<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

પરીયા ગેંગના રાજો, કાંચો અને જુનાગઢીને ‘કૂકડા' બનાવાયા, હાથ જોડી માફી માંગી

મંગળા રોડ પર ગેંગવોરમાં વધુ ૩ પકડાયાઃ કુલ ૧૭ની ધરપકડ : એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી.કે. ઝાલા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમે ત્રણેયને ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું: કાર્યવાહી જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા

ગેંગવોરમાં સામેલ પરીયા ગેંગના ત્રણ સાગ્રીતો રાજો, કાંચો અને જુનાગઢીને મંગળા રોડ પર રીકન્‍સ્‍ટ્રક્‍શન માટે લઇ જવાયા ત્‍યારે રોડ પર ઉભડક બેસી, હાથ જોડી માફી માંગી હતી. તસ્‍વીરમાં આ દ્રશ્‍યો અને પીઆઇ એસ. એમ. જાડેજા તથા શહેર એસઓજીની ટીમ જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરના મનહરપ્‍લોટ નજીક મંગળા રોડ પર વાવડી પુનીતનગરના પરેશ ઉર્ફ પરીયાની ગેંગ અને જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગાની ગેંગ વચ્‍ચેની વોરમાં ધડાધડ ફાયરીંગ થયા હતાં. આ મામલે નોંધાયેલા ગુનામાં અત્‍યાર સુધીમાં શહેર એસઓજીએ બંને ગેંગના મળી ૧૬ને પકડી લઇ ગેરકાયદે હથીયારો, કાર્ટીસ પણ કબ્‍જે કર્યા હતાં. આ ગુનામાં પરીયા ગેંગના વધુ ત્રણ શખ્‍સો કે જે અગાઉ પેંડાની ગેંગમાં સામેલ હતાં તેવા રાજો, કાંચો અને જુનાગઢીને ઝડપી લીધા છે. આ સાથે ધરપકડનો આંકડો ૧૭ થઇ ગયો છે. આ ત્રણેયને મંગળા રોડ પર ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવવામાં આવતાં લોકોના ટોળા કામગીરી જોવા એકઠા થઇ ગયા હતાં.

શહેર એસઓજીએ એ-ડિવીઝનમાં દાખલ થયેલા ગુના અંતર્ગત અગાઉ પેંડાની ગેંગમાં કામ કરતાં અને હાલમાં પરીયાની ગેંગમાં સામેલ રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા (રહે. આશાપુરાનગર શેરી નં.૭), દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા (રહે. વીર નર્મદ ટાઉનશિપ, ગોંડલ રોડ) અને અલ્‍ફાક ઉર્ફે જૂનાગઢી અબ્‍બાસભાઇ શેખ (રહે. જૂનાગઢ, જેલની પાછળ)ને ઝડપી લીધા છે. બાતમીના આધારે ટીમે આ ત્રણેયને કાલાવડ રોડ પરથી છરી સાથે ઝડપી લીધા હતા. પીઆઇ એસ. એમ. જાડેજાએ જણાવ્‍યુ઼ હતું કે આ ત્રણ પૈકી એક આરોપી રાજાને પોલીસ કોન્‍સ્‍ટેબલ ભરત ગઢવીની હત્‍યામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે. જેમાં જામીન પર છુટયા બાદ તેના વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષના બે ગુના નોંધાયા હતા.

દરમિયાન અગાઉ ઝડપાયેલા ગેંગના શખ્‍સોની જેમ જ પરીયા ગેંગના આ ત્રણેય શખ્‍સો રાજપાલસિંહ ઉર્ફ રાજો, દિનેશ ઉર્ફ કાંચો અને અલ્‍ફાક ઉર્ફ જુનાગઢીને મંગળા રોડ પર લઇ જવાયા હતાં અને ઘટનાનું રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાયું હતું. દોરડા-હાથકડી બાંધીને આ શખસોને ઘટના સ્‍થળે લઇ જઇ કૂકડા બનાવાયા હતાં. બંનેએ ઉભડક બેસી હાથ જોડી માફી માંગી હતી. આ દ્રશ્‍યો જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમના  ફિરોઝભાઇ, ઇન્‍દ્રજીતસિંહ, મોૈલિકભાઇ, દિગ્‍વીજયસિંહ, હાર્દિકસિંહ, યોગેન્‍દ્રસિંહ સહિતના તપાસ કરે છે. ગેંગના અન્‍ય આરોપીઓ, સુત્રધારોની શોધખોળ થઇ રહી છે.

(3:11 PM IST)