તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 8th November 2025
મરવું હોય તો મરી જા, ત્રણ વાગ્યા સુધીમાં પૈસા દેવા જ પડશે...ધમકી મળતાં દેવશંકર મહેતાએ જીવ દીધો'તો
મકાનની લોનને બદલે છેતરીને ૧૫ ટકાના વ્યાજદરે બીઝનેસ લોન કરાવી દીધી, એકાદ હપ્તો ચુકાઇ જાય તો ૩ હજારની પેનલ્ટી વસુલવામાં આવતી હતીઃ ભગવતીપરાના વાયરમેને કરેલા આપઘાતમાં ચિઠ્ઠી પરથી વિગતો ખુલી : ૩૫ લાખની લોન અપાવનારા ફાયનાન્સ કર્મચારી સિધ્ધાર્થ ગોંડલીયા, સિધ્ધરાજ ગુજરીયા અને એક હિન્દીભાષી શખ્સ વિરૂધ્ધ મૃતકના ભાઇ ભરતભાઇ મહેતાની બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : ચિઠ્ઠીમાં લખ્યું હતું-તમે બધા મને માફ કરજો, મારું દુઃખ તમને કહી શકતો નથી, તમારુ દુઃખ મારાથી જોવાતું નથી, બધાને હર હર મહાદેવ, પોલીસને ખાસ સુચના વિસ્તાર ફાયનાન્સથી મારા પરિવારને બચાવજો, મારો વાંક છે મારા પરિવારનો નથી!

રાજકોટ તા. ૮: શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને વાયરમેન તરીકે કામ કરતા આધેડને મકાન ખરીદવા પૈસાની જરૂર પડતાં તમને ફાયનાન્સ કંપનીમાંથી લોન કરાવી અપાવવાના નામે ત્રણ શખ્સોએ મકાનની લોનના બદલે બિઝનેસ લોન કરાવી આપી છેતરપીંડી કરી પૈસાની સતત ઉઘરાણી કરી ઘરે આવી ગાળો દઇ લોનનો હપ્તો અઠવાડીયુ મોડો ભરાય તો ૩ હજારની પેનલ્ટી વસુલી તેની પહોંચ નહિ આપી તેમજ તેને ફોન કરી ‘તારે મરવું હોય તો મરી જા, પરંતુ પૈસા તો ત્રણ વાગ્યા સુધીમાં ચુકવવા જ પડશે' તેમ કહી વારંવાર ઉઘરાણી કરતાં કંટાળીને તેણે આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં ચિઠ્ઠીના આધારે પરિવારને વિગતો જાણવા મળતાં હવે ગુનો દાખલ કરાવ્યો છે.
જાણવા મળ્યા મુજબ બી-ડિવીઝન પોલીસે આ અંગે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટી-૩માં રહેતાં આપઘાત કરનાર દેવશંકરભાઇ રામજીભાઇ મહેતા-બ્રાહ્મણના મોટા ભાઇ ભરતભાઇ રામજીભાઇ મહેતા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી સિધ્ધાર્થ ગોંડલીયા, સિધ્ધરાજ ગુજરીયા અને અજાણ્યા હિન્દીભાષી તથા તપાસમાં ખુલે તેની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફાયનાન્સ કંપનીના ત્રણ જેટલા કર્મચારીઓ સામે ગેરમાર્ગે દોરીને લોન આપવા અને બાદમાં વસૂલાતના નામે સતત ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આપઘાત કરી લેનારા દેવશંકરભાઈ રામજીભાઈ મહેતા (ઉ.વ.૪૮) કોપરગ્રીન સોસાયટી, ભગવતીપરા ખાતે તેમના પરિવાર સાથે રહેતા હતા. દેવશંકરભાઈએ ગત તા. ૨૭/૦૯/૨૦૨૫ના સાંજે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે દેવશંકરભાઈને મકાન ખરીદવા માટે આશરે રૂ. ૩૫ લાખની જરૂરિયાત હતી. આ સમયે સિધ્ધાર્થ ગોંડલીયા નામના વ્યક્તિએ તેમને ઓછા વ્યાજ દરે ‘વિસ્તાર ફાઇનાન્સ'માંથી લોન કરાવી આપવાની લાલચ આપી હતી. જો કે લોન લેવા માટે રૂ. ૨૦ લાખનો પ્રોપર્ટી વીમો કોટક લાઇફમાંથી ફરજિયાત લેવડાવ્યો હતો અને તેના આધારે રૂ. ૩૩ લાખની લોન મંજૂર કરાવી આપી હતી.
પરંતુ જ્યારે દેવશંકરભાઈએ લોનનું સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે તેમને હાઉસીંગ લોનના બદલે બીઝનેસ લોન આપવામાં આવી છે, જેમાં ૧૫ ટકાનો ઊંચો વ્યાજદર લાગુ કરાયો હતો. આ સિવાય રૂ. ૩૯,૫૨૭ના માસિક હપ્તામાંથી માત્ર રૂ. ૪,૯૯૯ જ મૂડીમાંથી બાદ થતા હતા, જેનાથી તેઓ પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવતા હતા.
ભરતભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવશંકરભાઈ (જેઓ પાન-બીડીની ફેરીનું કામ કરતા હતા) જો દર મહિનાની પાંચ તારીખ સુધીમાં હપ્તો ન ભરી શકે, તો તરત જ સિધ્ધરાજ ગુજરીયા નામનો વ્યક્તિ તેમના ઘરે આવી જતો હતો અને રૂ. ૩,૦૦૦ પેનલ્ટી પેટે રોકડા અથવા સ્કેનર દ્વારા ભરવા ધમકાવતો હતો અને ગાળો પણ આપતો હતો, પરંતુ કોઈ રસીદ આપતો ન હતો. તેમજ ફાઇનાન્સ કંપનીની ઓફિસના મોબાઈલ નંબરો પરથી હિન્દી ભાષી અજાણ્યા વ્યક્તિઓ સતત ફોન કરીને ધમકીઓ આપતા હતા. ભરતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે એક વાર ફોન પર ધમકી આપતાં કહેવામાં આવ્યું હતું કે-તમારે મરવું હોય તો મરી જાવ, પરંતુ પૈસા તો ત્રણ વાગ્યા સુધીમાં ચૂકવવા જ પડશે.ૅ આ પ્રકારની ધમકીઓથી દેવશંકરભાઈ અત્યંત હતાશ અને ગુમસુમ રહેવા લાગ્યા હતા અને કામ પર જવાનું પણ છોડી દીધું હતું.
આ માનસિક દબાણને વશ થઈને દેવશંકરભાઈએ અંતિમ પગલું ભરતા પહેલા એક મરણ ચીઠ્ઠી પણ લખી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે પરિવારની માફી માંગી હતી અને પોતાના દુઃખનું વર્ણન કર્યું હતું. ચિઠ્ઠીમાં પોલીસને સંબોધીને સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પોલીસને ખાસ સૂચના વસ્તાર ફાઇનાન્સથી મારા પરિવારને બચાવજો.
આ પછી ભરતભાઈ મહેતાએ પોતાની ભાઇની આત્મહત્યા માટે જવાબદાર ગણીને સિધ્ધાર્થ ગોંડલીયા, સિધ્ધરાજ ગુજરીયા, અને ફોન પર ધમકી આપનાર અજાણ્યા હિન્દી ભાષી વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ મામલે બી-ડિવીઝન પીઆઇ એસ.એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એસ.બી. ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:53 PM IST)










