<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ફેફસાનું કેન્‍સર ભારતમાં કેન્‍સર સંબંધિત મૃત્‍યુમાં ચોથું અગ્રણી કારણ છેઃ ડો. શ્રેયસ ઢોલરીયા

‘‘ વિશ્વ લંગ્‍સ કેન્‍સર જાગૃતિ માસ''- નવેમ્‍બર ર૦રપ પુરૂષોમાં થતા કેન્‍સરમાં ર૪% લંગ્‍સ કેન્‍સર કેસો નોંધાય છે

રાજકોટઃ તા.૧૦, રાજકોટ કેન્‍સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલ) ના નિષ્‍ણાંત ફુલ ટાઇમ કેન્‍સર સર્જન ડો. શ્રેયસ ઢોલરીયા એ વલ્‍ડ લંગસ કેન્‍સર જાગૃતિ માસ નિમિતે માહિતી આપતા જણાવેલ હતું કે આપણી છાતીમાં બે ફેફસા હોય છે. ફેફસાએ શ્વસન તંત્રનું ખુબ જ અગત્‍યનું અંગ છે. નાકમાંથી લીધેલો શ્વાસ  (ઓકસીજન) ફેફસા મારફતે લોહી સુધી પહોંચે છે.

ડો. શ્રેયસ ઢોલરીયાએ જણાવેલ કે ફેફસાની કોશિકાઓ જયારે અનિયંત્રણ રીતે વૃધ્‍ધિ કરે ત્‍યારે ગાંઠ બની જાય છે. જેને ફેફસાનું કેન્‍સર કહેવામાં આવે છે. જેનું મુખ્‍ય કારણ ધુમ્રપાન છે. તેથી ધુમ્રપાન બંધ કરવાથી કેન્‍સરનો ફેલાવો અટકાવવામાં મદદ થાય છે. ફેફસાનું કેન્‍સર એ ચેપી રોગ નથી. સામાન્‍ય રીતે ફેફસાના કેન્‍સના નિદાન માટે સી.ટી. સ્‍કેન અને બાયોપ્‍સી જેવી તપાસ કરવામાં આવે છે. સી.ટી. સ્‍કેન  દ્વારા કેન્‍સરનો ફોલો કેટલો છે તે જાણી શકાય છે. અને બાયોપ્‍સી કરવાથી કેન્‍સરની વિસ્‍તૃત માહિતી મળે છે. ફેફસાના કેન્‍સરની નિયમીત તપાસ માટે LD CT SCAN ( Low Dose CT Scan) કરવામાં આવે છે. જે પ૦ થી ૮૦ વર્ષની કોઇપણ વ્‍યકિત જે  રોજ ધુમ્રપાન કરે છે તેઓને નિયમિત સ્‍ક્રીનીંગ કરાવવુ઼ જોઇએ. કારણ કે તેઓને કેન્‍સર થવાની સંભાવના વધુ છે.

આ ઉપરાંત લક્ષણો જેવા કે ઉધરસ આવવી, ઉધરસમાં લોહી પડવું, પીઠનો કે છાતીનો દુખાવો, ભુખ ન લાગવી, વજન ઘટવું અવાજ બેસી જવો વગેરે હોય તેને કેન્‍સરની તપાસ અવશ્‍ય કરાવવી જેથી યોગ્‍ય તપાસ અને સચોટ સારવાર દ્વારા કેન્‍સરને જળમુળમાંથી હટાવી શકાય છે. સામાન્‍ય રીતે ફેફસાના કેન્‍સરની સારવારમાં  જો સ્‍ટેજ-૧ નું કેન્‍સર હોય તો સર્જરી, સ્‍ટેજ-ર/૩ માં સર્જરી અથવા કિમોથેરાપી અને રેડીયોથેરાપી અને સ્‍ટેજ-૪ માં કિમોથેરાપી આપવામાં આવે છે.

ડો. શ્રેયસ ઢોલરીયાએ લોકોને ધુમ્રપાન ન કરવા અપીલ કરેલ છે. એ ઉપરાંત ફેફસાએ આપણા શરીરનું મહત્‍વનું અંગ છે. તેથી તેને લગતા રોગોની સારવાર વહેલી તકે કરાવી ખુબ જ આવશ્‍યક છે. જો ઉપરોકત લક્ષણો દર્દીમાં જણાય તો ડોકટરની સલાહ લઇ તાત્‍કાલીક સારવાર લેવી જોઇએ જેથી સમયસર નિદાન અને સારવાર થઇ શકે.

નાથાલાલ પારેખ કેન્‍સર હોસ્‍પિટલમાં કેન્‍સરને લગતા તમામ સાધનો સુવિધાઓ અને નિષ્‍ણાંત તબીબોની ટીમ ઉપલબ્‍ધ છે.

(3:19 PM IST)