તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ભગવતીપરા વિસ્તારની ૧૭ વર્ષની સગીરાને રોહિત ઉર્ફે રોહન ત્રીજી વખત ભગાડી ગયો
સગીરાનું અપહરણ કરનારા શખ્સ સામે ત્રીજો ગુનો નોંધાયોઃ અગાઉ આરોપી સામે અપહરણ અને પોકસો હેઠળ ગુનો દાખલ થયો'તોઃ બે-બે વખત પોલીસ ફરિયાદ કરી મારૂ શું બગાડી લીધુ કહી ધમકી પણ દીધી

રાજકોટ, તા. ૮: શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું ત્રીજી વખત અપહરણ કરી ગોંધી રાખી શારીરીક અડપલા કર્યાની સગીરાના પિતાએ ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસે વધુ એક વખત પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના ભગવતીપરા વિસ્તારમા રહેતી સગીરા ગત તા. ૧૬/૭ ના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ તેની શોધ ખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મુળ સુરેન્દ્રનગરના જંકશન રોડ પર હાલ રાજકોટમાં ભગવતી પરા વિસ્તારમાં ભાડે રહેતો રોહિત ઉર્ફે રોહન મહેશભાઇ લોલાડીયા નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ સગીરાને કુવાડવા રોડ પર એક ઓરડી રાખી આરોપી રોહીતે ગોંધી રાખી હોવાની જાણ થતા સગીરાના પિતા સહિત પરિવારજનોએ પહોંચી રોહનને સમજાવતા તેને હજી તમારી પુત્રીનો પીછો કરીશ અને ભગાડી જઇશ કહેતા સગીરાને મુકત કરાવી ઘરે લાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં આરોપી અગાઉ પણ બે-બે વખત અપહરણ કરી શારીરીક અડપલા કર્યાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અગાઉ બે વખત પોકસો હેઠળ આરોપીની ધરપકડ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલમાંથી છુટયા બાદ આરોપી રોહને વધુ એક વખત અપહરણ કરી શારીરીક અડપલા કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવમાં સગીરાના પિતાએ આરોપીને સમજાવતા તેણે કહયુ કે તે અગાઉ બે-બે વખત મારા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી શું કરી લીધુ કહી ધમકાવ્યા હતા.
(3:09 PM IST)










