તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
હવે શહેરના મંદિરોના પવિત્ર કચરાના સંગ્રહ માટે ખાસ વાહનો દોડશે
ઈશ્વરના અર્પણને અવસરમાં ફેરવતું મનપા મંદિરોના પવિત્ર કચરા પુનઃ ઉપયોગ અભિયાન SWARaHની શરૂઆત : પંચનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર કચરાના પુનઃ સર્જન વર્કશોપ યોજાયો

રાજકોટ, તા.૮: સાંસ્ક્રુતિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર અને રાજકોટ મહાનગરપાલિકાએ SWARaH - Sacred Waste Awareness, Reuse & Handcrafting ના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરી છે.
વારસો, હસ્તકલા અને જવાબદારીના સંમિશ્રણ રૂપે SWARaH એ મંદિરોમાંથી એકત્ર થતી પવિત્ર ફુલની અર્પણોને પર્યાવરણના સંરક્ષણ અન્વયે હસ્તકલા ઉત્પાદનો જેમ કે અગરબત્તી, કુદરતી રંગો અને ખાતરમાં રૂપાંતરિત કરવાની દિશામાં કાર્યરત છે, જે પર્યાવરણ જાગળતિ સાથે સ્થાનિકોને રોજગારી માટેના અવસર પૂરા પાડશે.
આ મહત્ત્વપૂર્ણ પ્રયાસને સમર્થન આપવા માટે આરએમસી એ પવિત્ર કચરાના સંગ્રહ માટે ‘વિશિષ્ટ વેન' સેવા શરૂ કરી છે, જે શહેરના ગ્રીન ઇનોવેશન અને સુવ્યવસ્થિત કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
પંચનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત ‘પવિત્ર કચરાના પુનઃસર્જન વર્કશોપ' ના અંતે આ વ્યવસ્થાઓ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્કશોપમાં સ્વ-સહાય જૂથો અને સ્થાનિક સમુદાયના સભ્યોને કચરાને અલગ કરી તેના પુનઃઉપયોગ અને હસ્તકલા નિર્માણની તાલીમ આપવામાં આવી હતી.
આ અંગે ઇન્ટેક રાજકોટ ચેપ્ટર કન્વિનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહએ જણાવ્યું હતું કે, આ પહેલ રાજકોટ મહાનગરપાલિકા, ઇન્ટેક હેરિટેજ ક્રાફટ અને કોમ્યુનીટી ડીવીઝન, નવી દિલ્હી, અને પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગ અને સમર્થનથી શકય બન્યું છે. આ બદલ તેમણે મંદિર ટ્રસ્ટસ્થાન અને સહકાર માટે, તેમજ ઇન્ટેક રાજકોટ ચેપ્ટર ટીમના સભ્યોનો તેમના અવિરત પ્રયત્નો માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
(3:32 PM IST)










