તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
મતદાર યાદીમાં મહા-સુધારો: 'SIR' અંતર્ગત BLO દરેક ઘરે લેશે ૩ મુલાકાત!
૨૧ વર્ષ પછી સઘન સુધારણા કાર્યક્રમ શરૂ: ડુપ્લિકેટ, મૃત અને સ્થળાંતરિત મતદારોને દૂર કરવા કવાયત

રાજકોટ : ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) તા. ૨૮/૧૦/૨૦૨૫ થી શરૂ કરવામાં આવ્યો છે. બિહારમાં સફળતા બાદ હવે ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનો બીજો તબક્કો શરૂ થયો છે. આ પ્રક્રિયા એટલા માટે મહત્ત્વની છે, કારણ કે કાયદા મુજબ દરેક ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં સુધારો કરવો આવશ્યક છે, અને છેલ્લી SIR પ્રક્રિયા ૨૧ વર્ષ પહેલાં ૨૦૦૨-૨૦૦૪માં કરવામાં આવી હતી.
આ SIR પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ દૂર કરવાનો છે. વારંવાર સ્થળાંતર, એક કરતાં વધુ જગ્યાએ નોંધણી, મૃત મતદારોના નામ દૂર ન થવા અને કોઈપણ વિદેશીનો ખોટી રીતે સમાવેશ ન થાય તેની ખાતરી કરવી છે. આ કાર્યક્રમ અંતર્ગત બૂથ લેવલ ઑફિસર (BLO) દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેશે. આ દરમિયાન, BLOs યુનિક ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને મૃત, કાયમી સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરશે.
આ સમગ્ર પ્રક્રિયામાં રાજકીય પક્ષોની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ માન્ય રાજકીય પક્ષોને SIR પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવવામાં આવશે અને તેમના દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો (BLAs)ને તાલીમ અપાશે. આ ઉપરાંત, ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે અને જે મતદારો છેલ્લા SIR સાથે મેચ/લિંક નહીં થાય, તેમને ERO/AERO દ્વારા નોટિસ જારી કરીને તેમની પાત્રતા ચકાસવા માટે સુનાવણી કરવામાં આવશે.
રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. ઓમપ્રકાશની યાદી મુજબ, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક બાકાત ન રહે અને અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય. વળી, વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ અને ગરીબ જેવા સંવેદનશીલ જૂથોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે સ્વયંસેવકોની નિમણૂક પણ કરવામાં આવશે.
(4:12 PM IST)










