તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
સી.એ. ઇન્સ્ટીટયુટ રાજકોટ બ્રાન્ચ દ્વારા ૧૬મીથી બે દિવસ મેગા સંમેલન ‘તેજસ્વિતા'
સી.એ.ના વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્લેટફોર્મ પુરૂ પડાશે : અલગ અલગ સત્રોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

રાજકોટ તા. ૮ : ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાન્ચ (વીરક અને વીકાસા) દ્વારા સી.એ.ના વિદ્યાર્થીઓ માટે તા. ૧૬ અને ૧૭ બે દિવસીય મેગા સંમેલન ‘તેજસ્વિતા' શીર્ષક હેઠળ આઇસીએઆઇ ભવન, રાજકોટ ખાતે યોજેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ બે દિવસીય સંમેલન ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા, કૌશલ્ય વિકાસ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેનું ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પુરૂ પાડશે. સી.એ. વિદ્યાર્થીઓને જ્ઞાન, કૌશલ્ય અને પ્રેરણા આપવા માટે વિવિધ સત્રો સાથે આ સંમેલન ગોઠવવામાં આવ્યુ છે.
આ મેગા સંમેલનમાં વિદ્યાર્થીઓને નોલેજ સેશન અને સ્કિલ અપ સેશનમાં સ્ટાર્ટઅપ, ફાઇનાન્સ અને રિપોર્ટીંગ, એ.આઇ. ટેકનોલોજી તેમજ કેપીટલ માર્કેટ જેવા વિષયોમાં નિષ્ણાંતો દ્વારા પ્રેરણાદાયી અને વ્યવહારૂ ઉકેલ લાવી શકાય તેવુ માર્ગદર્શન અપાશે.
સી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા નોલેજ સેશનમાં અલગ અલગ વિષયો પર પેપર પ્રેઝન્ટ કરવામાં આવશે અને આ વિષયો પર નિષ્ણાંત સી.એ. ફેકલ્ટી દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે.
સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે બોર્ડ ઓફ સ્ટડીઝ-ઓપરેશન, આઇસીએઆઇના ચેરમેન સી.એ. (ડો.) રોહીત રૂવાટીયા, વાઇસ ચેરમેન સી.એ. સંજીવ સાંઘી, સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સી.એ. વિશાલ દોશી, રાજકોટ બ્રાન્ચ (WIRC) ઓફ આઇ.સી.એ.આઇ. ના ચેરમેન રાજ મારવાણિયા અને રાજકોટ (WICASA)ના ચેરમેન સી.એ. વિપુલ દત્તાણી સહીતના માર્ગદર્શન આપશે. કોન્ફરન્સમાં અનેક ઉદ્યોગ નિષ્ણાંતો અને વકતાઓ દ્વારા પ્રેરણાદાયી સત્રોનું આયોજન પણ કરાયુ છે.
આ કાર્યક્રમમાં વધુને વધુ વિદ્યાર્થી જોડાઇ શકે તે માટે રજીસ્ટ્રેશન લીંક પર તેમજ સી.એ. ઇન્સ્ટીટયુટ રાજકોટ બ્રાંચ મો.૯૪૦૯૭ ૭૧૮૮૫)નો સંપર્ક કરવા રાજકોટ બ્રાંચ વિકાસા ચેરમેન સી.એ. વિપુલ દત્તાણીએ જણાવેલ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ રાજકોટ બ્રાંન્ચના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:27 PM IST)










