસ કરી હતી. તેમજ પ્લેટફોર્મ પર આવતી ટ્રેનોમાં પણ તપાસ કરી હતી. તસ્વીરોમા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, પારેવડી ચોક સહિતના સ્થળોએ થઇ રહેલું ચેકીંગ જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:14 PM IST)










